વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી પાછોતરા વરસાદનાં પગલે ડાંગી ખેડૂતોનાં પાકોને જંગી નુકસાન થતા ડાંગી ખેડૂતો પાયમાલ બન્યા છે. વળતર માટે વલસાડ ડાંગનાં સાંસદ ધવલભાઈ પટેલે રાજ્યનાં કૃષિ મંત્રીને રજૂઆત કરી
રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી વરસાદી માહોલ જામતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં શુક્રવારે સાંજથી રાત્રીનાં અરસામાં તથા શનિવારે દિવસ દરમ્યાન વીજળીનાં કડાકા ભડાકા સાથે ક્યાંક છૂટોછવાયો તો ક્યાંક મધ્યમ તો ક્યાંક ધોધમાર સ્વરૂપેનો વરસાદ તૂટી પડતા સર્વત્ર પાણીની રેલમછેલ ફરી વળી હતી.ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, શામગહાન,ગલકુંડ, બોરખલ, આહવા,ચીંચલી, લવચાલી, સિંગાણા, પીપલદહાડ, ગારખડી, સુબિર, મહાલ, બરડીપાડા,ભેંસકાતરી,ઝાવડા,વઘઇ, પીંપરી,સાકરપાતળ સહીત પૂર્વપટ્ટી અને સરહદીય ગામડાઓમાં શનિવારે ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો.ડાંગ જિલ્લામાં સતત એક સપ્તાહથી પડી રહેલા વરસાદનાં પગલે અંબિકા, ખાપરી,પૂર્ણા અને ગીરા નદીનાં જળસ્તરમાં વધારો થયો છે.સાથે નાના મોટા જળધોધ ફરી ખીલી ઉઠ્યા છે.ગિરિમથક સાપુતારા ખાતે વરસાદી માહોલ બાદ રોજેરોજ સમયાંતરે ગાઢ ધુમ્મસિયા વાતાવરણની સફેદ ચાદર ઓઢાઈ રહેતા જોવાલાયક સ્થળોના દ્રશ્યો મનમોહક બની જવા પામ્યા હતા.ડાંગ જિલ્લામાં એક સપ્તાહથી પાછોતરો વરસાદ વરસી રહ્યો છે.ત્યારે વરસાદ અને પવન ફૂંકાવવાને કારણે ખેડૂતોના પાકને જંગી નુકસાન થયુ છે.આ અંગે ડાંગ – વલસાડનાં સાંસદ ધવલ પટેલે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલને લેખિત રજૂઆત કરી હતી.ડાંગ જિલ્લામાં ખેડૂતો મુખ્યત્વે ચોમાસાની ખેતી પર નિર્ભર હોય છે.ત્યારે છેલ્લા એક અઠવાડિયાથી અચાનક પડેલા ભારે વરસાદને કારણે ડાંગર સહિત અન્ય પાકોને નુકસાન થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.સાંસદ ધવલભાઈ પટેલે આ અંગેની ગંભીરતા જાહેર કરતા મત વિસ્તારનાં ખેડૂતોને વળતર આપવાની માંગ કરી છે.સાંસદ ધવલભાઈ પટેલે કૃષિ મંત્રી ને રજૂઆત કરતા જણાવ્યુ હતુ કે,પાછલા અમુક દિવસોમાં વલસાડ, ડાંગ અને નવસારી જિલ્લામાં થયેલ અતિવૃષ્ટિને કારણે ખેડૂતોના ડાંગર તેમજ અન્ય પાકોને પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયેલ છે.ખેડૂતોને થયેલ આ પાકોના નુકસાન બદલ આદિવાસી ખેડૂત સમાજને મદદરૂપ થાય તે દિશામાં તેમને આર્થિક તેમજ અન્ય સહાય મળે તેવી ભલામણ કરવામાં આવે.વલસાડ ડાંગનાં સાંસદ ધવલભાઈ પટેલની આ રજૂઆત બાદ ડાંગ જિલ્લાના ખેડૂતોએ તેમની હકારાત્મક કામગીરીને બિરદાવી હતી.તેમજ સરકાર ખેડૂતોની સમસ્યાઓને ગંભીરતાથી લઈને યોગ્ય પગલા ભરશે એવી આશા સેવાઈ રહી છે.ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમ્યાન સાપુતારા પંથકમાં 22 મિમી, સુબિર પંથકમાં 32 મિમી અર્થાત 1.28 ઈંચ, આહવા પંથકમાં 37 મિમી અર્થાત 1.48 ઈંચ, જ્યારે સૌથી વધુ વઘઇ પંથકમાં 58 મિમી અર્થાત 2.32 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો..