અરવલ્લી – જિલ્લામાં ભાજપમાં આંતરિક ડખો ..!!: પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય હિરેન પટેલનું રાજીનામું, પક્ષથી વિરોધ નથી વ્યક્તિગત વિરોધ – હિરેન પટેલ

અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી – જિલ્લામાં ભાજપમાં આંતરિક ડખો ..!!: પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય હિરેન પટેલનું રાજીનામું, પક્ષથી વિરોધ નથી વ્યક્તિગત વિરોધ – હિરેન પટેલ

અરવલ્લી જિલ્લામાં ભાજપ સંગઠનમાં આંતરિક અસંતોષ હવે ખુલ્લેઆમ સામે આવવા લાગ્યો છે. જિલ્લા ભાજપના પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય અને સક્રિય કાર્યકર હિરેન પટેલે પક્ષમાંથી રાજીનામું આપતા રાજકીય માહોલ ગરમાયો છે. તાલુકા અને જિલ્લા પંચાયતની તાજેતરની ચૂંટણી બાદ ભાજપના કેટલાક વ્યક્તિગત નેતાઓ સામે કાર્યકરોમાં નારાજગી ઉગ્ર બની હોવાનું સામે આવ્યું છે.મળતી માહિતી મુજબ ધનસુરા તાલુકા પંચાયતની કેટલીક બેઠકો પર ભાજપના ઉમેદવારોને બિનહરીફ કરાવવા હિરેન પટેલે મહત્વની ભૂમિકા ભજવી હતી. છતાં ચૂંટણી બાદ તેમની અવગણના કરવામાં આવી હોવાનો તેમજ સંગઠનમાં અન્યાય થયો હોવાનો આક્ષેપ હિરેન પટેલે કર્યો છે. આ મુદ્દે અસંતોષ વ્યક્ત કરવા હિરેન પટેલ સહિત 20થી વધુ કાર્યકરો જિલ્લા કમલમ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા અને પક્ષના નેતાઓ સામે વિરોધ નોંધાવ્યો હતો.વિરોધ બાદ હિરેન પટેલ અને કાર્યકરો પૂર્વ રાજ્યમંત્રી તેમજ ધારાસભ્ય ભીખુસિંહ પરમારની મરડીયા સ્થિત કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં કાર્યકરો સાથે બેઠક યોજાઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર ધારાસભ્ય ભીખુસિંહ પરમારે હિરેન પટેલનું રાજીનામું સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો અને મામલો શાંતિપૂર્ણ રીતે ઉકેલવાનો પ્રયાસ કર્યો હતો.ત્યાર બાદ મોડાસા ખાતે કમલમ ખાતે હિરેન પટેલ સહિત કાર્યકર્તાઓ સાથે પહોંચી જિલ્લા સંગઠન પ્રમુખ ભીખાજી ને રાજીનામું આપ્યું હતું.આ સમગ્ર ઘટનાએ અરવલ્લી ભાજપમાં ચાલી રહેલા આંતરિક અસંતોષ અને જૂથવાદને ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધો છે. આગામી સમયમાં પક્ષ દ્વારા આ મામલે શું નિર્ણય લેવાશે તે તરફ રાજકીય વર્તુળોની નજર મંડાઈ છે.



