GUJARATKHERGAMNAVSARI

ખેરગામ માર્કેટ બન્યું ગંદકીનું સામ્રાજ્ય.લાખોની આવક છતાં ગંદકીનો અંબાર, ખેડૂતોની ચીખલીથી અલગ માર્કેટની માંગ ફરી ઉઠી

 

વાત્સલ્યમ્ સમાચાર

દિપક પટેલ ખેરગામ

 

લાખો રૂપિયાની આવક ધરાવતી ખેરગામ કૃષિ ઉપજ બજાર સમિતિ (માર્કેટ) આજે ગંદકી અને અવ્યવસ્થાના કારણે ચર્ચામાં છે. બજારનું સંચાલન ચીખલી APMC હેઠળ થતું હોવાનું જણાવાય છે, પરંતુ સ્વચ્છતા અને મૂળભૂત સુવિધાઓના અભાવે ખેડૂતો, વેપારીઓ અને ખરીદદારોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.દરરોજ અનેક ગામોમાંથી ખેડૂતો પોતાની ઉપજ વેચવા અને વેપારીઓ ખરીદી કરવા માટે ખેરગામ માર્કેટમાં આવે છે. છતાં બજાર પરિસરમાં અનેક સ્થળોએ કચરાના ઢગલા જોવા મળે છે. ઝાડોની આસપાસ ઘણા દિવસોથી કચરો પડ્યો રહેતા દુર્ગંધ ફેલાઈ રહી છે, જેનાથી ખેડૂતો અને વેપારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ, ખેરગામ માર્કેટને ચીખલી માર્કેટથી અલગ કરીને સ્વતંત્ર માર્કેટ બનાવવાની માંગ અનેક વખત રજૂ કરવામાં આવી છે. ખેડૂતોનું માનવું છે કે જો ખેરગામમાં સ્વતંત્ર માર્કેટ કાર્યરત થશે તો સંચાલન વધુ અસરકારક બનશે અને સ્થાનિક ખેડૂતોને વધુ સારી સુવિધાઓ મળી શકશે. જોકે આ માંગ અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ નિર્ણય જાહેર થયો નથી.લાખો રૂપિયાની આવક કરતી ખેરગામ માર્કેટમાં સ્વચ્છતા જેવી મૂળભૂત વ્યવસ્થા જળવાઈ ન રહેતા અનેક સવાલો ઉભા થયા છે. હવે ખેડૂતો અને વેપારીઓની નજર સંબંધિત તંત્ર પર છે કે ગંદકીના પ્રશ્ને તાત્કાલિક કાર્યવાહી થશે કે નહીં અને ખેરગામ માર્કેટને ચીખલીથી અલગ કરવાની લાંબા સમયથી ચાલી રહેલી માંગ પર કોઈ નિર્ણય લેવામાં આવશે કે નહીં.

Back to top button
error: Content is protected !!