KUTCHMUNDRA

જ્ઞાન સહાયક ભરતી કે ‘સિક્રેટ ઓપરેશન’? કચ્છમાં શાળા પસંદગીના નામે ઉમેદવારો સાથે ગેરવર્તણૂક અને વહીવટી ધાંધલબાજી; ૨૩ જૂનના ‘પ્રવેશોત્સવ’ ના ઓઠા હેઠળ આખી પ્રક્રિયા શંકાના દાયરામાં!

વાત્સલ્યમ્ સમાચાર,

પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.

 

જ્ઞાન સહાયક ભરતી કે ‘સિક્રેટ ઓપરેશન’? કચ્છમાં શાળા પસંદગીના નામે ઉમેદવારો સાથે ગેરવર્તણૂક અને વહીવટી ધાંધલબાજી; ૨૩ જૂનના ‘પ્રવેશોત્સવ’ ના ઓઠા હેઠળ આખી પ્રક્રિયા શંકાના દાયરામાં!

 

ભુજ/કચ્છ, ૨૧ જૂન ૨૦૨૬:

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત ‘જ્ઞાન સહાયક યોજના’ (પ્રાથમિક) અંતર્ગત કચ્છ જિલ્લામાં શનિવારે યોજાયેલી દસ્તાવેજ ચકાસણી અને સ્થળ પસંદગીની પ્રક્રિયા પારદર્શિતાના તમામ દાવાઓને પોકળ સાબિત કરીને વિવાદોના વંટોળમાં ફસાઈ ગઈ છે. સવાર સુધી પોર્ટલ પર ૧૩૩૬ ખાલી જગ્યાઓ બતાવીને બપોરે ઓનલાઇન લિસ્ટ અચાનક બદલીને માત્ર ૨૯૫ કરી દેવાના રહસ્યમય ફેરફારે સમગ્ર કચ્છના શિક્ષિત બેરોજગાર ઉમેદવારોમાં ભારે રોષ અને આક્રોશ ફેલાયો હતો જેના કારણે ‘દાળમાં કંઈક કાળું હોવાની’ આશંકા પ્રબળ બની છે. આવા ગંભીર વહીવટી ખેલ બાદ સ્થળ પસંદગી કેન્દ્ર પર ઉમેદવારો ખાસ કરીને ગ્રામ્ય મહિલાઓ સાથે કરાયેલા જોહુકમીભર્યા વર્તન અને ખાનગી પ્રક્રિયાને કારણે સમગ્ર જિલ્લામાં ભારે આક્રોશ ફાટી નીકળ્યાના સમાચાર છે. આ ચોંકાવનારા ફેરફાર પાછળ કયું મોટું વહીવટી બળ કામ કરી રહ્યું છે તે પણ એક ગંભીર તપાસનો વિષય છે.

 

૧. પ્રવેશોત્સવ પૂર્વે શિક્ષકોની સંખ્યા બતાવવા રોકેટ ગતિએ ભરતીનું શિડ્યુલ?

 

સરકારી જાહેરખબરની સત્તાવાર વિગતો મુજબ ૧૧ જૂન ૨૦૨૬ના રોજ જ્ઞાન સહાયકની જાહેરાત પ્રસિદ્ધ થયાના માત્ર ૧૦ જ દિવસમાં એટલે કે ૨૦ જૂનના રોજ ઓર્ડર ઈશ્યુ કરી દેવાની આંધળી ઉતાવળ પાછળ મોટું કારણ સામે આવ્યું છે. આગામી ૨૩ જૂનથી રાજ્યભરમાં શરૂ થઈ રહેલા ‘પ્રગતિનો પ્રવેશોત્સવ ૨૦૨૬-૨૭’ ના ‘પ્રાથમિક શાળા નિરીક્ષણ ફોર્મ’ (પ્રતિભાવ પત્રક)માં સ્પષ્ટપણે ‘કામ કરતા જ્ઞાનસહાયક’ ની સંખ્યા દર્શાવવાનું ખાનું રાખવામાં આવ્યું છે. રાજ્ય કક્ષાના અલગ અલગ વિભાગના અધિકારીઓ સમક્ષ શાળાઓમાં શિક્ષકોની ઘટ નથી તેવું ચિત્ર ઊભું કરવા અને આંકડાકીય માયાવી જાળ રચી વાહવાહી મેળવવા માટે જ લાયક ઉમેદવારોના ભોગે આ પ્રક્રિયા આટલી ઝડપથી સગેવગે કરવામાં આવી હોવાના આરોપો ઉઠી રહ્યા છે.

