‘સ્વસ્થ જીવન માટે યોગ’ના સંદેશ સાથે જૂનાગઢમાં ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી
પોલીસ તાલીમ મહાવિદ્યાલય ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં અધિકારીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા

પોલીસ તાલીમ મહાવિદ્યાલય ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં અધિકારીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્ચ્યુઅલી જોડાઈને યોગ અપનાવવા પ્રેરક આહવાન કર્યું
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : ‘સ્વસ્થ જીવન માટે યોગ’ના સંદેશ સાથે આજે ગરવા ગિરનારની નિશ્રામાં ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જૂનાગઢના રાષ્ટ્રવીર છેલભાઈ દવે પોલીસ તાલીમ મહાવિદ્યાલય ખાતે સાંસદ રાજેશભાઈ ચુડાસમાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં પોલીસ તાલીમાર્થીઓ, વિદ્યાર્થીઓ અને યોગ ઉત્સાહીઓ જોડાયા હતા.





આ પ્રસંગે પશ્ચિમ બંગાળના કોલકાતા ખાતેથી વર્ચ્યુઅલી જોડાયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને યોગ અપનાવવા માટે પ્રેરણાદાયી સંબોધન કર્યું હતું. આ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ રાજકોટ ખાતેથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી લોકોને રોજિંદા જીવનમાં યોગને સ્થાન આપવા અપીલ કરી હતી.

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાનેથી બોલતા સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ જણાવ્યું હતું કે, યોગ કોઈ સામાન્ય વ્યાયામ કે આસન પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે મન અને ચેતનાને જગાડવાની આધ્યાત્મિક પ્રક્રિયા છે. આજના આધુનિક યુગ અને બદલાયેલી જીવનશૈલી વચ્ચે ઋષિમુનિઓએ આપેલી આ પરંપરા ઉત્તમ સ્વાસ્થ્યનું મજબૂત માધ્યમ છે. વડાપ્રધાનના ‘ફિટ ઈન્ડિયા’ના વિઝનનો ઉલ્લેખ કરતા તેમણે ઉમેર્યું કે, સશક્ત રાષ્ટ્રના નિર્માણ માટે નાગરિકોનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે તે અનિવાર્ય છે. વડાપ્રધાનના પ્રયાસોના કારણે જ આજે સંયુક્ત રાષ્ટ્ર સંઘ (UN)ના ૧૭૭ જેટલા દેશોએ ભારતીય યોગ પ્રણાલીનો સ્વીકાર કર્યો છે.
આ તકે ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાએ જણાવ્યું હતું કે, શરીરની તંદુરસ્તી અને મનની શક્તિના વિસ્તાર માટે યોગ અતિ આવશ્યક છે. વિશ્વભરમાં આજે ભારતીય યોગ સંસ્કૃતિ પ્રસ્થાપિત થઈ છે ત્યારે તેમણે નાગરિકોને રોજિંદા જીવનમાં ઓછામાં ઓછી ૩૦ મિનિટ યોગ કરવા માટે અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમના અંતમાં જિલ્લામાં યોગનો વ્યાપ વધારવા માટે કાર્યરત યોગ કોચ અને ટ્રેનર્સનું મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર આપી બહુમાન કરવામાં આવ્યું હતું.



આ જિલ્લા કક્ષાની ઉજવણીમાં જિલ્લા પંચાયત પ્રમુખ લીનાબેન કાવાણી, જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી જયંતસિંહ રાઠોર, ઇન્ચાર્જ એસ.પી. રોહિત ડાગર, અગ્રણી યોગીભાઈ પઢીયાર, જિલ્લા શિક્ષણ અધિકારી લતાબેન ઉપાધ્યાય, જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળા તેમજ પોલીસ તાલીમ મહાવિદ્યાલયના આચાર્ય સહિતના અધિકારીઓ-પદાધિકારીઓએ ઉપસ્થિત રહી સામુહિક યોગાભ્યાસ કર્યો હતો.




