નવસારી જિલ્લામાં છેલ્લા પાંચ મહિનામાં રેઇડ દરમિયાન ૮ બાળ મજૂરો મળી આવતા ૬ સંસ્થાઓ સામે કોર્ટ કેસ કરાયા
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
*૧૨ જૂન વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસ*
*નવસારી જિલ્લા ટાસ્કફોર્સની ટીમ દ્વારા જાન્યુઆરી થી મે દરમિયાન ૭૦ જેટલી સંસ્થાઓ ઉપર ૧૨ રેઇડ દરમિયાન ૦૮ તરૂણ શ્રમયોગીઓ મળી આવતા ૦૬ સંસ્થાઓ સામે કોર્ટ કેસ કરાયા*
નવસારી,તા.૧૧: આજે ૧૨ જૂનને ‘વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. બાળ મજુરી એક સામાજિક સમસ્યા છે. આ સમસ્યાને નિવારવા માટે રાજ્ય સરકાર દ્વારા નિવારાત્મક કાર્યોના ભાગરૂપે રેઇડ-રેસ્ક્યુ અને મુકત કરાવેલ બાળકોના પુન:વસન વગેરે કામગીરી કરવામાં આવે છે. પરંતુ આ સમસ્યાને જડમૂળથી ઉખેડવા લોકોમાં જનજાગૃતિ અને સમાજ પ્રત્યે જવાબદારીની ભાવના હોવી જરૂરી છે.
સમગ્ર ગુજરાત રાજય સહિત નવસારી જિલ્લામાં બાળમજૂરીની સમસ્યાને દુર કરવા માટે મુખ્ય બે પ્રકારના કાર્યો કરવામાં આવે છે. નિવારાત્મક કાર્યોમાં કાયદાના અમલીકરણ માટે રેઇડ- રેસ્ક્યુનું આયોજન કરી બાળ અને તરુણ શ્રમિકોને મુક્ત કરાવવાની કામગીરી કરવામાં આવે છે. જયારે અટકાયતી કાર્યોમાં આ સમસ્યાના સમાધાનના ભાગરૂપે જનજાગૃતિના કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે.
નવસારી જિલ્લા ટાસ્કફોર્સની ટીમ દ્વારા બાળ તથા તરૂણ મજૂરી નાબુદ કરવા માટે નવસારી જિલ્લામાં રેઇડ અને રેસ્ક્યુની કામગીરી દર મહિને કરવામાં આવે છે. નવસારી જિલ્લામાં કલેક્ટરશ્રીના અધ્યક્ષતા હેઠળ બાળ/તરૂણ શ્રમયોગી(પ્રતિબંધ અને નિયમન) અધિનિયમ-૧૯૮૬ અંતર્ગત રચાયેલ જિલ્લા ટાસ્ક ફોર્સની ટીમ નવસારી દ્વારા બાળ તથા તરૂણ શ્રમયોગીઓને માલિક દ્વારા મજુરી કામ કરાવતા કામ પરથી મુક્ત કરાવવા માટે જાન્યુઆરી-૨૦૨૫ થી મે-૨૦૨૫ માસ દરમિયાન જિલ્લામાં જુદી જુદી ૭૦ જ્ગ્યાઓએ રેઇડ કરવામાં આવી હતી.
વિગતવાર જોઇએ તો, નવસારી જિલ્લા ટાસ્કફોર્સની ટીમ દ્વારા જાન્યુઆરી-૨૦૨૫ થી મે-૨૦૨૫ માસ દરમિયાન કુલ-૧૨ રેઇડ કરવામાં આવી હતી. જેમાં અલગ અલગ ૭૦ જેટલી સંસ્થાઓ ખાતે રેઇડ કરવામાં આવી હતી. જેમાં તપાસ દરમિયાન મળેલ ૦૮ તરૂણ શ્રમયોગીઓ બિનજોખમીકારક પ્રક્રિયામાં કામ કરતા હોવાથી તેમના કાર્યસ્થળ અને કામના નિયમન માટે જેતે ૦૮ સંસ્થાઓને નિયમનની નોટીસ પાઠવવામાં આવી હતી. જે માંથી ૦૬ સંસ્થાઓ સામે નામ. મજુર અદાલત, નવસારી ખાતે ફોજદારી ઈન્કવાયરી કેસ દાખલ કરવામાં આવ્યાં છે. આમ નવસારી જિલ્લામાં બાળ મજૂરીને નાબુદ કરવા સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. એક જાગૃત નાગરિક તરીકે આપણે સૌ બાળકોને બાળપણનો નિર્દોષ આનંદ લૂંટવાનો અવસર આપીએ અને બાળ મજૂરી રહિત સમાજનું નિર્માણ કરીએ.
નોંધનિય છે કે, ૧૪ વર્ષથી નીચેના બાળકોને કોઈપણ પ્રકારના કામે રાખવા પર અને ૧૪ વર્ષથી મોટા અને ૧૮ વર્ષથી નાના તરુણોને જોખમી વ્યવસાય કે પ્રક્રિયામાં કામે રાખવા પર પ્રતિબંધ છે. આ ગુના બદલ માલિકને રૂ.૨૦ હજાર થી ૦૧ લાખ સુધીનો દંડ અથવા ૦૬ મહિના થી ૦૨ વર્ષ સુધીની જેલ સજા અથવા બંને થઇ શકે છે.