શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માન કરી ટીંબાગામના શિક્ષક રઘુભાઈ ભરવાડને ચિત્રકૂટ એવોર્ડ મોરારી બાપુના હસ્તે અર્પણ કરાયો.
ગોધરા :
નિલેશભાઈ દરજી શહેરા
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ટીંબાગામ પ્રાથમિક શાળાના શિક્ષક રઘુભાઈ સોથાભાઈ ભરવાડને તેમની ઉત્કૃષ્ટ શૈક્ષણિક કામગીરી બદલ પ્રતિષ્ઠિત ચિત્રકૂટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તલગાજરડા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વિશ્વવંદનીય મોરારીબાપુના હસ્તે તેમને આ સન્માન એનાયત કરવામાં આવ્યું.
દર વર્ષે દરેક જિલ્લામાંથી એક શ્રેષ્ઠ શિક્ષકને આ પુરસ્કારથી નવાજવામાં આવે છે. વર્ષ 2024 માટે પંચમહાલ જિલ્લામાંથી રઘુભાઈ ભરવાડની પસંદગી કરવામાં આવી હતી. સન્માન સમારંભમાં મોરારીબાપુએ તેમને શાલ, પ્રમાણપત્ર, મોમેન્ટો અને 25,000નો ચેક અર્પણ કર્યો હતો.
આ સન્માનથી સમગ્ર પંચમહાલ જિલ્લામાં હર્ષની લાગણી છવાઈ ગઈ છે. જિલ્લાના શિક્ષણ વિભાગ, સારસ્વત સમાજ, ગ્રામજનો અને વિવિધ શિક્ષક સંગઠનો તરફથી રઘુભાઈને શુભેચ્છાઓનો ધોધ વરસ્યો હતો. તાલુકા, જિલ્લા અને રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે પણ આ સિદ્ધિ બદલ તેમને અભિનંદન પાઠવ્યા હતા.