JUNAGADHKESHOD

શાળા પ્રવેશોત્સવથી શિક્ષણ યાત્રાનો શુભ પ્રારંભ, નવા વિદ્યાર્થીઓનું ઉષ્માભર્યું સ્વાગત, પાઠ્યપુસ્તક, સ્કૂલબેગ અને કિટનું વિતરણ કરી વૃક્ષારોપણ સાથે કાર્યક્રમનું સમાપન

શાળા પ્રવેશોત્સવથી શિક્ષણ યાત્રાનો શુભ પ્રારંભ, નવા વિદ્યાર્થીઓનું ઉષ્માભર્યું સ્વાગત, પાઠ્યપુસ્તક, સ્કૂલબેગ અને કિટનું વિતરણ કરી વૃક્ષારોપણ સાથે કાર્યક્રમનું સમાપન

રાજ્ય સરકારના શાળા પ્રવેશોત્સવ અભિયાન અંતર્ગત ગુરુવારના રોજ કેશોદની શ્રી સરકારી એલ.કે. હાઈસ્કૂલ ખાતે ભવ્ય શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. બાળા-બાળકોના શિક્ષણ દ્વારા જીવન ઘડતર અને રાષ્ટ્રનિર્માણના મજબૂત પાયાને વધુ સશક્ત બનાવવાના ઉદ્દેશ સાથે આયોજિત કાર્યક્રમમાં નવા પ્રવેશપાત્ર વિદ્યાર્થીઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત કેશોદ નગરપાલિકાના પ્રમુખ પ્રતીક્ષાબેન કેયુરભાઈ દેવળીયા તેમજ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. શ્રી હઠીસિંહજી વિદ્યામંદિર સ્કૂલ, રાજમહેલ પ્રાથમિક શાળા અને શ્રી સરકારી એલ.કે. હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં નવા વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો, સ્કૂલબેગ, શૈક્ષણિક કિટ તેમજ વિવિધ પ્રોત્સાહક ભેટો અર્પણ કરીને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ પ્રતીક્ષાબેન દેવળીયા, પ્રવીણભાઈ ભાલારા, ભરતભાઈ કોરિયા સહિત નગરપાલિકાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત ભારત વિકાસ પરિષદના ડો. સ્નેહલ તન્ના, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર જુનાગઢના પ્રતિનિધિ મિલેશભાઈ, હઠીસિંહજી વિદ્યામંદિરના આચાર્ય દેવેન ઠાકર, એલ.કે. હાઈસ્કૂલના પ્રિન્સિપાલ ડી.ડી. ઠાકર, રાજમહેલ પ્રાથમિક શાળાના આચાર્ય ચેતન રાજા, CRC કો-ઓર્ડિનેટર વિરમભાઈ ચોચા તેમજ SMDC કમિટીના સભ્યો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.મહાનુભાવો અને દાતાશ્રીઓના હસ્તે વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટ અને જરૂરી સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન શિક્ષણના મહત્ત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અંતે પર્યાવરણ જાગૃતિના સંદેશ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને આભારવિધિ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!