GUJARATVALSADVALSAD CITY / TALUKO

વલસાડ જિલ્લામાં ૧૫૦ થી વધુ સ્થળોએ ૧૧ માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ટ્રેનર્સ અને યોગ કોચે ૨૦ હજારથી વધુ લોકોને યોગાભ્યાસ કરાવ્યો

સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત “એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય” થીમ ઉપર આયોજિત ૧૧માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નિમિત્તે વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં ઠેર ઠેર યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યત્વે વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત જિલ્લા કક્ષાની યોગ શિબિર લોકસભાના દંડક અને વલસાડ-ડાંગના સંસદશ્રી ધવલભાઈ પટેલની અધ્યક્ષતામાં વલસાડ તિથલ સ્વામિનારાયણ મંદિર ખાતે, વાપી મહાનગરપાલિકાનાં ડેપ્યુટી કમિશનર આસ્થા સોલંકી અને ડેપ્યુટી કમિશનર અશ્વિન પાઠકની અધ્યક્ષતામાં નામધા ખાતે અનાવિલ સમાજ વાડીમાં મહાનગરપાલિકા કક્ષાની યોગ શિબિર તદુપરાંત ઉમરગામ, પારડી, ધરમપુર ખાતે નગરપાલિકા અને તાલુકા કક્ષાની સંયુક્ત તથા કપરાડામાં તાલુકા કક્ષાની યોગ શિબિર યોજાઈ હતી.

ગુજરાત રાજ્ય યોગ બોર્ડના વલસાડ જિલ્લાના યોગ કો- ઓર્ડીનેટર પ્રીતિ વૈષ્ણવે જણાવ્યું કે, સમગ્ર વલસાડની સ્કૂલ, કોલેજ, ધાર્મિક સંસ્થાઓ, રેલવે સ્ટેશન, પ્રાઇવેટ તેમજ લિમિટેડ ઉદ્યોગ, નાની મોટી સોસાયટીઓ પૈકી અંદાજિત ૧૫૦ જેટલા સ્થળોએ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ (રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ, ગાંધીનગર અંતર્ગત)ના યોગ ટ્રેનર્સ અને યોગ કોચે જિલ્લા વહીવટી તંત્ર સાથે સંકલન કરી આ શિબિરનું સંચાલન કર્યુ હતું. જેઓએ અંદાજે ૨૦ હજારથી ૨૫ હજાર લોકોને યોગાભ્યાસ કરાવ્યો હતો.

આ તમામ સ્થળોએ ઉપસ્થિત સર્વે યોગીઓ અને મહેમાનોએ ભારતના યશસ્વી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં વિશાખાપટ્ટનમ, આંધ્રપ્રદેશ ખાતે આયોજિત રાષ્ટ્રીય કક્ષાની તથા વડનગરમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં આયોજિત રાજ્ય કક્ષાની યોગ શિબિરનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.

Back to top button
error: Content is protected !!