તારીખ : ૨૩-૦૭-૨૦૨૬
રિપોર્ટ : યશ માંકડ, પ્રતીક જોષી
કચ્છ જિલ્લામાં પત્રકારત્વ ક્ષેત્રે અડીખમ અવાજ, નિડર નેતૃત્વ અને પત્રકારોના હકો માટે સદા તત્પર રહેતા વાત્સલ્યમ દૈનિક સમાચાર પત્રના કચ્છ બ્યુરોચીફ શ્રી બિમલ હરેશભાઈ માંકડ દ્વારા કચ્છ પત્રકાર સંગઠન & વેલફેર ફાઉન્ડેશનના પ્રમુખ પદ માટે બહોળા સમર્થન સાથે પોતાની દાવેદારી નોંધાવવામાં આવી છે. માઇક ના ચૂંટણી પ્રતીક (નિશાન) હેઠળ તેમની આ ઉમેદવારી નોંધાતા જ સમગ્ર કચ્છ જિલ્લાના પત્રકાર આલમમાં ભારે ઉત્સાહ અને આનંદની લહેર ફરી વળી છે.
બિમલભાઈ માંકડ માત્ર એક નામ નથી, પરંતુ પત્રકારત્વની ગરિમા અને પત્રકારોના અધિકારો માટે આહોરાત કાર્યરત રહેતી એક સમર્પિત શક્તિ છે. પોતાના ગત કાર્યકાળ દરમિયાન તેમણે સંગઠનને માત્ર કાગળ પર નહીં, પરંતુ જમીની સ્તરે એક અણનમ તાકાત બનાવીને બતાવ્યું છે. કચ્છ જિલ્લાના ખૂણે-ખૂણેથી કામ કરતા પત્રકારો પર થતા અન્યાય, શોષણ કે કનડગત સામે તેઓ હંમેશા એક મજબૂત ઢાલ બનીને ઊભા રહ્યા છે. પત્રકાર પરિવારના સંતાનોના શિક્ષણ તેમજ પત્રકાર મિત્રોની આરોગ્ય વિષયક જરૂરિયાતો માટે તેમણે હાથ ધરેલા કલ્યાણકારી કાર્યો આજે પણ સમગ્ર સંગઠનમાં ઉદાહરણરૂપ છે.સંગઠન શક્તિનું વિસ્તરણ વાત કરીએ તો તમામ પત્રકારોને એક તાંતણે બાંધીને સંગઠનને વધુ વ્યાપક, સક્રિય અને પરિણામલક્ષી બનાવવામાં બીમલભાઈનો સિંહફાળો રહ્યો છે.
સત્ય અને નિષ્પક્ષતાનો અવાજ બુલંદ કરવાના ઉદ્દેશ્ય સાથે તેમણે માઇક ના નિશાન હેઠળ ફરી એકવાર સંગઠનની બાગડોર સંભાળવા પોતાની ઉમેદવારી નોંધાવી છે. તેમનો સ્પષ્ટ ધ્યેય કચ્છના પ્રત્યેક પત્રકારને સામાજિક, આર્થિક અને વહીવટી સ્તરે સન્માન અને સુરક્ષા અપાવવાનો છે. નેતૃત્વ એ પદ નથી પણ જવાબદારી છે, અને બિમલભાઈ માંકડે પોતાના કાર્યોથી સાબિત કર્યું છે કે પત્રકાર હિતથી મોટું બીજું કોઈ કર્તવ્ય નથી. બિમલભાઈ માંકડની લોકપ્રિયતા, કાર્યનિષ્ઠા અને વ્યાપક જનસંપર્કને કારણે કચ્છના અબડાસાથી લઈને વાગડ સુધીના તમામ નાના-મોટા પત્રકાર મિત્રો, જાગૃત નાગરિકો અને સામાજિક અગ્રણીઓ તરફથી તેમને અભૂતપૂર્વ સમર્થન સાંપડી રહ્યું છે.
ચૂંટણી ભલે યોજાય, પણ પત્રકાર આલમના દિલમાં તો બિમલભાઈનું નેતૃત્વ પહેલેથી જ સર્વોપરી રહ્યું છે. હાલમાં સમગ્ર કચ્છમાંથી તેમના પર ‘વિજયી ભવ’ની શુભેચ્છાઓનો અનરાધાર ધોધ વહી રહ્યો છે અને તેમની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે.



