Jetpur: જેતપુરના અફાનને મળ્યું નવજીવન : રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ બન્યો આધાર
તા.૨૩/૫/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
જામનગરની સિવિલ હોસ્પિટલ ખાતે પીઠ પર ગાંઠની વિનામૂલ્યે સફળ સર્જરી કરાઈ
Rajkot, Jetpur: રાજકોટ જિલ્લાના જેતપુરમાં શ્રી મોઈનભાઈના ઘરે જન્મેલા અફાનને જન્મજાત કરોડરજ્જુની ખામી હતી. ગુજરાત સરકારના રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત અફાનની પીઠ પરની ગાંઠનું વિનામૂલ્યે ઓપરેશન કરાયું. જામનગરની જી.જી.એચ. સિવિલ હોસ્પિટલ ખાતે સફળ સર્જરીથી અફાનને નવજીવન મળ્યું છે.
જેતપુર શહેરમાં વર્ષ ૨૦૨૩ની ૧૨મી નવેમ્બરે મોઈનભાઈના ઘરે પારણું બંધાયું. નાનકડા અફાનના આગમનથી ઘરમાં ખુશીનો માહોલ છવાઈ ગયો, પરંતુ આ ખુશી સાથે એક ચિંતા પણ હતી. અફાનની પીઠ પર જન્મથી જ એક મોટી ગાંઠ હતી, જે ન્યૂરલ ટ્યુબ એટલે કે કરોડરજ્જુની ખામી સૂચવતી હતી.
ગુજરાત સરકારના આર.બી.એસ.કે. (રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ) ટીમના ડો. રાજેશભાઈ બુટાણી અને ડો. ભાવિશાબેન રૈયાણીએ એ જ દિવસે શ્રી મોઈનભાઈના ઘરે મુલાકાત લીધી. અફાનને તપાસતા નિદાન થયું કે તેને કરોડરજ્જુની ગંભીર ખામી છે. તેમણે અફાનને રાજકોટમાં સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કર્યો, જ્યાં ઓપરેશનની સલાહ આપવામાં આવી.
આર.બી.એસ.કે. ટીમ અફાનના પરિવાર સાથે સતત સંપર્કમાં હતી. વાલીની મૂંઝવણ દૂર કરવા તેમને રાજકોટ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા ખાતે મોકલવામાં આવ્યા. ત્યાંથી અફાનને જામનગરની જી.જી.એચ. સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરાયો, જ્યાં નિષ્ણાત તબીબોએ પણ સર્જરી જ એકમાત્ર ઉપાય હોવાનું જણાવ્યું.
સર્જરીની વાત સાંભળીને અફાનના માતા-પિતા ચિંતામાં ગરકાવ થઈ ગયા. આટલા મોટા ઓપરેશનનો ખર્ચ ક્યાંથી કાઢવો, તે સવાલ તેમને કોરી ખાતો હતો. પરંતુ આર.બી.એસ.કે. ટીમે તેમને જાણ કરી કે ગુજરાત સરકાર તરફથી શાળા આરોગ્ય – રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત અફાનની તમામ સારવાર અને ઓપરેશન વિનામૂલ્યે કરવામાં આવશે. આ વાત સાંભળીને તેમને હાશકારો થયો.
આખરે વર્ષ ૨૦૨૫ની ૨૫મી જાન્યુઆરીએ જામનગરની જી.જી.એચ. સિવિલ હોસ્પિટલ ખાતે અફાનનું સફળતાપૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું. ઓપરેશન બાદ પણ આર.બી.એસ.કે. ટીમ દ્વારા નિયમિત ફોલોઅપ કરવામાં આવતું હતું. ટીમના સતત સહયોગ અને પરિવારની કાળજીને કારણે અફાન સંપૂર્ણપણે સ્વસ્થ છે.
આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન આર.બી.એસ.કે. ટીમ, રાજકોટ સિવિલ હોસ્પિટલ અને જામનગર સિવિલ હોસ્પિટલના ડોકટરોએ સહકાર આપ્યો. અફાનના પરિવારજનો આ તમામનો હૃદયપૂર્વક આભાર માને છે, કારણ કે સરકારની કલ્યાણકારી યોજનાઓ અને તબીબોની મહેનતથી જ તેમનો દીકરો સ્વસ્થ જીવન જીવી રહ્યો છે.