ARAVALLIGUJARATMODASA

યાત્રાધામ શામળાજીમાં કાળિયા ઠાકોરને સોનાની રાખડી અર્પણ,પૂનમના દર્શનાર્થે ભક્તોની ભારે ભીડ 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

યાત્રાધામ શામળાજીમાં કાળિયા ઠાકોરને સોનાની રાખડી અર્પણ,પૂનમના દર્શનાર્થે ભક્તોની ભારે ભીડ

સમગ્ર દેશ સહિત રાજ્યભરમાં આજે રક્ષાબંધનના પવિત્ર તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે અરવલ્લી જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે પણ આ પર્વ અતિ ઉત્સાહ, ભાવ અને શ્રદ્ધાપૂર્વક ઉજવાયો હતો. રક્ષાબંધન પ્રસંગે હજારો ભક્તો પોતાના આરાધ્ય દેવ ભગવાન શામળિયા માટે રેશમી અને વિશેષ રાખડીઓ લઈને શામળાજી મંદિરે પહોંચ્યા હતા. આજે પવિત્ર દિને ભગવાન શામળિયાને મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ સોનાની રાખડી બાંધવામાં આવી હતી, જે રાખડી મંદિરના પૂજારી દ્વારા ઠાકોરજીના શ્રીહસ્તે અર્પણ કરાઈ હતી. આ પ્રસંગે ભગવાન શામળિયાને સોનાના વિશેષ આભૂષણોથી શણગારવામાં આવ્યા હતા અને સવારની શણગાર આરતીમાં હજારો શ્રદ્ધાળુઓએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

સામાન્ય રીતે રક્ષાબંધનના તહેવાર પર બહેન પોતાના ભાઈના કાંડે રાખડી બાંધી તેના દીર્ઘાયુ અને મંગલની કામના કરે છે, સામે પક્ષે ભાઈ પણ બહેનની રક્ષા વચન આપે છે. પરંતુ યાત્રાધામ શામળાજી ખાતે એક અનોખો ભક્તિભાવ જોવા મળ્યો હતો, જ્યાં ભક્તોએ સ્વયં ભગવાનને પોતાના રક્ષક માનીને રાખડી અર્પણ કરી પોતાના પરિવારના કલ્યાણની પ્રાર્થના કરી હતી. આદિકાળથી એવી માન્યતા છે કે જ્યારે ભક્ત ભગવાનને રક્ષાના તાંતણે બાંધે છે ત્યારે ભગવાન પણ ભક્તની વહારે આવે છે. આ જ શ્રદ્ધા સાથે વહેલી સવારથી જ શામળાજી મંદિર પરિસરમાં ભક્તોનું મહેરામણ ઉમટી પડ્યું હતું.મંદિર પરિસરમાં વહેલી સવારથી જ ભકતો લાંબી લાઇન ઉભા રહી ને ભગવાન નાં સન્મુખ દર્શન કરી ધન્યતા અનુભવી હતી

રક્ષાબંધનના પવિત્ર પર્વે મંદિરમાં દર્શનાર્થે આવેલી મહિલાઓ અને યુવતીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. દૂર-દૂરથી આવેલી બહેનોએ કાળિયા ઠાકોરના ચરણોમાં રાખડી મૂકીને સમગ્ર પરિવાર પર પોતાના આરાધ્ય દેવના આશીર્વાદ જળવાઈ રહે તેવી મનોકામના કરી હતી. સમગ્ર મંદિર પરિસર ‘જય શામળિયા’ના નાદથી ગુંજી ઉઠ્યું હતું.

Back to top button
error: Content is protected !!