 

૨. કાળઝાળ ગરમીમાં મહિલા ઉમેદવારો ભૂખ્યા-તરસ્યા હેરાન-પરેશાન : ભુજ છોડી માધાપરમાં કેન્દ્ર કેમ?

સમગ્ર કચ્છ જિલ્લામાંથી આવેલા ઉમેદવારો માટે જિલ્લા મથક ભુજમાં અસંખ્ય સરકારી શાળાઓ અને કચેરીઓ હોવા છતાં દર વખતની જેમ ભુજ શહેરના બદલે ત્યાંથી દૂર માધાપર ગામની એક મોડેલ સ્કૂલમાં કેન્દ્ર રાખવામાં આવ્યું હતું. સવારે ૯ વાગ્યે હાજર થવા માટે અંતરિયાળ ગામડાંઓમાંથી મહિલા ઉમેદવારોને સવારે ૬ વાગ્યાથી ઘરની બહાર નીકળવું પડ્યું હતું. આ કેન્દ્રની આસપાસ ચા-પાણી કે નાસ્તા-જમવાની કોઈ યોગ્ય વ્યવસ્થા નહોતી. વળી શાળા તંત્ર દ્વારા રાખવામાં આવેલું પીવાનું પાણી પણ બપોર પછી ખૂટી જતાં કાળઝાળ ગરમીમાં દીકરીઓ ભૂખ્યા-તરસ્યા પેટે અકળાઈ ઉઠી હતી. વહીવટી તંત્રની આ સંવેદનહીનતા સામે વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

 

૩. ‘રૂમની બહાર લિસ્ટ નહીં!’ – પારદર્શિતાના નિયમોના ધજાગરા, વાલીઓને નો-એન્ટ્રી!

સરકારના જ નિયમ મુજબ ભરતી પ્રક્રિયામાં પૂર્ણ પારદર્શિતા જાળવવા માટે ખાલી જગ્યાઓનું લિસ્ટ એક અઠવાડિયા પહેલાં ઓનલાઈન મૂકવું પડે અને પસંદગી કેન્દ્ર પર પણ રૂમની બહાર લોબીમાં સાર્વજનિક જગ્યાએ લિસ્ટ લગાવવું ફરજિયાત છે. પરંતુ અહીં તમામ નિયમો નેવે મૂકીને ‘સિક્રેટ ભરતી પ્રક્રિયા’ આચરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

ઉમેદવારોના પ્રમાણપત્રોનું વેરિફિકેશન સવારે ૧૦ જ મિનિટમાં થઈ ગયું હોવા છતાં બપોરે ૧ વાગ્યા સુધી ઓનલાઈન લિસ્ટ છુપાવી રાખવામાં આવ્યું હતું. ૧૨ વાગ્યા પછી અચાનક શાળાઓનું ઓરિજિનલ લિસ્ટ બદલી નાખવામાં આવતા ઉમેદવારોએ જ્યારે આ ગેરરીતિ પકડવા લિસ્ટના ફોટા પાડવાનો પ્રયત્ન કર્યો ત્યારે અધિકારીઓ દ્વારા તેમનું અપમાન કરી ફોટા પાડવા દેવાયા નહોતા. પસંદગી રૂમમાં પણ વાલીઓને પ્રવેશબંધી ફરમાવી દેવાઈ હતી. ૨૦ થી ૨૫ વર્ષની ગ્રામીણ પૃષ્ઠભૂમિ ધરાવતી મહિલા ઉમેદવારો પ્રથમ વખત આવી પ્રક્રિયામાં ભાગ લેતી હોઈ તેઓ જ્યારે રૂમમાં ગઈ અને ઓનલાઈન દર્શાવેલી પોતાના ગામની શાળા ગાયબ જોઈ ત્યારે ગભરાઈ ગઈ હતી.

 

૪. અધિકારીઓની જોહુકમી?: “તમને કચ્છવાળાઓને જ વાંધો છે!”

