નવસારી મહાનગરપાલિકાની સ્થાઈ સમિતિની બેઠકમાં વિકાસને સ્થાયી સમિતિની 49 કામોની લીલી ઝંડી

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

શિક્ષણ, સ્વચ્છતા, ડ્રેનેજ, રસ્તા અને માળખાગત વિકાસને મળશે નવી ગતિ
નવસારી: નવસારી મહાનગરપાલિકાના ટાઉન હોલ ખાતે આવેલા કોન્ફરન્સ રૂમમાં સાંજે 4 વાગ્યે સ્થાયી સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. સ્થાયી સમિતિના અધ્યક્ષ શ્રી મુકેશભાઈ એચ. અગ્રવાલના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં શહેરના સર્વાંગી વિકાસ અને નાગરિક સુખાકારીને લગતા કુલ 49 જેટલા વિકાસલક્ષી તથા વહીવટી કામોને કોઈપણ વિરોધ વિના સર્વાનુમતે મંજૂરીઆપવામાં આવી હતી.
બેઠકમાં શહેરની પ્રાથમિક સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય, સ્વચ્છતા અને માળખાગત વિકાસ સહિતના મહત્વના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. સમિતિ દ્વારા લેવાયેલા ઝડપી અને હકારાત્મક નિર્ણયો નવસારીના વિકાસને નવી દિશા આપશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
17 પ્રાથમિક શાળાઓનો વહીવટ મનપા હસ્તક આવશે
બેઠકનો સૌથી મહત્વનો નિર્ણય શિક્ષણ ક્ષેત્રે લેવામાં આવ્યો હતો. નવસારી જિલ્લા પંચાયત હસ્તકની કુલ 17 પ્રાથમિક શાળાઓનો સંપૂર્ણ વહીવટ હવે મહાનગરપાલિકા હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને સોંપવા અંગે ઐતિહાસિક ઠરાવ મંજૂર કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત સરદાર વલ્લભભાઈ પટેલ અંગ્રેજી માધ્યમની શાળામાં નવા શિક્ષકોની ભરતી કરવા તેમજ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક અને કંપાસનું વિતરણ કરવાની મંજૂરી આપવામાં આવી છે.
ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરી વિસ્તારમાં ભળેલી આંગણવાડીઓનું સંચાલન પણ હવે મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે. આ નિર્ણયથી બાળ વિકાસ અને પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે વધુ સુવિધાઓ ઊભી થવાની આશા છે.
‘વેસ્ટ ટુ વન્ડર પાર્ક’થી સ્વચ્છતા અભિયાનને વેગ
‘સ્વચ્છ અને સુંદર શહેર યોજના’ અંતર્ગત નવસારીમાં નવો ‘વેસ્ટ ટુ વન્ડર પાર્ક’ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ સેલ્ફ હેલ્પ ગ્રુપની બહેનો મારફતે શહેરના બાગ-બગીચાઓની સાફ-સફાઈ કરાવવાની કામગીરીને પણ મંજૂરી આપવામાં આવી છે.
આ નિર્ણયથી સ્વચ્છતા સાથે મહિલાઓને રોજગારી અને સ્વનિર્ભરતાની તકો પણ વધશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે.
ડ્રેનેજથી રસ્તા સુધી વિકાસકામોને લીલી ઝંડી
શહેરના માળખાગત વિકાસને વધુ મજબૂત બનાવવા માટે ગુરુકૃપા સોસાયટી સહિતના વિસ્તારોમાં નવી ડ્રેનેજ લાઈન નાખવા, લુન્સીકુઈ વોટર વર્ક્સ ખાતે અંડરગ્રાઉન્ડ સમ્પ અને પંપ હાઉસ બનાવવા તેમજ દુધિયા તળાવ ખાતે ઈલેક્ટ્રિક પેનલ રૂમની કામગીરીને મંજૂરી આપવામાં આવી છે.
