લોથલમાં ઊભો થતો છે ભારતનો ગૌરવભર્યો નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ
રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ જિલ્લાની લોથલ ખાતે સાકાર થઇ રહ્યો છે નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ, જે ભારતના દરિયાઈ ઇતિહાસનું પ્રતિબિંબ બની ઊભો રહેશે.
રાષ્ટ્રીય દરિયાઈ દિવસની ઉજવણીના ભાગરૂપે દેશના સમૃદ્ધ દરિયાઈ વારસાને શ્રદ્ધાંજલિ આપતો એક ભવ્ય અને ઇતિહાસપ્રેરિત પ્રોજેક્ટ, નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ લોથલ ખાતે બાંધવામાં આવી રહ્યો છે. લગભગ 4,500 કરોડના ખર્ચે ઊભો થતો આ કૉમ્પ્લેક્સ 2025ના અંત સુધીમાં ફેઝ 1-A હેઠળ 6 ગેલેરીઓ સાથે કાર્યરત થવાની સંભાવના છે.
પ્રાચીન સિંધુ સંસ્કૃતિના વેપાર કેન્દ્ર રહેલા લોથલ શહેરમાં બનતો આ કૉમ્પ્લેક્સ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “વિરાસત ભી, વિકાસ ભી”ના ધ્યેયને સાકાર કરે છે. તેમના પ્રાચીન વિરાસતના સંવર્ધનના સંકલ્પ હેઠળ આ ઐતિહાસિક સ્થળે નમૂનાદાર દરિયાઈ મ્યુઝિયમ ઊભું થઈ રહ્યું છે, જ્યાં પ્રાચીનથી આધુનિક ભારતના દરિયાઈ ઇતિહાસને જીવંત કરવામાં આવશે.
લોથલમાં તૈયાર થતા આ કૉમ્પ્લેક્સમાં ઇતિહાસ, શિક્ષણ, સંશોધન અને મનોરંજનનો અનોખો સુમેળ જોવા મળશે. અહીં ભારતમાં બનેલા પ્રથમ જહાજો, હડપ્પન બંદરો અને નૌકાવિહારના દ્રશ્યોને આધુનિક ટેક્નોલોજીથી રજૂ કરવામાં આવશે.
કેન્દ્રીય પોર્ટ, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય દ્વારા શરૂ કરાયેલા આ ભવ્ય પ્રોજેક્ટને માત્ર મ્યુઝિયમ તરીકે નહીં, પણ પ્રવાસન અને અભ્યાસ બંને માટેના કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવશે. વિશ્વસ્તરિય આ ઇકો-સિસ્ટમમાં ઇન્ટરેક્ટિવ ડિજિટલ ડિસ્પ્લે, ફ્લોટિંગ રેસ્ટોરન્ટ, ટેન્ટ સિટી, ઇલેક્ટ્રિક વાહન વ્યવસ્થા અને લાઇટ શો જેવી આધુનિક સુવિધાઓનો સમાવેશ કરવામાં આવશે.
આ કૉમ્પ્લેક્સમાં વિશ્વનું સૌથી ઊંચું લાઇટહાઉસ મ્યુઝિયમ પણ બનશે, જે 77 મીટર ઊંચું હશે. તેની ઉપર 65 મીટર પર ઓપન એર વ્યૂઇંગ ગેલેરી હશે, જ્યાંથી આખા સંકુલનો નઝારો માણી શકાય.
કુલ 14 ગેલેરીઓમાં હડપ્પીયન સંસ્કૃતિથી માંડીને આજકાલની સમુદ્રી શક્તિ સુધીના વિવિધ વિષયો આવરી લેવાશે. રાજ્ય સરકારે આ પ્રોજેક્ટ માટે 375 એકર જમીન ફાળવી છે. ઉપરાંત, કોસ્ટલ સ્ટેટ્સ પેવેલિયન દ્વારા વિવિધ રાજ્યોના દરિયાઈ વારસાનું પ્રદર્શન પણ કરવામાં આવશે.
અહીં મેરિટાઇમ યુનિવર્સિટીની સ્થાપનાનું આયોજન છે, જ્યાં નૌકાવિદ્યા અને સમુદ્રી સંશોધન માટે વિશ્વસ્તરિય અભ્યાસ શરૂ થશે. આ સાથે, વિશ્વની સૌથી મોટી અંડર વોટર ઓપન ગેલેરી પણ અહીં બનાવાશે.
કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે જણાવ્યું કે, “આ સંકુલ માત્ર મ્યુઝિયમ નથી, પણ ભવિષ્યની પેઢી માટે જ્ઞાન અને પ્રેરણાનું મજબૂત માધ્યમ છે. ભારતમાં મેરિટાઇમ હેરિટેજનું મહત્વ જાળવીને તેને આંતરરાષ્ટ્રીય સ્તરે રજૂ કરવાનો આ પ્રયાસ છે.”
આ પ્રોજેક્ટ ભાલ પ્રદેશ માટે રોજગાર, પ્રવાસન અને સ્થાનિક ઉદ્યોગો માટે નવી તકો ઊભી કરશે. દેશના દરિયાઈ ઇતિહાસને વિશ્વમંચે ઉજાગર કરતો આ નમૂનાદાર કૉમ્પ્લેક્સ ભવિષ્યના ભારતનું ગૌરવ બને તેવા આશાવાદ સાથે કામ આગળ વધી રહ્યું છે.