જ્યારે ડરેલી મહિલા ઉમેદવારોએ પોતાના ગામની શાળા કેમ લિસ્ટમાં નથી તેવો સ્વાભાવિક સવાલ પૂછ્યો ત્યારે સમગ્ર પ્રક્રિયાના જવાબદાર અધિકારી અને અન્ય સહાયક અધિકારીઓએ ગુસ્સે થઈને ધમકાવવાના સૂરે જણાવ્યું કે, “કોઈએ પોતાની ગામની શાળાનો આગ્રહ રાખવો નહીં. લિસ્ટમાં જે નામ છે એમાંથી જ તાત્કાલિક ૨ મિનિટમાં એક શાળા પસંદ કરી લેવાની રહેશે.” એટલું જ નહીં ત્યાં હાજર અન્ય ઉમેદવારોને કડક સૂચના આપતાં કઠોર સ્વરે કહ્યું કે “કોઈ ચોક્કસ શાળાનું નામ કેમ નથી? એવા સવાલો કરવા નહીં. તમને કચ્છવાળાઓને જ વાંધો છે, બાકી અન્ય જિલ્લાવાળાઓને તો ગમે તે શાળા આપો લઈ લે છે તમારાથી તો એ સારા નહીં?” આ પ્રકારની કચ્છી ઉમેદવારો પ્રત્યેની ભેદભાવયુક્ત નીતિથી એ સવાલ ઊભો થાય છે કે શું તંત્ર કચ્છી ઉમેદવારોને પોતાના જ જિલ્લામાં રોજગારી આપવા નથી માંગતું? વધુમાં ગભરાયેલા ઉમેદવારોને પોતાની મરજી વિરુદ્ધ હાજર અધિકારીઓ લિસ્ટ પર આંગળી મૂકીને ‘આ શાળા તમારા માટે યોગ્ય છે.’ તેવું દબાણપૂર્વકનું જોખમી માર્ગદર્શન આપતા હોવાના દ્રશ્યો પણ કેન્દ્ર પર ચર્ચાનો વિષય બન્યા હતા.

 

૫. ખાઈ-પીને આરામ ફરમાવતા સાહેબો અને ઓર્ડર માટે તરસ્યા ઉમેદવારો!

બપોરે ૧ વાગ્યે જેમ-તેમ કરીને દબાણપૂર્વક શાળા પસંદગી પૂરી કરાવીને જવાબદાર અધિકારીઓ જમવા અને આરામ કરવા ચાલ્યા ગયા હતા. સવારે ૬ વાગ્યાથી ભૂખ્યા પેટે બેઠેલા ઉમેદવારો કેન્દ્ર પર જ ઓર્ડરની રાહ જોતા રહ્યા. સાહેબો ખાઈ-પીને આરામ ફરમાવી બપોરે ૩:૩૦ વાગ્યે કેન્દ્ર પર પરત ફર્યા અને આદેશોનું પ્રતિક વિતરણ કર્યું. અને ઓર્ડર આપતી વખતે ખાસ ટકોર કરી કે “સોમવારે (૨૨ જૂનના) કોઈપણ સંજોગોમાં શાળામાં હાજર થઈ જજો. પછી તમારી ઈચ્છા ન હોય તો તે મુજબ નિયમોનો આશરો લઈ શકો છો, પણ ૨૩ જૂનના પ્રવેશોત્સવ પહેલાં સોમવારે અચૂક હાજર થઈ જવાનું છે!” આ કડક આદેશ જ સાબિત કરે છે કે વહીવટી તંત્રને ઉમેદવારોના હિતમાં નહીં પણ પ્રવેશોત્સવના આંકડા સુધારવામાં અને બદલી પામેલ શિક્ષકોને છુટા કરવામાં જ રસ હોય એવું લાગી રહ્યું છે.

 

૬. સ્થાનિક તંત્રના ગોઠવણિયા દાવા: અખબારોના આંકડામાં જ મોટો વિરોધાભાસ!

સ્થાનિક તંત્રના માનીતા માત્ર બે વર્તમાનપત્રોમાં જ આ ભરતી પ્રક્રિયા ખૂબ જ પારદર્શક રીતે પૂર્ણ થઈ હોવાના સમાચારો છપાવવામાં આવ્યા છે. પરંતુ પાપ છાપરે ચડીને પોકારે તેમ આ બંને અખબારોના આંકડા એકબીજા સાથે જરાય મેળ ખાતા નથી!

