GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવે વૃક્ષારોપણ સાથે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો

તા.૫/૬/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

ડાક વિભાગે ‘પ્લાસ્ટિક પ્રદૂષણને મ્હાત આપો’ થીમ હેઠળ ઝુંબેશનો પ્રારંભ કર્યો

Rajkot: ભારતીય ડાક વિભાગ દ્વારા ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિત્તે વૃક્ષારોપણ અને જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર અને કચ્છ પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવે રાજકોટ મુખ્ય ડાકઘરમાં ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિત્તે વિશેષ વિરુપણ કર્યું અને વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો.

શ્રી યાદવે જણાવ્યું હતું કે, પર્યાવરણ સંરક્ષણ આજના યુગની સૌથી મોટી જરૂરિયાત છે. આવનારી પેઢીઓને શુદ્ધ ઓક્સિજન મળી રહે તે માટે વધુમાં વધુ વૃક્ષો વાવો અને તેને પરિવારના સભ્યની જેમ સાચવવા જરૂરી છે. વૈશ્વિક સ્તરે સતત વધી રહેલા તાપમાનને પણ આ વૃક્ષો અને વનસ્પતિઓ દ્વારા નિયંત્રિત કરી શકાય છે.તેમણે આ અવસરે ડાક કર્મચારીઓનું ધ્યાન પર્યાવરણમાં વધતા પ્લાસ્ટિક પ્રદૂષણ અને તેના કારણે થતી સમસ્યાઓ તરફ દોરી, દરેક ડાક કર્મચારીને વૃક્ષારોપણ દ્વારા તેના નિરાકરણમાં ભાગીદાર બનવા તેમજ ઇકો-ફ્રેન્ડલી ઉત્પાદનોનો ઉપયોગ કરવા માટે અનુરોધ કર્યો હતો.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે પર્યાવરણ અનુકૂળ જીવનશૈલી અપનાવવા અને કુદરતી સંસાધનો બચાવવા માટે અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, માત્ર ખાસ દિવસે વૃક્ષારોપણ કરવાથી સમસ્યાનું નિરાકરણ નહીં આવે, પરંતુ આપણે દરેક દિવસને પર્યાવરણ દિવસની જેમ ઉજવવા માટે જાગૃત રહેવું પડશે અને પ્લાસ્ટિક પ્રદૂષણને દૂર કરીને દર મહિને ઇકો-ફ્રેન્ડલી વૃક્ષોનું રોપણ કરવું પડશે. પર્યાવરણ સંરક્ષણ માટે આપણને ભાવિ પેઢીને પણ જાગૃત કરવી પડશે.

પ્રવર ડાક અધિક્ષક શ્રી આર. આર. વીરડાએ કહ્યું હતું કે, પર્યાવરણ સંરક્ષણ માટે વૃક્ષારોપણ કરવું આપણાં સૌનું દાયિત્વ છે. સિનિયર પોસ્ટમાસ્ટર શ્રી કે. એસ. શુક્લાએ જણાવ્યું કે વૃક્ષ આપણને જીવન આપે છે, તેથી વૃક્ષારોપણ સાથે સાથે તેમનું સંરક્ષણ પણ અત્યંત જરૂરી છે. સહાયક નિદેશક શ્રી કે. એસ. ઠક્કરે ‘એક વ્યક્તિ, એક વૃક્ષ’ના નારા સાથે વૃક્ષારોપણના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો.

આ અવસરે રેલ ડાક સેવાના અધિક્ષક શ્રી અનિલકુમાર, રાજકોટ ફિલાટેલિક એસોસિયેશનના સચિવ શ્રી એચ. સી. મહેતા, રાજકોટ ફિલાટેલિક સોસાયટીના સચિવ શ્રી જિગ્નેશ શાહ, શ્રી રાજેશ કોઠારી, સહાયક અધિક્ષક શ્રી બી. કે. જીડ, શ્રી કે. જી. જસાની, ડાક નિરીક્ષક શ્રી જે. જે. ડાંગર, શ્રી ડી. ડી. વાઘેલા, શ્રી ભાવેશ કુબાવત, શ્રી કિશોર ભટ્ટી સહિત અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!