15 વર્ષીય સગીરા પર કુટુંબનાં સભ્યે દુષ્કર્મ આચર્યું
જામનગરનાં નવાનાગના ગામમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. 15 વર્ષીય સગીરા પર કુટુંબનાં સભ્યે દુષ્કર્મ આચર્યું હતું. દરમિયાન, સગીરાને પ્રસુતિની પીડા ઉપડતા હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. સગીરાએ મૃત બાળકને જન્મ આપ્યો હતો. આ મામલે ગુનો નોંધાતા આરોપીએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. હાલ, આરોપી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, જામનગરના નવાનાગના ગામમાં ધો. 10 માં અભ્યાસ કરતી એક 15 વર્ષીય સગીરા પર તેણીનાં જ એક કુટુંબી શખ્સે દુષ્કર્મ આચરી હવસનો શિકાર બનાવી હતી. બળાત્કાર બાદ સગીરાને પ્રસુતિની પીડા ઉપડતા જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. અહીં, તબીબોએ તેણીને ગર્ભવતી જાહેર કરી હતી એટલું જ નહીં, પીડિતાએ એક મૃત બાળકને જન્મ આપ્યો હતો. આ બનાવ બાદ પોલીસે સમગ્ર મામલે સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમ કુટુંબ સભ્ય સામે દુષ્કર્મ અંગે ગુન્હો દાખલ કર્યો હતો.
દુષ્કર્મનાં આરોપ હેઠળ પોતાની સામે ગુનો દાખલ થતાં આરોપીએ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે. આથી, આરોપીને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. હાલ, તેની સારવાર ચાલી રહી છે. આ મામલે, પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે, આ બનાવને પગલે નવાનાગ ગામમાં ભારે ચર્ચા શરૂ થઈ છે.