એક અખબારમાં કુલ ૯૭૯ લાયક ઉમેદવારો હાજર રહ્યા હોવાનો દાવો છે જ્યારે બીજા મુખ્ય અખબારમાં માસિક ફિક્સ વેતન પર માત્ર ૪૧૧ જ્ઞાનસહાયકોની જ નિમણુંક થઈ હોવાનું જાહેર કરાયું છે. આ આંકડાકીય માયાવી જાળ જ બતાવે છે કે વહીવટી તંત્ર કંઈક છુપાવી રહ્યું છે.

 

૭. છ વર્ષથી ચીપકેલા અધિકારી અને ‘છ આંકડાના વ્યવહાર’ ની વ્યાપક ચર્ચા!

સામાન્ય રીતે સચિવાલયના નિયમો મુજબ ક્લાસ-૧ અધિકારીની બદલી ૩ વર્ષમાં થતી હોય છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે છેલ્લા છ વર્ષથી કચ્છ જિલ્લાનો બહોળો અનુભવ ધરાવતા બે મોટા ખાતાની જવાબદારી નિભાવતા મલાઈવાળી ચા પીવા માટે જાણીતા પ્રભાવશાળી અધિકારી કચ્છની તાસીરથી સુપેરે પરિચિત થઈ ગયા છે. ભરતીના છેલ્લા દિવસે ટેટ પરીક્ષાના વિરોધના બહાના હેઠળ જિલ્લા મથકે એકઠા થયેલા કેટલાક કાયમી શિક્ષકો અને તેમના હોદ્દેદારો (જેઓ સાહેબના કથિત એજન્ટ તરીકે પણ ઓળખાય છે) ની સિક્રેટ બેઠક શંકા ઉપજાવે છે. શિક્ષક આલમમાં ચાલતી વ્યાપક ચર્ચા મુજબ બદલી પામેલા કાયમી શિક્ષકોને વહેલા છૂટા કરવા માટે મનગમતી શાળાઓ ખાલી બતાવવા ‘છ આંકડાના મોટા નાણાકીય વ્યવહારો’ થયા હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે. આશ્ચર્યની વાત તો એ છે કે જે શિક્ષકોને આ ભાવ પોસાયો નથી તેમના દ્વારા જ આ આખી વહીવટી ગોઠવણની વાતો લોકો સમક્ષ આવી રહી હોવાનું જાણવા મળે છે.

 

૮. ટેટ-૧ ના ઉમેદવારો સાથે છેતરપિંડીની આશંકા સાથે ભરતી સામે સ્ટે લેવાશે?

 

નિયમ મુજબ ધોરણ ૧ થી ૫ માં ટેટ-૧ વાળા ૨૯૫ ઉમેદવારોની ભરતી પસંદગી મુજબ થઈ ગયા બાદ જ બાકી રહેતી ૧૦૪૧ જગ્યાઓ ઉપર જ્ઞાન સહાયકમાં ટેટ-૨ વાળા ઉમેદવારોને લેવા માટે છૂટછાટ સાથે મંજૂરી અપાઈ છે. પરંતુ હવે એવી દહેશત વર્તાઈ રહી છે કે મૂળ હક્કદાર ૨૯૫ ઉમેદવારોને તેમની મનપસંદ શાળા પસંદ કરવાનો મોકો જ આપવામાં આવ્યો નથી. જો આ ખાલી જગ્યાઓ પાછળથી ટેટ-૨ ના ઉમેદવારોને ફાળવવામાં આવશે તો તે ટેટ-૧ ના ઉમેદવારો સાથે સીધો અન્યાય અને નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થતું હોઈ છેતરપિંડીની આશંકા વચ્ચે ભરતી સામે સ્ટે લેવાશે એવી ચર્ચાએ જોર પકડ્યું છે.

 

૯. બદલીના ઓઠા હેઠળ મોટો વહીવટી ‘ખેલ’?

