Rajkot: રાજકોટ એરપોર્ટની સુરક્ષામાં C.I.S.F.ના ૨૫ વર્ષ પૂર્ણ, રજત જયંતિના કરતબ, ક્યુ.આર.ડેમો તથા ડોગ શો યોજાયા
તા.૭/૩/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટમાં સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સની સ્થાપનાના ૨૫ વર્ષ પૂર્ણ થતાં હીરાસર એરપોર્ટ ખાતે રજત જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. સફળતાપૂર્વકના ૨૫ વર્ષની ઉજવણી પ્રસંગે કાર્યક્રમના સ્થળે ક્વિક રીસ્પોન્સ ટીમ (ક્યુ.આર.) અને ડોગ શોનું આયોજન થયું હતું. જેમાં સી.આઈ.એસ.એફ.ના જવાનોએ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વેમાં દેશદાઝ જગાડી દેશની સુરક્ષામાં સી.આઈ.એસ.એફ.નું મહત્વ સમજાવ્યું હતું.
આ કાર્યક્રમમાં ક્વિક રીસ્પોન્સ ટીમના ૧૫ કમાન્ડો દ્વારા તમિલનાડુના સેલવમ આર્ટના અલગ અલગ કરતબ કરવામાં આવ્યા હતા. આપત્તિના સમયે દેશની અને જવાનોની માટે કટિબદ્ધ જવાનો મિશન સફળતાપૂર્વક પાર પાડે તેનું નિદર્શન કરાયું હતું. જેમાં એક કમાન્ડોને ઘેરી વળેલા અન્ય આઠ કમાન્ડોનો સામનો કરી ચક્રવ્યૂહમાંથી બહાર આવી પોતાનો આબાદ બચાવ કર્યો હતો. ત્યારબાદ લાકડીથી સજ્જ કમાન્ડોએ સીનીયર અધિકારીશ્રીઓને અભિવાદન પાઠવ્યા હતા. ઉપરાંત, કમાન્ડોએ સ્વ બચાવ માટેના વિવિધ આર્ટ દ્વારા તેમનું કૌવત બતાવ્યું હતું.
આ પ્રસંગે ડોગ શોનું પણ આયોજન કરાયું હતું. જેમાં બે અલગ અલગ બ્રીડના ડોગ દ્વારા સીનીયર અધિકારીશ્રીઓને નમસ્તે કરી બુકે અર્પણ કરી સેલ્યુટ સહિતની તાલીમી પ્રવૃતિઓ કરાવવામાં આવી હતી. કુતરાઓમાં સુંઘવાની શક્તિ માણસની સરખામણીએ અનેક ગણી વધુ હોઈ ડિફેન્સમાં ખાસ તાલીમ પામેલા કુતરાઓની મદદ લેવામાં આવતી હોય છે. આપણે જાણીએ છીએ કે, આતંકવાદી પ્રવૃત્તિ સામે, મહત્વના કેસોનું સોલ્યુશન દરમ્યાન કુતરાઓ ગંધથી સ્ફોટક પદાર્થને શોધી કાઢે છે. ડોગ શોમાં તાલિમી કુતરાઓએ કાંટાળી તારમાંથી કૂદકો મારવો, આગની રીંગમાંથી પસાર થવા સહિતના કરતબ બતાવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે,સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીઅલ સિક્યુરીટી ફોર્સ (કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ – C.I.S.F.)ના જવાનો દેશના મહત્વપૂર્ણ ઔદ્યોગિક સાહસો, એરપોર્ટ, દરિયાઈ બંદરો, પરમાણુ અને અંતરિક્ષ અનુસંધાન કેન્દ્રો, સરકારી ભવનો તથા અન્ય સંવેદનશીલ સંસ્થાઓની સુરક્ષા અર્થે ૨૪*૭ ખડેપગે રહે છે.
કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોએ દીપ પ્રાગટ્યથી કરી હતી. ત્યારબાદ મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું. ધોળકિયા સ્કુલની બાળાઓએ રાસ ગરબાની કૃતિ રજુ કરી હતી. આ ઉજવણી કાર્યક્રમમાં શાબ્દિક સ્વાગત રીઝર્વ ઇન્સ્પેકટર શ્રી મહેશ સિંઘે અને આભારવિધિ ડેપ્યુટી કમાન્ડન્ટશ્રી અમનદીપ સીરસવાએ કરી હતી. ક્વિક રીસ્પોન્સ ટીમ, ગરબા કૃતિની રજૂઆત કરતી બાળાઓ અને અન્ય અધિકારીશ્રી અને કર્મચારીશ્રીઓનું સર્ટીફીકેટ અને સ્મૃતિચિહનથી બહુમાન કરાયું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સી.આઈ.એસ.એફ.ના જવાનશ્રી અશોકભાઈ વાળા, શ્રી ઇલાબેન કામલિયા અને માહિતી ખાતાનાશ્રી રિધ્ધિબેન ત્રિવેદીએ કર્યું હતું.
આ તકે બામણબોરના સરપંચશ્રી વિક્રમ બસીયા, સામાજિક અગ્રણીશ્રી શિવ પ્રકાશ, શ્રી સંજીવભાઈ કુબાવત, શ્રી દિનેશભાઈ હપાણી, શ્રી પીન્ટુભાઈ, શ્રી સંજયભાઈ, શ્રી હરદેવભાઈ ઝાલા, શ્રી ચંદુભાઈ વિરાણી, શ્રી મુકેશ પટેલ, શ્રી રાહુલ પીપળીયા સહીત ફોર્સના જવાનો ઉપસ્થિત રહ્યા હતા.