ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી મહાશિવરાત્રીના મેળામાં સહભાગી બન્યાં
ગૃહ રાજ્ય મંત્રીએ ગિરનાર તળેટીમાં ભવનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા જુનાગઢ
જૂનાગઢ : ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી આજે મહાશિવરાત્રીના મેળામાં સહભાગી બન્યા હતા.
ગૃહો રાજ્ય મંત્રીએ ગિરનાર તળેટીમાં મહાશિવરાત્રીના પાવન દિવસે દેવાધિદેવ ભવનાથ મહાદેવના દર્શન અને પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. આ સાથે તેમણે રાજ્યની શાંતિ સલામતી, નાગરિકોની ઉત્તરોત્તર પ્રગતિ અને લોકોના ખુશહાલ જીવન માટે પ્રાર્થના કરી હતી.
ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું કે, દેશ દુનિયાના લોકો ભવનાથમાં મહાશિવરાત્રીના મેળામાં સામેલ થવા ખૂબ ઉત્સાહિત હોય છે, આ મેળામાં લાખો ભાવિકો ભગવાન ભોળાનાથનું સ્મરણ કરીને ધન્યતા અનુભવી રહ્યા છે, આ સાથે તેમણે લાખો ભાવિકોને મહાશિવરાત્રી પર્વની શુભકામનાઓ પણ પાઠવી હતી. ઉપરાંત ખાસ મહાશિવરાત્રીના મેળા દરમિયાન સ્વચ્છતા માટે સતત યોગદાન આપી રહેલા સફાઈ કર્મીઓની સેવાની સરાહના કરતા તેમને વંદન સહ અભિનંદન પણ આપ્યા હતા.
ગૃહ રાજ્યમંત્રીએ વહીવટી તંત્ર, જૂનાગઢ પોલીસ, મહાનગરપાલિકા તંત્રને મહાશિવરાત્રી મેળાના સુચારું આયોજન અને વ્યવસ્થાઓ માટે અભિનંદન આપ્યા હતા.
ગૃહ રાજ્યમંત્રીની સાથે ભવનાથ મહાદેવની પૂજામાં સંગઠન મંત્રી રત્નાકર, અગ્રણી ધવલ દવે સહિતના મહાનુભાવો જોડાયા હતા.
આ અવસરે ભવનાથ મહાદેવ મંદિરના મહંત શ્રી હરીગીરી બાપુએ ગૃહ રાજ્ય મંત્રીશ્રીનું સ્વાગત અભિવાદન કર્યું હતું.
ગૃહ રાજ્ય મંત્રીએ ભવનાથ ક્ષેત્રમાં જુદા જુદા અખાડા અને આશ્રમો ખાતે સાધુ સંતો સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.
આ તકે સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ગુજરાત વિધાનસભાના નાયબ દંડક કૌશિકભાઇ વેકરીયા, જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, ધારાસભ્ય જનકભાઈ તળાવીયા, પ્રસિદ્ધ કલાકાર કિર્તીદાન ગઢવી, અગ્રણી સર્વ કિરીટભાઈ પટેલ, પુનિતભાઈ શર્મા, હરેશભાઈ પરસાણા, દિનેશભાઈ ખટારીયા, મનનભાઈ અભાણી સહિતના પદાધિકારી-અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.