 

શિક્ષણ જગતમાં ચાલતી ચર્ચા મુજબ આગામી ૩૦ જૂનના રોજ બદલી પામેલા શિક્ષકોને છુટા કરવાનો પ્લાન ફિક્સ છે. આ બદલીઓ સુવ્યવસ્થિત કરવા માટે જ કદાચ સૌથી વધુ વ્યવહાર કરનાર શાળાઓની યાદી બતાવી ત્યાં જ્ઞાન સહાયકોને ગોઠવી દેવાયા હોવાની પૂરેપૂરી શંકા છે. જો કે જ્ઞાન સહાયક એ તદ્દન ૧૧ મહિનાની કરાર આધારિત ટેમ્પરરી ભરતી હોઈ નિયમ મુજબ જ્ઞાન સહાયક શિક્ષકોના આધારે બદલી પામેલા કાયમી શિક્ષકોને છુટા કરી શકાય જ નહીં. તેમ છતાં આ ભરતીમાં થયેલી વહીવટી ઉતાવળથી નિયમમાં પણ સુધારા થવાની શંકા ઉપજાવે છે.

 

૧૦. વિદ્યા સહાયકની કાયમી ભરતી અધ્ધરતાલ કેમ?

 

એક તરફ કરાર આધારિત જ્ઞાન સહાયકની ટેમ્પરરી ભરતી માત્ર ૧૦ દિવસમાં સગેવગે કરી દેવામાં આવી છે જ્યારે બીજી તરફ સમગ્ર ગુજરાતમાં પ્રાથમિક શાળાઓમાં ખાલી પડેલી અંદાજે ૧૧,૦૦૦ જેટલી કાયમી જગ્યાઓ માટે ગત ૧ એપ્રિલ ૨૦૨૬ ના રોજ ‘વિદ્યા સહાયક’ ની સત્તાવાર જાહેરાત અપાયા બાદ પણ આજ દિન સુધી તેની પ્રક્રિયા આગળ ધપાવવામાં આવી નથી. કાયમી શિક્ષકો આપવાના બદલે કરાર આધારિત યોજનામાં જગ્યાઓ છુપાવીને આચરાતા કૌભાંડ અને આવી અણઘડ નીતિથી કચ્છનું પ્રાથમિક શિક્ષણ કઈ દિશામાં આગળ જઈ રહ્યું છે? તે વિચારવું રહ્યું.

 

ન્યાયની ઉગ્ર માંગ:

જ્ઞાન સહાયકની કરાર આધારિત ૧૧ મહિનાની ટેમ્પરરી ભરતીના ઓઠા હેઠળ આચરાયેલી આ આખી કલંકિત અને જોહુકમીભરી પ્રક્રિયા તદ્દન અપારદર્શક હોવાના આક્ષેપો સાથે કચ્છના પીડિત ઉમેદવારો અને વાલીઓ દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી છે કે “માધાપર કેન્દ્ર ખાતે થયેલી આ શાળા પસંદગીની પ્રક્રિયા તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે.” અને સોમવારથી જ ઓનલાઈન પોર્ટલ પર જાહેર કરેલ તમામ ૧૩૩૬ જગ્યાઓ ફરી લાઈવ બતાવીને ટેટ-૧ પાસ ઉમેદવારોને કોઈ પણ જાતના વહીવટી દબાણ વગર મુક્ત અને પારદર્શક રીતે ફરીથી શાળા પસંદગીની તક આપવામાં આવે.

આ બાબતે પારદર્શક વહીવટ માટે પંકાયેલા ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને કચ્છ પ્રવેશોત્સવના પ્રભારી શિક્ષણમંત્રીશ્રી ત્રિકમભાઇ છાંગા લાયક ઉમેદવારોને ન્યાય અપાવીને આ સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ ઉચ્ચસ્તરીય તપાસ કરાવે એવી માંગ કરવામાં આવી છે. જો સરકાર આ બાબતે યોગ્ય ન્યાય નહીં અપાવે તો આ અન્યાય સામે આગામી સમયમાં કોર્ટ મારફતે ભરતી પ્રક્રિયા સામે ‘સ્ટે’ લેવા સહિતના આંદોલનાત્મક પગલાં ભરવા ઉમેદવારો વિચારણા કરી રહ્યાનું જાણવા મળે છે.

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 

-પુજા ઠક્કર, 

9426244508, 

ptindia112@gmail.com

Back to top button
error: Content is protected !!