વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ધરમપુર સ્થિત જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, નેશનલ કાઉન્સીલ ઓફ સાયન્સ મ્યુઝિયમ દ્વારા વિશ્વ મહિલા દિવસે દિપવિચારક ચેરીટેબલ ટ્રસ્ટ, બારોલીયા, સંવાદ ચેરીટેબલ ટ્રસ્ટ, ધરમપુર, લોક મંગલમ ચેરીટેબલ ટ્રસ્ટ, ખોબા અને દિવાળીબેન ચેરીટેબલ ટ્રસ્ટ, બારડોલીના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી- “For All Women and Girls: Rights, Equality, Empowerment” થીમ ઉપર કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કુલ ૧૮૦ મહિલાઓએ ભાગ લીધો હતો, જેમાં ‘ટોક ઓન આત્મનિર્ભર મહિલા ફોર વિકસિત ભારત’ – મહિલાઓના આત્મનિર્ભરતા અને રાષ્ટ્રીય વિકાસમાં તેમની ભૂમિકા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમના ભાગરૂપે જિલ્લા મહિલા અને બાળ વિકાસ કચેરીના જિજ્ઞેશ પટેલે સરકારી યોજના વિશે માહિતી આપી હતી. સખી વનસ્ટોપના સ્નેહાલી પટેલ દ્વારા સખી વનસ્ટોપ વિશે, ખોબાના લોક મંગલમ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી આશાબેન ગોહિલે પોતાના અનુભવો શેર કરી મહિલાઓને પ્રેરિત કર્યા હતા. બારડોલીના દિવાળીબેન ચેરીટેબલ ટ્રસ્ટના વિમલ ચૌધરી, બારોલીયાના દિપવિચારક ચેરીટેબલ ટ્રસ્ટના યોગીની પટેલે પ્રાસંગિક પ્રવચન કર્યુ હતું. ધરમપુરના સંવાદ ચેરીટેબલ ટ્રસ્ટ મહિલાઓને જ્ઞાન અને આત્મવિશ્વાસથી સજ્જ કરવાનો પ્રયત્ન કર્યો હતો. “બેટી બચાઓ, બેટી પઢાઓ” ડોક્યુમેન્ટરી ફિલ્મ બતાવાઈ હતી.
સાયન્સ સેન્ટરના એજ્યુકેશન ટ્રેઇની શિવાની પટેલ, હેતલ પરમાર તેમજ કિંજલ પટેલ દ્વારા અંધશ્રધ્ધા નિવારણના કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું. થ્રીડી શો અને પ્લેનેટેરીયમ શો વિના મૂલ્યે બતાવાયા હતા. સમગ્ર કાર્યક્રમમાં વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જુનિયર મેન્ટર ગાયત્રી બિષ્ટે ઓરિએન્ટેશન સેશનનું આયોજન કર્યું હતું અને ઇનોવેશન હબ ખાતે એક્સપોઝર વિઝિટ આપી હતી, જેમાં મહિલાઓને રેઝિન આર્ટ અને મશરૂમની ખેતી દ્વારા ઉદ્યોગસાહસિકતાની શોધ કરવા પ્રેરણા મળી હતી. સહભાગીઓને મહિલાઓની સફળતાની વાર્તાઓ શેર કરી પ્રોત્સાહિત કર્યા હતા. ઉજવણીના ભાગરૂપે ડેલાઇટ એસ્ટ્રોનોમી કે જેમાં કન્યા આશ્રમશાળા, ટાંકી, ધરમપુર, વલસાડના ૯૮ વિદ્યાર્થિનીઓએ વિશિષ્ટ સોલાર ફિલ્ટરનો ઉપયોગ કરી સનસ્પોટ(સૂર્ય કલંકો) અને શુક્ર ગ્રહનું નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત એસ્ટ્રો નાઇટ પ્રોગ્રામ, જેમાં લોકભારતી યુનિવર્સિટી, ભાવનગરના ૬૨ વિદ્યાર્થીઓએ ટેલિસ્કોપ દ્વારા ચંદ્ર, શુક્ર, મંગળ અને ગુરુના અવકાશી અવલોકનો કર્યા હતા. વિજ્ઞાન કેન્દ્રના શિક્ષા અધિકારી પ્રજ્ઞેશ રાઠોડે શિક્ષણ અને વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓમાં લિંગ સમાનતાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો, તેમજ ટીબીના લક્ષણો, નિવારણ, અને સારવાર અંગે માહિતી આપી હતી.