Jasdan: પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને જસદણ ખાતે રોગી કલ્યાણ સમિતિની બેઠક યોજાઈ
તા.૨૯/૩/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
જસદણ તાલુકાની ટીબી મુક્ત ૨૩ ગ્રામ પંચાયતોને સન્માનિત કરતા મંત્રીશ્રી
આ વિસ્તારને ટીબી મુક્ત બનવવા આરોગ્ય કર્મચારીઓની સરાહનીય કામગીરી, મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા
Rajkot, Jasdan: જસદણ તાલુકા સેવા સદન ખાતે પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને જસદણ, વિંછીયા અને સાણથલી સરકારી હોસ્પિટલની રોગી કલ્યાણ સમિતિની બેઠક યોજાઈ હતી. આ તકે “રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ” અંતર્ગત ટી.બી.મુક્ત પંચાયત-૨૦૨૪ એવોર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ૨૩ ગ્રામ પંચાયતોને ૧૦૦ ટકા ટી.બી. મુક્ત ગામ બદલ સિલ્વર, બ્રોન્ઝ મેડલ અને પ્રમાણપત્ર વિતરણ કરાયા હતા.
ગ્રામ પંચાયતોના સરપંચશ્રીઓ તેમજ આરોગ્ય કર્મચારીશ્રીઓને શુભેચ્છા પાઠવી મંત્રીશ્રીએ જણાવ્યુ હતુ કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ટી.બી. મુક્ત ભારત અભિયાનને સાર્થક કરવા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેજા હેઠળ રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આપણા માટે આનંદની વાત છે કે, આ વિસ્તારની ૨૩ ગ્રામ પંચાયતને ટી.બી. મુક્ત ગ્રામ પંચાયત જાહેર કરાઈ છે. આગામી દિવસોમાં આ દિશામાં હજી વધુ કામ કરવા જણાવી ટી.બી. મુક્ત અભિયાન એપ્રિલ માસ સુધી ચાલશે તેમ ઉમેર્યુ હતુ.
મંત્રીશ્રીએ વધુમાં કહ્યું હતું કે, આરોગ્ય કર્મચારીઓ અને આગેવાનો આ વિસ્તાર ટી.બી. મુક્ત બને, તે માટે સતત કાર્યરત છે, જેમને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું.
જો કોઈ ટી.બી.ના દર્દી જાણવા મળે તો તેમની યોગ્ય કાળજી રાખી જરૂરી દવા પૂરી પાડવી અને તેમના પરિવારોને પણ સહયોગ આપવા મંત્રીશ્રીએ ટકોર કરી હતી.
રોગી કલ્યાણ સમિતિ બેઠકમાં એપ્રિલ ૨૦૨૪થી ફેબ્રુઆરી-૨૫ સુધી થયેલ ખર્ચની ચર્ચા અને બહાલી, આવનાર સમયમાં ખુટતા સાધન સામગ્રી માટે થનાર ખર્ચ અંગેના ઠરાવ, રોગચાળા તથા હોસ્પિટલ માટે દવાની ખરીદી વગેરેની ચર્ચા કરી મંત્રીશ્રીએ જરૂરી માર્ગદર્શન આપ્યુ હતુ.
જેમા આવશ્યક દવા, સર્જીકલ સાધનો, લેબોરેટરી અને અન્ય જરૂરી વસ્તુઓની ખરીદી તથા ખર્ચ વિષે ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ, હોસ્પિટલમાં દર્દીઓને સારવાર અર્થે વધુ જરૂરી સેવાઓ માટે વિવિધ સ્થળો અને વસ્તુઓના રીપેરીંગ તથા અન્ય કામગીરી અંગે આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત એ.ટી.વી.ટી. કાર્યવાહક આયોજન સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં સાર્વજનિક કામોને પ્રાથમિકતા આપવા મંત્રીશ્રીએ અધિકારીઓને કહ્યું હતું.
આ બેઠકમાં તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ હરેશભાઈ વોરા અને શ્રી નીતાબેન ગઢાદરા, પ્રાંત અધિકારીશ્રી આર.આર.ખાંભરા, મામલતદારશ્રીઓ એચ.ડી.બારોટ, આઈ.જી.ઝાલા, તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.સી.કે.રામ, સહિત અધિકારીશ્રીઓ, જનપ્રતિનિધિઓ, તબીબો વગેરે સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.