અમદાવાદમાં બિહારી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા હોલી મિલન સમારોહ અને બિહાર સ્થાપના દિવસની ઉજવણી
રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ: વટવામાં બિહારી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત હોલી મિલન સમારોહ અને બિહાર સ્થાપના દિવસની ઉજવણીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી અને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના મંત્રને મજબૂત બનાવવાના સંકલ્પને બિરદાવ્યો.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ગુજરાત અને બિહાર વચ્ચે પ્રાચીન સંબંધો છે. બિહારપુત્રી સિતામાતા વનવાસ દરમિયાન શ્રીરામ સાથે ગુજરાતના દંડકારણ્યમાં વિહર્યા હતા, જ્યારે ગાંધીજીનો પ્રથમ સત્યાગ્રહ પણ બિહારના ચંપારણમાં થયો હતો.
ગુજરાત અને બિહાર ઐતિહાસિક અને રાજકીય ચળવળોના સાથી રહ્યાં છે, એમ જણાવતાં મુખ્યમંત્રીએ સરદાર વલ્લભભાઈ પટેલના સંકલ્પથી સોમનાથ મંદિરના પુનઃસ્થાપન માટે બિહારના પુત્ર, રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ દ્વારા પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હોવાનું યાદ કર્યું.
મુખ્યમંત્રીએ બિહારી સમાજના યોગદાનને બિરદાવ્યું અને ગુજરાતમાં બિહાર સ્થાપના દિવસ, છઠ પૂજા અને હોળીની ઉજવણી રાજયના સાંસ્કૃતિક સૌહાર્દનું પ્રતિનિધિત્વ કરે છે તેવું ઉમેર્યું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહ મંત્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં કલમ 370ની નાબૂદી અને રાષ્ટ્રીય એકતાના પગલાંઓ અંગે પણ મુખ્યમંત્રીએ વિશેષ ઉલ્લેખ કર્યો.
આ પ્રસંગે ભોજપુરી સુપરસ્ટાર અને દિલ્હીના સાંસદ મનોજ તિવારી ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેમની હાજરીએ લોકોને ઉત્સાહિત કર્યા. બિહારી કલાકારો દ્વારા ભોજપુરી સંગીત પ્રસ્તુતિઓ પણ યોજાઈ હતી.
સમારંભમાં અમદાવાદ મહાનગરપાલિકાના મેયર પ્રતિભા જૈન, પૂર્વ મંત્રીઓ ગોરધન ઝડપિયા અને પ્રદીપસિંહ જાડેજા, તેમજ વિવિધ ધારાસભ્યો, ટ્રસ્ટના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉપદેશ ગિરી, ઉપાધ્યક્ષ શૈલેષ સિંહ, પ્રવક્તા સુનીલ તિવારી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.