JUNAGADHJUNAGADH CITY / TALUKOJUNAGADH RURAL

તંત્રના તમામ અધિકારીઓ જન પ્રતિનિધિઓ સાથે બેસીને -સંવાદ કરીને સ્થાનિક પ્રશ્નોનું નિરાકરણ કરે:  કેન્દ્રીય મંત્રીશ્રી

કેન્દ્રીય મંત્રીશ્રીએ ઘેડના ટીકર બામણાશા બાલાગામ મટીયાણા સહિતના ગામોની મુલાકાત લઈને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું: જરૂરી સહાય અને કામગીરી માટે અધિકારીઓને માર્ગદર્શન આપ્યું

૦૦૦

જૂનાગઢ તા. ૦૭   કેન્દ્રીય શ્રમ રોજગાર, યુવા અને સ્પોર્ટ્સ મંત્રાલય ના કેબિનેટ મંત્રી અને પોરબંદરના સાંસદ ડો. મનસુખભાઈ માંડવીયાએ આજે ઘેડ વિસ્તારમાં મુલાકાત લઈ સ્થાનિક લોકો અને લોક પ્રતિનિધિઓ સાથે સંવાદ કરી ઘેડમાં દર વર્ષે ભારે વરસાદને કારણે ઉદભવતી પરિસ્થિતિના નિરાકરણ માટે જિલ્લા તંત્રના અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. કેન્દ્રીય મંત્રી શ્રી એ કેશોદ પ્રાંત ઓફિસ ખાતે પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

કેન્દ્રીય મંત્રી શ્રી એ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સંકલનથી જુનાગઢ અને પોરબંદર જિલ્લામાં સમાવિષ્ટ ઘેડ વિસ્તારના વિકાસ માટે અને નદીકાંઠાઓમાં દર વર્ષે થતી મુશ્કેલીના નિરાકરણ માટે કાયમી આયોજન હાથ ધરાશે.

જુનાગઢ જિલ્લાની ઓજત અને મધુવંતી નદીના પાણીથી નુકસાની ન થાય તે માટે ભૌગોલિક અભ્યાસ કરીને બધી જ બાબતોને આવરી લઈને લાંબા ગાળાનો પ્લાન ચાલુ વર્ષે જાન્યુઆરી સુધીમાં તૈયાર કરવા અધિકારીઓની સૂચના આપી હતી.આગામી રાજ્ય બજેટમાં ઘેડના પ્રશ્નોના કાયમી નિરાકરણ માટે નવી આઈટમ તરીકે આ બાબતો રાજ્ય સરકાર સાથે સંકલન કરીને મૂકવામાં આવશે તેવું આયોજન છે એમ પણ મંત્રીશ્રીએ બેઠકમાં જણાવ્યું હતું.

લાંબાગાળાના આયોજન ઉપરાંત હાલની સ્થિતિમાં તાત્કાલિક ધોરણે કરવાની થતી કામગીરીની પણ મંત્રી શ્રી એ ચર્ચા કરી નદીકાંઠાના ગામોમાં ખેડૂતોને નુકસાની થઈ હોય તેમની નુકસાની અરજીઓ લેવા, ગ્રામ્ય સ્તરે સર્વે શરૂ કરી દેવા, વાડી વિસ્તારમાં વીજળીના પ્રશ્નોનું નિરાકરણ લાવવા અને અને જે રસ્તાઓનું કામ બાકી હોય તે તાત્કાલિક મરામત કરી વાહન વ્યવહાર શરૂ થઈ જાય તે માટે તે માટે સુચના આપી હતી.

મંત્રીશ્રીએ ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠીયા, શ્રી દેવાભાઈ માલમ, શ્રી અરવિંદભાઈ લાડાણી અને જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંમર સહિત તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો અને આગેવાનોના સૂચનો પણ ધ્યાને લઈ સાથે મળીને આયોજનને આખરી ઓપ આપવા માર્ગદર્શન આપ્યું હતું.

કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસીયાએ મિટિંગના પ્રારંભે કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયાનું સ્વાગત કરી ઘેડ અને આસપાસના વિસ્તારમાં સૂચિત વિકાસ અને ખાસ કરીને પાણી ભરાવાની સમસ્યાનું નિરાકરણ થાય તે માટે પ્રેઝન્ટેશનથી જરૂરી વિગતો રજૂ કરી હતી.

