આંતરરાજ્ય ચોર ઝડપાયો:અંકલેશ્વરમાં ચોરીના ગુનામાં સંડોવાયેલા રીઢા ગુનેગારની ધરપકડ; 58 ગુનામાં સંડોવણી હોવાનું બહાર આવ્યું
સમીર પટેલ, ભરૂચ
અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે આંતર રાજ્ય ઘરફોડ ચોરીના 58 ગુનામાં સંડોવાયેલા રીઢા ગુનેગારને કીમના મુલદ ગામેથી ઝડપી પાડ્યો હતો.
ગત તારીખ 16મી નવેમ્બરના રોજ અંકલેશ્વરના હાંસોટ રોડ ઉપર બ્રહ્માકુમારી મંદિરની સામે આવેલી શક્તિનગર સોસાયટીમાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો ત્રાટકી સોના-ચાંદીના ઘરેણા મળી 7 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ચોરી અંગે શહેર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન સર્વેલન્સ સ્ટાફને બાતમી મળી હતી કે, ઘરફોડ ચોરી કરનાર ઇસમ સુરતના કીમ સ્થિત મુલદ ગામની રાધે શ્યામ સોસાયટી રહે છે અને તે હાલ તેના ઘરે હાજર છે.
તેવી બાતમીના આધારે આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને જીમી ઉર્ફે દીપક બીપીન બાબુલાલ શર્માને ઝડપી પાડી તેની પૂછપરછ કરતા તેણે અંકલેશ્વરના શક્તિનગર સોસાયટી, અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં બે તેમજ ભરૂચ સી ડિવિઝન વિસ્તારમાં એક સહિત મહારાષ્ટ્ર, હરિયાણા અને રાજસ્થાન અને ગુજરાતમાં મળી કુલ 58 જેટલી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે એક બાઈક અને ચોરી થયેલા ઘરેણા મળી કુલ 2.44 લાખનો મુદ્દામાલ રીકવર કરી વધુ તપાસ હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખની છે કે ઘરફોડ ચોર જીમી શર્મા બાઈક ઉપર દિવસ દરમિયાન રેકી કરી સોસાયટી કે ફ્લેટના કોર્નરના બંધ મકાનોને નિશાન બનાવતો હોવા સાથે દરવાજાના લોક ડીસમીસ વડે તોડી ચોરી કરવાની ટેવ ધરાવે છે.