GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી મહાનગરપાલિકા દ્વારા ધાર્મિક ફૂલોના પૂજાપાના વ્યવસ્થાપન માટે અનોખી ‘ફ્લોરલ વેસ્ટ’ પહેલનો શુભારંભ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

શ્રાવણ માસના પાવન દિવસના પ્રારંભથી, નવસારી મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા શહેરની સ્વચ્છતા અને પર્યાવરણ સુરક્ષા માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને સરાહનીય પહેલનો શુભારંભ કરવામાં આવ્યો છે. “Journey of Floral Waste” નામના આ નવતર અભિયાન અંતર્ગત, ધાર્મિક સ્થળોએથી પૂજામાં ઉપયોગ થયેલા સૂકા ફૂલો, હાર અને અન્ય પૂજાપાને વ્યવસ્થિત રીતે એકત્રિત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

આ પહેલના ભાગરૂપે, મહાનગરપાલિકા દ્વારા ખાસ ડિઝાઇન કરાયેલા વાહનો તૈયાર કરવામાં આવ્યા છે, જેની પર “સૂકા ફૂલ, પૂજાપો અને હાર અહીં આપો” તથા “ભગવાનના આશીર્વાદરૂપ ફૂલો હવે પર્યાવરણ માટે આશીર્વાદ” જેવા સૂત્રો લખવામાં આવ્યા છે, જે જનજાગૃતિનો સંદેશ આપે છે. આ વાહનો દ્વારા ધાર્મિક સ્થળો, મંદિરો અને ઘરોમાંથી પૂજાના ફૂલોનો અલગ સંગ્રહ કરવામાં આવશે.

“Journey of Floral Waste” અંતર્ગત આ એકત્રિત ફૂલ-હારને ફેંકી દેવાને બદલે, તેનો વૈજ્ઞાનિક પદ્ધતિથી પ્રોસેસ કરી પોષક કમ્પોસ્ટ (ખાતર) તથા ધૂપ-અગરબત્તી જેવા વિવિધ ઉપયુક્ત ઉત્પાદનો તરીકે ઉપયોગ કરવામાં આવશે. આ પ્રકારે, જે ફૂલો ભક્તિ અને શ્રદ્ધા સાથે જોડાયેલા છે, તે હવે પર્યાવરણ માટે આશીર્વાદરૂપ સાબિત થશે અને કચરાના નિકાલની સમસ્યા પણ હલ થશે.

નવસારી મહાનગરપાલિકા સમસ્ત નવસારીના નાગરિકોને અને વિશેષરૂપે ધાર્મિક સંસ્થાઓને નમ્ર વિનંતી કરે છે કે આ પહેલમાં સહભાગી બની પોતાના પૂજાના ફૂલોને નિયત સંગ્રહ વાહનોમાં આપીને સ્વચ્છ અને હરિયાળા નવસારીના નિર્માણમાં યોગદાન આપે. આ પ્રયાસ શહેરને સ્વચ્છ સર્વેક્ષણમાં ઉચ્ચ સ્થાન અપાવવામાં પણ મદદરૂપ થશે.

Back to top button
error: Content is protected !!