JAMNAGARJAMNAGAR CITY/ TALUKO

જામનગરનું ઠેબા-પ્રાકૃતિક ખેતીમાં નેચર સાથે સંકલન

"પૃથ્વી આપણી માતા છે આપણે તેના સંતાનો"

*જામનગર તાલુકાના ઠેબા ગામે રહેતા દરિયાદિલ ખેડૂત દિલીપભાઇ સંઘાણી*

*૧૫ વીઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી પધ્ધતિથી ઉત્પાદન કરેલા ફળો માત્ર પક્ષીઓને ખવડાવે છે*

*રસાયણમુક્ત જમીન ધરાવતા ફાર્મમાં મોર, ચકલી, પોપટ સહિત અનેક પક્ષીઓનો દિવસભર કલરવ*

*પ્રાકૃતિક ખેતી પધ્ધતિ આર્થિક રીતે અને આરોગ્ય માટે ફાયદાકારક : શ્રી દિલીપભાઈ*

જામનગર (ભરત ભોગાયતા)

કુદરતે કૃષિ સંસ્કૃતિમાં એક સંકલિત શૃંખલા અને ઇકો સિસ્ટમની રચના કરી છે અને આ કુદરતી વ્યવસ્થા એટલે પ્રાકૃતિક કૃષિ. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે પોતાના પ્રાકૃતિક કૃષિ અંગેના પુસ્તકમાં જણાવ્યું છે કે, મુખ્ય પાકનો ખેતી ખર્ચ આંતરપાક કે મિશ્ર પાકના ઉત્પાદન માંથી મેળવી લેવો ને મુખ્ય પાક બોનસના રૂપમાં લેવાને જ પ્રકૃતિક કૃષિ કહેવાય છે.

ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે દિશામાં ગુજરાત સરકાર દ્વારા તાલીમ અને શિબિરોનું તમામ જિલ્લાઓમાં આયોજન કરવામાં આવે છે. તેમજ અનેક યોજનાઓ પણ અમલમાં છે. જામનગર જિલ્લાના ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. ત્યારે ઠેબા ગામે રહેતા દિલીપભાઈ સંઘાણી આત્મા પ્રોજેકટ અંતર્ગત આયોજિત તાલીમો અને શિબિરોમાં ભાગ લઈ તેમાંથી માર્ગદર્શન મેળવી ૭ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. બાગાયતી પાકોનું પ્રાકૃતિક ખેતી પધ્ધતિથી વાવેતર કરી રહ્યા હોવાથી સરકાર દ્વારા સહાય પણ આપવામાં આવે છે.

પ્રાકૃતિક ખેતી પધ્ધતિથી વાવેતર કરીને તેનું સારું ઉત્પાદન મેળવી ખેડૂતો આર્થિક ફાયદો તો મેળવી રહ્યા છે. પરંતુ દરિયાદિલ દિલીપભાઈની ખાસિયત એ છે કે, પોતાના ફાર્મમાં તેઓએ અનેક ફળોનું વાવેતર કર્યું છે. અને એક પણ ફળ તેઓ ખાતા નથી કે તેનું વેચાણ પણ કરતાં નથી. માત્ર પક્ષીઓ રસાયણમુક્ત ફળો ખાઈ શકે તે માટે તેઓ ઝાડના બધા ફળો તેમના માટે મૂકી દે છે. તેમના ફાર્મમાં રસાયણમુક્ત જમીન તો છે જ સાથે સાથે મોર, ચકલી, પોપટ સહિત અનેક પક્ષીઓનો દિવસભર કલરવ પ્રદૂષણમુક્ત વાતાવરણ માંથી મનને શાંતિ આપે તેવું વાતાવરણ પણ ઊભું થયું છે.

જામનગર તાલુકાના ઠેબા ગામે રહેતા દિલીપભાઈ સંઘાણી જણાવે છે કે, તેઓએ ૧૫ વિધા જમીનમાં બાગાયતીપાકો પૈકી ફળો જેમાં ચીકુ, નાળિયેરી, ખારેક, મોસંબી, આંબો, જાંબુનું વાવેતર કર્યું છે. માત્ર ને માત્ર પશુ-પક્ષીઓ કોઈ જંતુનાશક દવાઓથી પકાવ્યા વગરના ફળો ખાઈ શકે તે હેતુથી ફળોનું વેચાણ પણ કરતાં નથી. છેલ્લા ૧૧ વર્ષથી પ્રાકૃતિક ખેતી પધ્ધતિથી ખેતી કરે છે. કોઈ પણ જાતનું રાસાયણિક ખાતર ઉપયોગ કર્યું નથી. ગાયનું છાણ અને ગૌમૂત્રનો જ ખેતીમાં ઉપયોગ કરે છે. તમામ ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી પ્રત્યે જાગૃતતા લાવવા માટે સંદેશો આપતા દિલીપભાઇ જણાવે છે કે, પ્રાકૃતિક ખેતી કરવાથી મનુષ્યનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે અને જમીનની ફળદ્રુફતા વધે અને આવક સારી મળે છે.

माता भूमि पुत्रोहम प्रुथिव्या: એટલે કે ધરતી આપણી માતા છે અને આપણે તેમના પુત્ર છીએ. પરંતુ વધારે ઉત્પાદનની લાલચમાં માણસ કુત્રિમ ખાતર તથા જંતુનાશક દવાઓનો ઉપયોગ કરે છે. જેના લીધે જમીન અને માણસ બંને અનેક અનેક સમસ્યાઓથી હેરાન છે. રાસાયણિક ખાતરોના ઉપયોગથી ઉગાડેલા પાકથી માણસનું સ્વાસ્થ્ય પણ જોખમમાં મુકાય છે અને જમીનની ફળદ્રુફતા પણ ઘટે છે. પરંતુ જો કુદરતે આપેલી વસ્તુઓ ને કુદરતી જ રહેવા દઈએ તો લાંબાગાળે તેનો ફાયદો મનુષ્ય ને જ છે. માટે ખેડૂતો પણ રાસાયણિક ખેતી છોડીને પ્રકૃતિક ખેતી અપનાવે તે દિશામાં ગુજરાત સરકાર મક્કમ પગલાં લઈ રહી છે.

*+++++++++*

*સંકલન :પારૂલ કાનગળ*
*વિડીયો/ફોટો: અનવર સોઢા/અમિત ચંદ્રવાડિયા* જામનગર જીલ્લા માહિતી કચેરી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!