BHUJGUJARATKUTCH

કચ્છની દીકરીઓએ કલેક્ટર કચેરી ખાતે “મોક સંકલન” યોજીને જિલ્લાના પ્રશ્નો અને તેના ઉકેલ પર કર્યું મનોમંથન

નારી વંદન સપ્તાહની ઉજવણી હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરાઇ આગવી પહેલ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

જિલ્લાના પદાધિકારી ઓ તથા ઉચ્ચઅધિકારી ઓની ભૂમિકા ભજવીને દીકરીઓ વહીવટી કામગીરીથી થઇ માહિતગાર

ભુજ,તા-૦૫ ઓગસ્ટ : દીકરીઓ માત્ર ભણે નહીં પરંતુ તેમણે સેવેલા સપના પણ સાકાર કરે તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે તેનું ઉદાહરણ આજે કચ્છ વહીવટી તંત્રની એક આગવી પહેલરૂપે જોવા મળ્યું હતું. એક દિવસ માટે ચૂંટાયેલા પદાધિકારીઓ તથા વહીવટી અધિકારીઓની ભૂમિકા ભજવીને કચ્છની દીકરીઓએ કલેક્ટર કચેરી ખાતે મોક સંકલન યોજી હતી. મોક સંકલનના માધ્યમથી દીકરીઓ મંત્રી, સાંસદ, ધારાસભ્ય સહિતના પદાધિકારીઓ તથા કલેક્ટર, એસ.પી, ડીડીઓ સહિતના ઉચ્ચ અધિકારીઓની ભૂમિકા અદા કરીને તેમની કામગીરી તેમજ વહીવટી પ્રક્રિયાથી પરિચિત બનીને ગ્રહણ કરેલ હોદા માટે એક ગૌરવપૂર્ણ લાગણી અનુભવી હતી. ભુજ ખાતે કલેક્ટર કચેરી ખાતે શક્તિ લીડરશીપ “મોક સંકલન”નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધો.૧૦ થી કોલેજ સુધીનો અભ્યાસ કરતી ૧૦૬ વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. દર માસે યોજાતી સંકલનની પ્રતિકૃતિરૂપ આજે યોજાયેલી મોક સંકલનમાં આ વિદ્યાર્થિનીઓ રાજ્યમંત્રી, સાંસદશ્રી, સર્વ ધારાસભ્યશ્રીઓ તથા જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના પદાધિકારીઓની ભૂમિકા ભજવીને કચ્છને સતાવતા પ્રશ્નોની રજૂઆતો કરી હતી. આ સાથે કલેક્ટર, એસ.પી, જિલ્લા વિકાસ અધિકારી સહિત વહીવટના ઉચ્ચ અધિકારીઓની ભૂમિકા ભજવીને તેના ઉકેલ સાથે તેના જવાબ આપીને મોક સંકલનમાં ભાગ લીધો હતો. બેઠકમાં વિદ્યાર્થિનીઓએ પોતાની ભૂમિકા બખૂબી બજાવીને કચ્છના વિવિધ વિસ્તારના આરોગ્ય, મહિલા, રસ્તા, પાણી સહિતના પ્રશ્નોની રજૂઆત કરીને તેના ઉકેલ અંગે મનોમંથન કર્યું હતું.  મોક સંકલનમાં કચ્છ કલેક્ટર અનિલ રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમે ખાસ ઉપસ્થિત રહીને વિદ્યાર્થિનીઓને પ્રોત્સાહિત કરી હતી. આ પ્રસંગે તાલીમી સનદી અધિકારી માર્ગી શાહ, જિલ્લા મહિલા અને બાળ અધિકારી અવનીબેન દવે પણ હાજર રહ્યા હતા.આ પ્રસંગે કલેક્ટર એ અનોખા કાર્યક્રમના આયોજન માટે અભિનંદન પાઠવતા દીકરીઓ ભવિષ્યમાં પદાધિકારી અને અધિકારી બને તેવી શુભકામના પાઠવી હતી. કલેક્ટર એ દર માસે યોજાતી સંકલન બેઠકનું મહત્વ, બેઠકની કાર્યવાહી, ફળશ્રુતિ, પદાધિકારી ઓ તથા અધિકારી ઓની ભૂમિકા, પ્રશ્નોનું નિરાકરણ સહિતની માહિતીથી દીકરીઓને અવગત કરીને વહીવટી કામગીરીના પાઠ ભણાવ્યા હતા. રાજ્ય સરકારની લોકસેવા તથા વિકાસ માટેની પ્રતિબદ્ધ વ્યક્ત કરતા કલેક્ટર એ વિદ્યાર્થિનીઓને દિલથી અભ્યાસ કરીને પોતે સેવેલા સપના સાકાર કરવા શુભેચ્છા આપી હતી. ઉલ્લેખનીય છે કે, જે રીતે પદાધિકારી ઓ તથા અધિકારી ઓ બેઠકમાં ભાગ લેવા સરકાર દ્વારા ફાળવાયેલી ગાડીમાં આવતા હોય છે તે જ રીતે દીકરીઓ પણ પોતે ગ્રહણ કરેલા હોદાની રૂએ સરકારી ગાડીમાં બેઠકમાં ભાગ લેવા આવી પહોંચી હતી. એક દિવસ માટે ચૂંટાયેલા પદાધિકારી તથા અધિકારી બનવા સાથે હોદાની રૂએ જવાબદારી તથા ફરજ અદા કરીને વિદ્યાર્થિનીઓ ખુશી તથા ગૌરવ સાથે ભાવુક બની હતી.

Back to top button
error: Content is protected !!