
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) દ્વારા સેવા સપ્તાહ અંતર્ગત વઘઈની સેવા વસ્તી વસાહત ખાતે રક્ષાબંધન ઉત્સવની ભાવભીની ઉજવણી કરવામાં આવી હતી. રક્ષાબંધનના પવિત્ર પર્વને સામાજિક સેવા અને સમરસતાના સંદેશ સાથે જોડતા વિદ્યાર્થીઓને નોટબુક, બોલપેન, પેન્સિલ, કંપાસ સહિતની શૈક્ષણિક કીટ તેમજ સ્કૂલ ડ્રેસનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ સેવાકીય કાર્યક્રમમાં RSSના સેવાભાવી કાર્યકર્તા ડાંગ જિલ્લા કાર્યવાહ ગોવિંદભાઈ કુંવર, ડાંગ જિલ્લા સેવા પ્રમુખ હકમભાઈ રબારી, વિશ્વ હિન્દુ પરિષદ વલસાડ વિભાગના સહમંત્રી રવિભાઈ સૂર્યવંશી, વિશ્વ હિન્દુ પરિષદ ડાંગ જિલ્લા મંત્રી બ્રિજેશભાઈ ઠાકર, આદિવાસી હિન્દુ સમાજના આગેવાન તથા આદિવાસી સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ, વઘઈના ટ્રસ્ટી રિતેશભાઈ પટેલ, સમાજસેવક સુરેશભાઈ કાંજીયા, ડૉ. નિખિલ ઠાકોર સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન રક્ષાબંધનના પર્વના સામાજિક મહત્વ પર પ્રકાશ પાડતા જણાવાયું હતું કે, રક્ષાબંધન માત્ર ભાઈ-બહેનના પ્રેમનો પવિત્ર તહેવાર નથી, પરંતુ પરસ્પર પ્રેમ, વિશ્વાસ અને રક્ષણના સંકલ્પનું પ્રતીક છે. સમાજમાં જાતિ, પંથ અને ભેદભાવ ભૂલી સૌને સાથે લઈને ચાલવાની ભાવના વધુ મજબૂત બને તેવો સંદેશ આપવામાં આવ્યો હતો.
વિદ્યાર્થીઓને શૈક્ષણિક સામગ્રી અને સ્કૂલ ડ્રેસનું વિતરણ કરી શિક્ષણ પ્રત્યે પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સેવાકીય પ્રવૃત્તિ થકી હિન્દુ એકતા, સામાજિક સમરસતા, ભાઈચારો અને સમાજના દરેક વર્ગ પ્રત્યે સન્માનની ભાવના મજબૂત કરવાનો સંદેશ આપવામાં આવ્યો. રક્ષાબંધનના પવિત્ર પર્વે સેવા, સંસ્કાર અને સામાજિક એકતાનો સુંદર સંગમ જોવા મળ્યો હતો.



