GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

₹1.70 લાખના ચેક બાઉન્સ કેસમાં હાલોલ કોર્ટનો મહત્વનો નિર્ણય: પુરાવાના અભાવે આરોપીને નિર્દોષ જાહેર.

તારીખ ૧૦/૦૮/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ

હાલોલની એડી. ચીફ જ્યુડીશીયલ મેજિસ્ટ્રેટ કોર્ટે ધી નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-૧૩૮ હેઠળ ચાલી રહેલા ચેક રિટર્નના એક ચર્ચાસસ્પદ કેસમાં આરોપી સઈદભાઈ મુસ્તાકભાઈ બાગવાલાને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો છે.

ફરિયાદી શકીલભાઈ મજીદભાઈ પિંજારા (રહે. પાવાગઢ રોડ, હાલોલ) એ તેમના સગા મામાના દીકરા અને આરોપી સઈદભાઈ બાગવાલા સામે કાનૂની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, પોલ્ટ્રી ફાર્મના ધંધા માટે નાણાકીય જરૂરિયાત ઊભી થતાં સઈદભાઈએ ફરિયાદી પાસેથી શકીલભાઈ ઉમરભાઈ બાદશાહ ની હાજરીમાં રૂ. ૧,૭૦,૦૦૦/- અઠવાડિયા માટે હાથ ઉછીના લીધા હતા.આ રકમ ચૂકવવા માટે સઈદભાઈએ HDFC બેંક, હાલોલ શાખાનો રૂ. ૧.૭૦ લાખનો ચેક આપ્યો હતો. જોકે, ફરિયાદીએ કોટક મહિન્દ્રા બેંકમાં ચેક જમા કરાવતા, “એકાઉન્ટ બ્લોક્ડ” ના શેરા સાથે ચેક સ્વીકારાયા વિના પરત ફર્યો હતો. કાનૂની નોટિસ મોકલવા છતાં નાણાં ન ચૂકવાતા ફરિયાદીએ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો જેમાં આરોપી તરફે એડવોકેટ જે બી જોશી અને વી એસ ગોહિલ હાજર રહ્યા હતા.કેસની સુનાવણી દરમિયાન ફરિયાદી પક્ષ પોતાનો કેસ નિઃશંકપણે સાબિત કરવામાં નિષ્ફળ રહ્યો હતો.ફરિયાદીએ દાવો કર્યો હતો કે તેમણે પોતાના બે છકડા વેચીને રોકડ રકમ ઘરે રાખી હતી. પરંતુ, છકડા વેચ્યા અંગેનો કે RTO ના માલિકી ફેરફાર અંગેનો કોઈ જ આધાર-પુરાવો રજૂ કરી શક્યા નહોતા. પૈસાની લેવડદેવડ શકીલભાઈ ઉમરભાઈ બાદશાહ નામના વ્યક્તિની હાજરીમાં થઈ હોવાનું જણાવાયું હતું, પરંતુ તેમને સાક્ષી તરીકે કોર્ટમાં તપાસવામાં આવ્યા નહોતા કોર્ટે નોંધ્યું કે ચેકમાં સહી સિવાયનું લખાણ અને ચેક જમા કરાવવાની સ્લીપના અક્ષરો એક જ વ્યક્તિના (બ્લેક પેનથી) છે. જ્યારે આરોપી શિક્ષિત હોવા છતાં ચેકની બોડી અન્ય કોઈ પાસે લખાવવાનું કોઈ વાજબી કારણ જણાતું નહોતુ.આરોપીએ ફરિયાદીને ગુગલ-પે મારફતે અગાઉ આશરે દોઢ લાખ રૂપિયા ચૂકવેલા હોવાનું સામે આવ્યું હતું, જે અંગે ફરિયાદીએ પોતાની મૂળ ફરિયાદમાં મૌન સેવ્યું હતું.અદાલતે તમામ મૌખિક તથા દસ્તાવેજી પુરાવાઓ ધ્યાને લઈ નોંધ્યું કે, ફરિયાદી પોતાની આર્થિક ક્ષમતા અને કાયદેસરનું લેણું સાબિત કરી શક્યા નથી તથા માત્ર સહી કરેલા ચેકનો દુરુપયોગ થયો હોવાનો આરોપીનો બચાવ ગ્રાહ્ય રાખવા યોગ્ય છે. આથી હાલોલના એડી ચીફ જયુ મેજિસ્ટ્રેટ આર બી જોશી દ્વારા આરોપી સઈદભાઈ મુસ્તાકભાઈ બાગવાલાને નિર્દોષ મુક્ત કરવાનો ચુકાદો આપ્યો છે.

Back to top button
error: Content is protected !!