KUTCHMUNDRA

શિક્ષણ જગતના મોટા સમાચાર: સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષકો માટે જિલ્લા આંતરિક બદલી કેમ્પની જાહેરાત

વાત્સલ્યમ્ સમાચાર,

પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.

 

શિક્ષણ જગતના મોટા સમાચાર: સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષકો માટે જિલ્લા આંતરિક બદલી કેમ્પની જાહેરાત

 

મુંદરા,તા.૩:

રાજ્યની સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષણ સહાયકો અને મદદનીશ શિક્ષકો માટે ખુશખબર સામે આવ્યા છે. કમિશનર શાળાઓની કચેરી દ્વારા વર્ષ ૨૦૨૬ના જિલ્લા આંતરિક ફેરબદલી કેમ્પનું સત્તાવાર ટાઈમટેબલ જાહેર કરી દેવામાં આવ્યું છે. શિક્ષણ વિભાગના નિયમોનુસાર આ સમગ્ર બદલી પ્રક્રિયા સંપૂર્ણપણે “ઓફલાઇન માધ્યમથી” જિલ્લા શિક્ષણાધિકારી (DEO) કક્ષાએથી હાથ ધરવામાં આવશે.

 

બદલી કેમ્પનું સત્તાવાર ટાઈમટેબલ (સમયમર્યાદા):

આંતરિક બદલીની સમગ્ર પ્રક્રિયા સમયબદ્ધ રીતે નીચે મુજબના આયોજન પ્રમાણે પૂર્ણ કરવાની રહેશે:

 * ૦૪ જુલાઈ ૨૦૨૬ સુધીમાં: ૦૧/૦૭/૨૦૨૬ની સ્થિતિએ માધ્યમવાર, શાળાવાર અને વિષયવાર ખાલી જગ્યાઓની વિગતો શાળા મારફત તમામ શિક્ષકોને જાહેર કરવી.

 * ૦૭ જુલાઈ ૨૦૨૬ સુધીમાં: બદલી ઈચ્છુક શિક્ષકો પાસેથી શાળાના આચાર્ય મારફત જરૂરી આધારો સાથે નિયત ફોર્મમાં અરજીઓ મેળવવી.

 * ૧૦ જુલાઈ ૨૦૨૬ સુધીમાં: ગુણવત્તા અને નિયમોના આધારે શિક્ષકોની ‘કામચલાઉ મેરિટ યાદી’ પ્રસિધ્ધ કરવી.

 * ૧૩ જુલાઈ ૨૦૨૬ સુધીમાં: કામચલાઉ મેરિટ યાદી સામે શિક્ષકો પાસેથી વાંધા-અરજી કે રજૂઆતો સ્વીકારવી.

 * ૧૪ જુલાઈ ૨૦૨૬ સુધીમાં: વાંધા અરજીઓની ચકાસણી કરી ‘આખરી મેરીટ યાદી’ પ્રસિધ્ધ કરવી અને બદલી કેમ્પની તારીખ જાહેર કરવી.

 * ૧૬ જુલાઈ ૨૦૨૬ સુધીમાં: આખરી મેરીટ યાદી અને ખાલી જગ્યા મુજબ આંતરિક ફેરબદલીના હુકમો પ્રસિધ્ધ કરવા.

 

બદલીના મહત્વના નિયમો અને માર્ગદર્શિકા:

 * સેવા અવધિ: મહિલા અને દિવ્યાંગ શિક્ષકો માટે ઓછામાં ઓછી ૧ વર્ષની સેવા જરૂરી છે. જ્યારે જેમના પતિ/પત્ની સરકારી સેવા, પંચાયત, જાહેર સાહસો કે રાષ્ટ્રીયકૃત બેંકમાં નિયમિત ફરજ બજાવે છે તેઓ પણ ૧ વર્ષની સેવા બાદ અરજી કરી શકશે. અન્ય સામાન્ય શિક્ષકો માટે ઓછામાં ઓછી ૨ વર્ષની સેવા ફરજિયાત છે.

 * રજાઓની ગણતરી: સેવાનો સમયગાળો ગણતી વખતે બિનપગારી કે અસાધારણ રજાઓનો સમય બાદ કરવાનો રહેશે. તેમજ ખાતાકીય તપાસ ચાલુ હોય કે ફરજમોકૂફી હેઠળ હોય તેવા શિક્ષકો ભાગ લઈ શકશે નહીં.

 * તક મર્યાદા: એક જિલ્લામાં આંતરિક ફેરબદલીનો લાભ સમગ્ર નોકરી દરમિયાન વધુમાં વધુ બે વખત જ મળશે. એકવાર લાભ લીધા બાદ સામાન્ય સંજોગોમાં ૩ વર્ષ સુધી પુનઃ અરજી કરી શકાશે નહીં.

 * મુખ્ય વિષય અને વિભાગ: શિક્ષકોની બદલી તેમના મૂળ નિમણૂકના મુખ્ય વિષયની ખાલી જગ્યા પર જ થઈ શકશે (દા.ત. સામાજિક વિજ્ઞાનના શિક્ષકની બદલી સામાજિક વિજ્ઞાનમાં જ થશે). ઉચ્ચત્તર માધ્યમિકના શિક્ષકની ઉચ્ચત્તરમાં અને માધ્યમિકના શિક્ષકની માધ્યમિક વિભાગમાં જ બદલી થશે.

 * દિવ્યાંગ ખાસ ભરતીની જગ્યાઓ: હાલમાં દિવ્યાંગ ખાસ ભરતી ઝુંબેશની પ્રક્રિયા કાર્યરત હોવાથી તે અંતર્ગત જાહેર થયેલી ખાલી જગ્યાઓ આ આંતરિક બદલી કેમ્પમાં દર્શાવી શકાશે નહીં.

 * કડક કાર્યવાહી: બદલી દરમિયાન જો કોઈ શિક્ષક કે કચેરી દ્વારા ખોટી અથવા બનાવટી વિગતો રજૂ કર્યાનું માલૂમ પડશે તો તેમની સામે કડક શિસ્તવિષયક પગલાં લેવાશે સીઆર (CR) બગાડવામાં આવશે અને ભવિષ્યની બદલીઓ માટે બ્લેકલિસ્ટ કરાશે.

 * ફરજિયાત રિલિવિંગ: બદલીનો હુકમ થયા બાદ શિક્ષકે જે તે શાળા છોડવી જ પડશે અને હુકમ રદ થઈ શકશે નહીં. બદલીવાળી શાળામાં ઓછામાં ઓછું ૧ નિયમિત શિક્ષકનું મહેકમ જળવાતું હોય તે રીતે ૭ કાર્યકારી દિવસમાં ફરજમુક્ત (Relieve) કરવાના રહેશે.

આ અંગે કમિશનર શાળાઓની કચેરી દ્વારા તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને શિક્ષણ વિભાગના ઠરાવોનું ચુસ્તપણે પાલન કરવા અને સંપૂર્ણ પારદર્શિતા સાથે નિયત સમયમર્યાદામાં કેમ્પ પૂર્ણ કરવા કડક આદેશો આપવામાં આવ્યા છે.

Draft Letter_COS to All DEO (શિક્ષક આંતરિક કેમ્પ)

 

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 

-પુજા ઠક્કર, 

9426244508, 

ptindia112@gmail.com

Back to top button
error: Content is protected !!