ચોમાસા દરમિયાન નુકસાન પામેલા રસ્તાઓના તાત્કાલિક સમારકામ માટે કોલ્ડ મિક્સ મટીરીયલ અને પોથોલ રિપેરિંગ મશીનનો ઉપયોગ કરવા તેમજ નવા સી.સી. રસ્તાઓ બનાવવાના કામોને પણ લીલી ઝંડી આપવામાં આવી છે.
એરૂ અને વિજલપોર સિવિક સેન્ટરના રિનોવેશન ઉપરાંત રોડ, બ્રિજ અને ગ્રીન સ્પેસ પ્રોજેક્ટ્સ માટે કન્સલ્ટન્ટ એજન્સીઓની નિમણૂક કરવાનો નિર્ણય પણ લેવાયો છે.
છેવાડાના નાગરિકો સુધી સરકારી યોજનાઓ પહોંચાડવા ‘નાગરિકલક્ષી યોજના કેમ્પ’
વહીવટી પારદર્શિતા અને નાગરિકલક્ષી સેવાઓને પ્રાધાન્ય આપતા ‘નાગરિકલક્ષી યોજના કેમ્પ’ યોજવા માટે વિશેષ મંજૂરી આપવામાં આવી છે. આ કેમ્પના માધ્યમથી છેવાડાના નાગરિકોને વિવિધ સરકારી યોજનાઓનો લાભ સરળતાથી મળી રહે તે દિશામાં કામગીરી કરવામાં આવશે.
15મી ઓગસ્ટની રાષ્ટ્રીય પર્વની ઉજવણી અંતર્ગત મહાનગરપાલિકાની શાળાઓના બાળકોને ચોકલેટ વિતરણના ખર્ચને પણ મંજૂરી આપવામાં આવી છે.
સફાઈ કર્મચારીઓનું વિશેષ સન્માન થશે
શહેરને સ્વચ્છ રાખવા શ્રમદાન અને સેવા આપતા સફાઈ કર્મચારીઓના યોગદાનને બિરદાવવા વિશેષ સન્માન કાર્યક્રમ યોજવાનો મહત્વપૂર્ણ નિર્ણય પણ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત સિનિયર સિટીઝન માટેની સેવાઓ, નવા ચૂંટાયેલા પદાધિકારીઓ માટે ઓફિસની વ્યવસ્થા તથા 15 વર્ષથી જૂના મહાનગરપાલિકાના વાહનોને સ્ક્રેપ કરવાની નીતિને પણ મંજૂરી આપવામાં આવી છે.
બેઠકમાં સમિતિના સભ્યો શ્રીમતી કલ્પનાબેન ટંડેલ, શ્રી ધર્મેશભાઈ પટેલ, શ્રી પ્રફુલભાઈ વાંસફોડા સહિતના સભ્યોનો સક્રિય સહયોગ રહ્યો હતો.
49 નિર્ણયો સાથે નવસારીના વિકાસને નવી ગતિ
સ્થાયી સમિતિની આ બેઠકમાં મંજૂર કરાયેલા 49 વિકાસલક્ષી અને વહીવટી કામો આગામી સમયમાં નવસારી શહેરની પ્રાથમિક સુવિધાઓ અને માળખાગત વિકાસને નવી ગતિ આપશે તેવી અપેક્ષા છે.
અધ્યક્ષ શ્રી મુકેશ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ સમયબદ્ધ આયોજન સાથે તમામ વિકાસકામો પૂર્ણ કરી નવસારીને સ્માર્ટ, સ્વચ્છ અને હરિયાળું મહાનગર બનાવવાની દિશામાં મહાનગરપાલિકા આગળ વધી રહી છે. બેઠકમાં લેવાયેલા નિર્ણયો નાગરિકોને વધુ સારી સુવિધાઓ પૂરી પાડવાના સંકલ્પ તરફનું મહત્વપૂર્ણ કદમ ગણાઈ રહ્યા છે.


