દિયોદરમાં માસ-મટનની હાટડીઓ સામે ગૌપ્રેમીઓનો રોષ: પોલીસ મથક બહાર મહિલાઓનો દેખાવો

દિયોદરમાં માસ-મટનની હાટડીઓ સામે ગૌપ્રેમીઓનો રોષ: પોલીસ મથક બહાર મહિલાઓનો દેખાવો
પ્રતિનિધિ :દિયોદર ફોટો. અહેવાલ કલ્પેશ બારોટ
પરવાનગી વગર વેચાણનો આક્ષેપ, મહિલાઓએ પોલીસને આવેદન આપી બંધ કરાવવાની માંગ કરી
દિયોદર દિયોદર શહેરમાં માસ-મટનની હાટડીઓ સામે રવિવારે ગૌપ્રેમીઓ અને ભજન મંડળીની મહિલાઓનો ભારે વિરોધ જોવા મળ્યો હતો. ધાર્મિક સ્થળો અને આંગણવાડી કેન્દ્રો પાસે ખુલ્લેઆમ વેચાણ થતું હોવાના આક્ષેપ સાથે મહિલાઓ પોલીસ મથકે પહોંચી લેખિત રજૂઆત કરી હતી.
દિયોદર મહાદેવ મંદિર ખાતે ભજન મંડળીની મહિલાઓએ ભજનનો કાર્યક્રમ યોજ્યા બાદ રેલી સ્વરૂપે પોલીસ મથકે કૂચ કરી હતી. રેલીમાં મોટી સંખ્યામાં ગૌપ્રેમીઓ પણ જોડાયા હતા. હાથમાં બેનરો લઈને મહિલાઓએ માસ-મટનની હાટડીઓ સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો મહિલાઓએ પોલીસ મથકે પહોંચી આવેદનપત્ર આપી રજૂઆત કરી કે દિયોદર શહેરમાં ઘણા સમયથી ઠેર-ઠેર પરવાનગી વગર માસ-મટનની હાટડીઓ ધમધમી રહી છે. આ હાટડીઓ ધાર્મિક સ્થળો અને આંગણવાડી કેન્દ્રોની નજીક ખુલ્લેઆમ ચાલે છે, જેથી તેમની ધાર્મિક લાગણી દુભાય છે.
રોષે ભરાયેલી મહિલાઓએ જણાવ્યું કે દિવસ દરમિયાન મૂંગા પશુઓની હત્યા કરીને થતું વેચાણ તેમની ગૌપ્રેમની ભાવનાને ઠેસ પહોંચાડે છે. મહિલાઓએ તંત્રને તાત્કાલિક પગલાં લઈ આ હાટડીઓ બંધ કરાવવાની માંગ કરી હતી. આ રેલીમાં અલકાબેન ત્રિવેદી,કમળાબેન પુરોહિત,પ્રદીપભાઈ શાહ,અમરતભાઈ ભાટી,રમેશભાઈ ભાટી,પાબુજી ઠાકોર સહિત ગૌપ્રેમીઓ જોડાયા હતા
*ચીમકી ઉચ્ચારી*
મહિલાઓએ ચીમકી ઉચ્ચારતા કહ્યું કે જો માસ-મટનનો વેપાર બંધ નહીં થાય તો તેમને ના છૂટકે જનતા રેડ કરવાની ફરજ પડશે. “અમારી લાગણીઓ દુભાય છે. જવાબદાર તંત્ર સત્વરે આ હાટડીઓ બંધ કરાવે. જો તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં નહીં ભરાય તો મહિલાઓ પોલીસ મથકે પહોંચી શકે તો હાટડીઓ પર પણ પહોંચી બંધ કરાવીશું”, એવી રજૂઆત મહિલાઓએ કરી હતી.
પોલીસ તંત્રે આવેદનપત્ર સ્વીકારી યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી હતી.





