KUTCHMUNDRA

ગુંદીયાલીની મોરાવાડી પ્રાથમિક શાળા દ્વારા ‘આપણું આકાશ’ કાર્યક્રમ અંતર્ગત ખગોળ દર્શનનું શાનદાર આયોજન

વાત્સલ્યમ્ સમાચાર,

પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.

 

ગુંદીયાલીની મોરાવાડી પ્રાથમિક શાળા દ્વારા ‘આપણું આકાશ’ કાર્યક્રમ અંતર્ગત ખગોળ દર્શનનું શાનદાર આયોજન

 

ગુંદીયાલી (તા. માંડવી), તા. 18:

તાજેતરમાં ગુંદીયાલી સ્થિત શ્રી મોરાવાડી પ્રાથમિક શાળા અને સ્ટાર ગેઝિંગ-ભુજના સંયુક્ત ઉપક્રમે “આપણું આકાશ” કાર્યક્રમનું ભવ્ય આયોજન વાછરાદાદા મંદિરના સાનિધ્યમાં કરવામાં આવ્યું હતું. સ્વચ્છ અને ખુલ્લા આકાશ નીચે યોજાયેલા આ કાર્યક્રમમાં ઉપસ્થિત જિજ્ઞાસુઓએ બ્રહ્માંડના રહસ્યોને નજીકથી નિહાળવાનો લ્હાવો લીધો હતો.

કાર્યક્રમની શરૂઆતમાં શાળાના આચાર્ય શ્રી ગૌરાંગ સોમૈયાએ સ્ટાર ગેઝિંગ ટીમનું શાબ્દિક સ્વાગત કરી ઉપસ્થિત સૌને ટીમનો પરિચય કરાવ્યો હતો. ત્યારબાદ ખગોળ નિષ્ણાત શ્રી નરેન્દ્રભાઈ ગોર દ્વારા અત્યંત સરળ અને પ્રેક્ટિકલ શૈલીમાં તારા, ગ્રહો, નક્ષત્રો તેમજ રાશિઓ વિશે ઊંડાણપૂર્વક સમજ આપવામાં આવી હતી. કાર્યક્રમના મુખ્ય આકર્ષણ સમાન ટેલિસ્કોપના માધ્યમથી શ્રી નિશાંતભાઈ ગોરે બાળકો અને વાલીઓને આકાશ દર્શન કરાવ્યું હતું, જેમાં અવકાશી પિંડોને પ્રત્યક્ષ નિહાળી સૌ મંત્રમુગ્ધ થયા હતા.

આ પ્રસંગે એસ.એમ.સી. અધ્યક્ષ શ્રી લાખભાઈ રબારી તથા શાળાના શિક્ષક શ્રી મહેન્દ્રકુમાર વસાણી દ્વારા નિષ્ણાત માર્ગદર્શક શ્રી નરેન્દ્રભાઈ ગોર અને શ્રી નિશાંતભાઈ ગોરનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં મોરાવાડીના રત્ના જેસા રબારી (પોલીસ કોન્સ્ટેબલ), હીરા રામા રબારી, નથુ કારા રબારી, ભરત નાનજી પટ્ટણી, સુરેશ મણીલાલ પટ્ટણી, દિનેશ પટ્ટણી, રાજેશ કાંતિલાલ પટ્ટણી સહિત અંદાજિત ૧૨૫થી વધુ ગ્રામજનો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ગ્રામીણ વિસ્તારના બાળકોમાં વિજ્ઞાન અને ખગોળશાસ્ત્ર પ્રત્યે રુચિ જાગૃત કરવાનો શાળાનો આ પ્રયાસ ખૂબ જ પ્રશંસનીય અને યાદગાર રહ્યો હતો.

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 

-પુજા ઠક્કર, 

9426244508, 

ptindia112@gmail.com

Back to top button
error: Content is protected !!