કલેકટર શ્રીએ મંત્રીશ્રીના માર્ગદર્શનમાં થઈ રહેલ આયોજન સંદર્ભે કરવામાં આવેલ તૈયારીઓ અંગે કેશોદમાં ઔદ્યોગિક વિકાસ, કેશોદ થી ખેત પેદાશો અને અન્ય ચીજ વસ્તુઓનું પરિવહન માટે કાર્ગો ટર્મિનલ, એરપોર્ટ ના વિકાસ માટેનું આયોજન, ઘેડ વિસ્તારના હેરિટેજ સ્થળોનો વિકાસ જેમાં લોએજ, રાખેંગાર વાવ ઉપરાંત ખાસ કરીને વંથલીના રાવણા અને ચીકુ ઉપરાંત પોષકતત્વોથી ભરપૂર અને સ્વાસ્થ માટે ઉપયોગી એવા કાળા મગને વિશેષ ઓળખ મળે તે માટે નું આયોજન, બાગાયતી પાકોના ઓઘોગિક ધોરણે રીહાઇડ્રેશન પ્લાન્ટ માટેના આયોજનો અને રસ્તા પહોળા કરવા સહિતની બાબતોનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. સિંચાઇ વિભાગના અધિકારીઓએ ઓજત અને મધુવંતીના પાણીને લીધે દર વર્ષે ઉદભવતી સ્થિતિ, નદીઓની લંબાઈ-ઊંડાઈ અને પાળાઓ તૂટવાની બાબતમાં કરવાની થતી કામગીરી તેમજ દરિયાના પાણીને નદીપટમાં આવતા રોકવા માટેનું આયોજન ઉપરાંત ડેમના દરવાજાનું આધુનિકરણ સહિતના આયોજનો રજૂ કર્યા હતા.

કેન્દ્રીય મંત્રીશ્રીએ હાલ જે પ્લાન બનાવવામાં આવે તેમાં અગાઉ ૧૯૬૦ની સમિતિ પછી જે સૂચિત આયોજનો હતા તે અંગેનો અહેવાલ પણ હાલના પ્લાનમાં જોડી જન ઉપયોગી બાબતોને આવરી લઈ ઘેડના લોકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે અને સરકારને દર વર્ષે અમુક પ્રકારની કામગીરીમાં ખર્ચ ન થાય અને લાંબા ગાળાનું આયોજન થાય તે માટે માર્ગદર્શન આપ્યું હતું. જ્યાં જરૂર પડે અને કાર્યક્ષેત્રમાં આવતી બાબતો અંગે કેન્દ્ર સરકારના અધિકારીઓ પણ સ્થાનિક તંત્રને સંકલન કરશે.

મંત્રીશ્રી એ પોરબંદર લોકસભા વિસ્તારમાં સમાવિષ્ટ ગામો શહેરોના વિકાસ માટે પાંચ વર્ષનો પ્લાન પણ તૈયાર કરવા પણ સૂચના આપી હતી.

કેન્દ્રીય મંત્રી શ્રી એ ધેડ વિસ્તારના ટીકર બામણાસા બાલાગામ, મટીયાણા માણાવદર સહિતના ગામો-વિસ્તારોની મુલાકાત લઈ સ્થાનિક  લોક પ્રતિનિધિઓ, ખેડૂતો, સરપંચ સહિતના આગેવાનો સાથે સંવાદ કરી, ગ્રામજનોની સમસ્યાઓની લેખિત રજૂઆત પણ સ્વીકારી હતી, તેમજ જ્યાં પાણી ભરાય છે તે કાઠા વિસ્તારોનું પણ નિરીક્ષણ કર્યું હતું. વધુમાં બાલાગામ અને મટીયાણાંમા ગ્રામજનો સાથે વિશેષ મીટિંગ કરી સરકારશ્રી દ્વારા કરવામાં આવનાર કામ અને તાત્કાલિક ધોરણે તંત્રને કામગીરી માટે આપવામાં આવેલી સૂચનાઓની માહિતી આપી હતી, સંવાદને અંતે મટીયાણામા વૃક્ષારોપણ કર્યું હતું.

ગ્રામ્ય વિસ્તારની મુલાકાત- મીટિંગ મેળાએ ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ, શ્રી ભગવાનજીભાઈ કરગઠીયા અને અરવિંદભાઈ લાડાણી, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુંમર, કલેકટર અનિલ કુમાર રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી નીતિન સાંગવાન, એસપી શ્રી હર્ષદ મહેતા, કેશોદના પ્રાંત અધિકારી કિશન ગરચર તેમજ માણાવદર ના પ્રાંત અધિકારી અને તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button