HALVAD:હળવદના પ્રતાપગઢમાં પત્નીને તેડવા બાબતે : સસરા પર છરીથી જીવલેણ હુમલો, વચ્ચે પડેલી મહિલા પણ ઘાયલ

HALVAD:હળવદના પ્રતાપગઢમાં પત્નીને તેડવા બાબતે : સસરા પર છરીથી જીવલેણ હુમલો, વચ્ચે પડેલી મહિલા પણ ઘાયલ
છૂટાછેડા થઈ ગયા હોવા છતાં પત્નીને લેવા આવેલા જમાઈએ આચર્યું હિંસક કૃત્ય; હળવદ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

હળવદ તાલુકાના પ્રતાપગઢ ગામેથી કાળજું કંપાવી દેનારી એક ઘટના સામે આવી છે. ભૂતપૂર્વ પત્નીને તેડવા આવેલા જમાઈએ ઉશ્કેરાઈ જઈને પોતાના સસરા પર છરી વડે જીવલેણ હુમલો કરી દીધો હતો. ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચાડવાની સાથે આ હિંસક ઝઘડામાં વચ્ચે પડેલા એક મહિલા પણ ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાને પગલે હળવદ પોલીસે આરોપી જમાઈ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ, પ્રતાપગઢ ગામે રહેતા ભારતીબેન અલ્પેશભાઈ ઉડેચા (ઉં.વ. ૩૯) એ આરોપી જસમતભાઈ જગામલભાઈ કુણપરા (રહે. હળવદ) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ભારતીબેનના નણંદ ગીતાબેનના લગ્ન આરોપી જસમતભાઈ સાથે થયા હતા, પરંતુ થોડા સમય પહેલાં જ બંને વચ્ચે છૂટાછેડા થઈ ગયા હતા.
છૂટાછેડા થઈ ગયા હોવા છતાં, આરોપી જસમતભાઈ ગીતાબેનને પરત તેડવા માટે પ્રતાપગઢ આવ્યો હતો. આથી પરિવારજનો અને ભારતીબેને તેને ના પાડી હતી. આ વાતથી ઉશ્કેરાઈ જઈને જસમતભાઈએ પોતાની પાસે રહેલી છરી કાઢી લીધી હતી.
આરોપીએ મારી નાખવાના ઈરાદાથી સસરા લક્ષ્મણભાઈ પર છરી વડે હુમલો કરી દીધો હતો, જેમાં લક્ષ્મણભાઈને ગળાની જમણી બાજુએ ગંભીર ઈજા પહોંચી હતી. આ દરમિયાન આરોપી બીજો ઘા કરવા જતો હતો, ત્યારે ફરિયાદી ભારતીબેન વચ્ચે પડ્યા હતા અને છરી પકડી લીધી હતી. જેના કારણે ભારતીબેનને પણ ડાબા હાથની હથેળીમાં ઈજાઓ થઈ હતી. હુમલો કર્યા બાદ આરોપી પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટ્યો હતો.આ લોહિયાળ ઘટના અંગે ભારતીબેનની ફરિયાદના આધારે હળવદ પોલીસ સ્ટેશનમાં આરોપી જસમતભાઈ જગામલભાઈ કુણપરા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે ગુનો નોંધીને આરોપીને ઝડપી પાડવા અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે


