ચાંદીપુરા વાયરસના સંભવિત જોખમ સામે મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ: જનરલ હોસ્પિટલ ખાતે આઇસોલેશન વોર્ડ તૈયાર

ચાંદીપુરા વાયરસના સંભવિત જોખમ સામે મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ: જનરલ હોસ્પિટલ ખાતે આઇસોલેશન વોર્ડ તૈયાર
****
જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી કલ્પનાબેન પુવારે જનરલ હોસ્પિટલની મુલાકાત લઈ તબીબી સજ્જતાની સમીક્ષા કરી
****
રિપોર્ટર…
અમીન કોઠારી
મહીસાગર…
ગુજરાતના અન્ય ભાગોની સાથે મહીસાગર જિલ્લામાં પણ ચાંદીપુરા વાયરસના સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ સંપૂર્ણપણે એલર્ટ મોડ પર આવી ગયું છે. વાયરસના સંક્રમણને અટકાવવા અને જો કોઈ શંકાસ્પદ કે પોઝિટિવ દર્દી સામે આવે તો તેને તાત્કાલિક ધોરણે શ્રેષ્ઠ અને સમયસર સારવાર મળી રહે તે હેતુથી જિલ્લાની જનરલ હોસ્પિટલ ખાતે તમામ પ્રકારની આગોતરી તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે જેથી કોઈપણ કટોકટીને પહોંચી વળાય.

જનરલ હોસ્પિટલ ખાતે કરવામાં આવેલી આ સુવિધાઓનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરવા માટે મહીસાગર જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી કલ્પનાબેન પુવારે હોસ્પિટલની ખાસ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમની સાથે જનરલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. ભામિની બેન પંડિત તેમજ આરોગ્ય વિભાગના અન્ય ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. પ્રમુખે હોસ્પિટલના વિવિધ વિભાગોમાં જઈને ચાંદીપુરા વાયરસ સામેની લડત માટે કરવામાં આવેલી વ્યવસ્થાઓની ઝીણવટભરી વિગતો મેળવી હતી અને તબીબી સેવાઓની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.
મુલાકાત દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખે ખાસ કરીને હોસ્પિટલમાં તૈયાર કરવામાં આવેલા આઇસોલેશન વોર્ડ, જરૂરી દવાઓનો ઉપલબ્ધ સ્ટોક અને ક્રિટિકલ કેર યુનિટની (CCU) મુલાકાત લીધી હતી. તેમણે દર્દીઓ માટે રાખવામાં આવેલી બેડની વ્યવસ્થા અને ઇમરજન્સી સેવાઓની સજ્જતા અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.
તંત્ર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓના ભાગરૂપે હોસ્પિટલમાં જરૂરી તમામ જીવનરક્ષક દવાઓનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. કોઈપણ શંકાસ્પદ કેસ જણાય તો તુરંત જ લેબોરેટરી ટેસ્ટ અને સારવાર શરૂ કરવા માટે તબીબોની ટીમને સૂચનાઓ આપવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને સંભવિત જોખમને નિવારવા માટે તમામ મોરચે કામગીરી તેજ કરવામાં આવી છે.




