AHAVADANGGUJARAT

ગિરિમથક સાપુતારા ખાતે ઇન્ટર સ્ટેટ ફોરેસ્ટ પ્રોટેકશનની બેઠક યોજાઇ

વાત્સલ્યમ સમાચાર
     મદન વૈષ્ણવ

*વન સંરક્ષણ અંગે ગુજરાત- મહારાષ્ટ્ર– દમણ અને દિવ- દાદરા નગર હવેલીના ઉચ્ચ વન અધિકારીશ્રીઓ સાથે યોજાઇ બેઠક :*

*AI ટેકનોલોજીનો ઉપયોગ કરી લાકડાની તસ્કરી રોકવા અંગે ચર્ચા :*

*લાકડા ઉપર MSP નક્કી કરવા નીતિ બનાવવા અંગે વિચારણા :*

રાજ્ય કક્ષાના, વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી મુકેશ પટેલના અધ્યક્ષ સ્થાને સાપુતારાની તોરણ હિલ રીસોર્ટ ખાતે આજરોજ ઇન્ટર સ્ટેટ અને યુનિયન ટેરેટરી ફોરેસ્ટ પ્રોટેકશનની એક મહત્વની બેઠક યોજાઇ હતી. જેમાં ગુજરાત- મહારાષ્ટ્ર – દમણ અને દિવ- દાદરા નગર હવેલીના ઉચ્ચ વન અધિકારીશ્રીઓ સાથે પર્યાવરણ સંરક્ષણ બાબતે ગહન ચર્ચા કરવામાં આવી હતી.

સાપુતારા ખાતે યોજાયેલ ઇન્ટર સ્ટેટ ફોરેસ્ટ પ્રોટેકશનની આ બેઠકમાં રાજ્ય કક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, જંગલ એ રાષ્ટ્રની સંપત્તિ છે જેથી વન અને પર્યાવરણ બચાવી, લાકડાની તસ્કરી રોકવા તેમજ વનોને સંરક્ષિત કરવા એ આપણી જવાબદારી બની જાય છે. વન બચાવવા ગુજરાત – મહારાષ્ટ્ર – દમણ અને દિવ- દાદરા નગર હવેલીના તમામ વન અધિકારી એક થઇ કાર્ય કરે તે જરૂરી છે.

તાજેતરમાં ગુજરાતના કચ્છ ફોરેસ્ટ વિભાગમાં ૨૬ હજાર હેક્ટર વિસ્તારમાં દબાણ થયેલ જમીનનું દબાણ હટાવાયું છે. દક્ષિણ ગુજરાતના બોર્ડર વિસ્તારમાં ૯૦૦ હેક્ટર જેટલી જમીનનું દબાણ દુર કરવામાં આવ્યું છે. વન જાળવણી બાબતે તેમજ જમીનનું દબાણ હટાવવા ગુજરાત વન વિભાગ સક્રિય છે. ત્યારે આ બાબતે અન્ય વિભાગો પણ ચર્ચા વિચારણા કરે તે જરૂરી છે.

ચંદનના વૃક્ષની તસ્કરી રોકવા માટે ગુજરાત સરકાર લેઝર ફેન્સીંગનો પાઇલોટ પ્રોજેક્ટ શરૂ કરવા જઇ રહી છે. સાથે જ AI ટેકનોલોજીનો ઉપયોગ કરી લાકડાની તસ્કરી રોકવા અંગે વિચારણા ચાલી રહી છે. ઉપરાંત વિશ્વમાં પ્રથમ ગુજરાત રાજ્યમાં ક્લાઇમેટ ચેન્જની યુનિવર્સિટી બનશે તેમ પણ મંત્રીશ્રીએ વધુ વિગતો આપતાં જણાવ્યું હતું.

સાથે લાકડાની તસ્કરી રોકવા, અને સસ્તા ભાવે ખેરના લાકડાના વેચાણ ઉપર લાકડાનો ચોક્કસ ભાવ નક્કી કરવા માટે લાકડાની MSP નક્કી કરી કરવા નીતી બનાવવા વિચારણા કરવા માટે મંત્રીશ્રીએ સૂચવ્યું હતું.

વધુમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ શરૂ થયેલ “એક પેડ માં કે નામ” અભિયાનમાં સમગ્ર દેશને વૃક્ષ વાવવા તેમણે આહવાન કર્યું હતું જેનાથી વૃક્ષો અને પ્રકૃતિ સાથે સૌની આત્મીયતામાં વધારો થશે. સાથે જ આ અભિયાન અંતર્ગત ૧૭ કરોડ જેટલાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે.

સાપુતારા ખાતે યોજાયેલ આ બેઠકમાં ગુજરાત- મહારાષ્ટ્ર – દમણ અને દિવ- દાદરા નગર હવેલીના ઉચ્ચ વન અધિકારીશ્રીઓ વન બચાવવા અંગે વિગતે ચર્ચા કરી હતી.
આ બેઠકમાં ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ નાશિક શ્રી રિશીકેશ રાંજણા, ચીફ કોન્સર્વેટર ઓફ ફોરેસ્ટ દમણ અને દિવ- દાદરા નગર હવેલી શ્રી એમ.રાજકુમાર, મુખ્ય વન સંરક્ષક સર્વશ્રી મનેશ્વર રાજા અને શશી કુમાર, શ્રી સંજય વાંરજકર સહિત ડાંગના  નાયબ વન સંરક્ષકો સર્વશ્રી રવિ પ્રસાદ, અને દિનેશ રબારી, મદદનીશ વન સંરક્ષક સર્વેશ્રી આરતી ભાભોર,  શ્રી રાહુલ પટેલ સહિતના ગુજરાત- મહારાષ્ટ્ર – દમણ અને દિવ- દાદરા નગર હવેલીના ઉચ્ચ વન અધિકારીશ્રીઓ, ડાંગ જિલ્લાની વિવિધ રેંજના આર.એફ.ઓ., વન કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!