ડાઇંગ ડિકલેરેશન છતાં ચારેય આરોપીઓ નિર્દોષ : વેરાવળ સેશન્સ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો
એડવોકેટ મનીષ એન. ધોકડીયાની ધારદાર કાયદાકીય દલીલોને કોર્ટની માન્યતા; IPC કલમ-૩૦૬ના કેસમાં તમામ આરોપીઓને નિર્દોષ મુક્તિ

ડાઇંગ ડિકલેરેશન છતાં ચારેય આરોપીઓ નિર્દોષ : વેરાવળ સેશન્સ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો
એડવોકેટ મનીષ એન. ધોકડીયાની ધારદાર કાયદાકીય દલીલોને કોર્ટની માન્યતા; IPC કલમ-૩૦૬ના કેસમાં તમામ આરોપીઓને નિર્દોષ મુક્તિ
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
વેરાવળ : ચર્ચાસ્પદ આત્મહત્યા દુષ્પ્રેરણ (IPC કલમ-૩૦૬) કેસમાં નામદાર ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે મહત્વપૂર્ણ અને નોંધપાત્ર ચુકાદો આપતાં ચારેય આરોપીઓને તમામ આરોપોમાંથી નિર્દોષ જાહેર કરીને મુક્ત કરવાનો હુકમ કર્યો છે. આ કેસની સૌથી નોંધપાત્ર બાબત એ રહી કે મૃતકે અવસાન પહેલાં મામલતદાર સમક્ષ આપેલા મરણોન્મુખ નિવેદન (Dying Declaration)માં ચારેય આરોપીઓના નામ દર્શાવ્યા હોવા છતાં, માત્ર તે આધાર પર ગુનો સાબિત ન થઈ શકતાં કોર્ટે બચાવ પક્ષની દલીલોને સ્વીકારી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદીના સસરાના નામે આવેલી ખેતીની જમીન તોહમતદારોની માતાએ ખરીદી હતી. આ જમીન વેચાણને લઈને બંને પક્ષો વચ્ચે વિવાદ સર્જાયો હતો. ફરિયાદીનો આક્ષેપ હતો કે તકરાર દરમિયાન આરોપીઓએ તેમને ધમકી આપી હતી કે, “તારે તારો પતિ જોઈએ છે કે જમીન?” આ ઘટનાથી માનસિક રીતે વ્યથિત થયેલી ફરિયાદીએ ઝેરી દવા પી લીધી હતી. સારવાર દરમિયાન હોસ્પિટલમાં મામલતદાર સમક્ષ આપેલા મરણોન્મુખ નિવેદનમાં ચાર આરોપીઓના નામ નોંધાવ્યા હતા, જેના આધારે તાલાલા પોલીસ સ્ટેશનમાં IPC કલમ-૩૦૬ હેઠળ ગુનો નોંધાયો હતો.
કેસની સુનાવણી દરમિયાન બચાવ પક્ષના વિદ્વાન એડવોકેટ મનીષ એન. ધોકડીયાએ ભારતીય પુરાવા અધિનિયમ તેમજ સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઇકોર્ટના મહત્વપૂર્ણ ચુકાદાઓનો આધાર લઈને દલીલ કરી હતી કે માત્ર ડાઇંગ ડિકલેરેશનમાં નામનો ઉલ્લેખ હોવો પૂરતો નથી. આત્મહત્યા માટે જરૂરી પ્રત્યક્ષ કે પરોક્ષ ઉશ્કેરણી, આરોપીઓની ગુનાહિત માનસિકતા તથા કાયદેસર જરૂરી તત્ત્વો કેસમાં સાબિત થતા નથી.
બંને પક્ષોની દલીલો, સાક્ષીઓ અને ઉપલબ્ધ પુરાવાઓનું મૂલ્યાંકન કર્યા બાદ નામદાર ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજશ્રીએ નોંધ્યું કે આરોપીઓ સામે IPC કલમ-૩૦૬ હેઠળનો ગુનો શંકાથી પર સાબિત થતો નથી. પરિણામે, તા. ૦૩ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ ચારેય આરોપીઓને તમામ આરોપોમાંથી નિર્દોષ જાહેર કરીને મુક્ત કરવાનો ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો.
આ કેસમાં આરોપીઓ તરફથી સફળતાપૂર્વક બચાવ પક્ષની વકીલાત એડવોકેટ મનીષ એન. ધોકડીયાએ કરી હતી. આ ચુકાદો આત્મહત્યા દુષ્પ્રેરણના કેસોમાં માત્ર મરણોન્મુખ નિવેદનના આધારે દોષિત ઠેરવી શકાય નહીં અને કાયદેસર જરૂરી તમામ તત્ત્વો સાબિત થવા આવશ્યક છે તે સિદ્ધાંતને વધુ મજબૂત બનાવતો મહત્વપૂર્ણ ચુકાદો માનવામાં આવી રહ્યો છે.




