KUTCHMUNDRA

GSRTC કંડક્ટર ભરતી પ્રક્રિયામાં ઉમેદવારોને મોટી રાહત : કંડક્ટર લાયસન્સ, બેજ અને ફર્સ્ટ એઇડ સર્ટિફિકેટ અત્યારે ફરજિયાત નથી: અરજી ફોર્મ ભરવામાંથી મુક્તિ અપાતા હજારો યુવાનોમાં ખુશીનો માહોલ

વાત્સલ્યમ્ સમાચાર,

પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.

GSRTC કંડક્ટર ભરતી પ્રક્રિયામાં ઉમેદવારોને મોટી રાહત : કંડક્ટર લાયસન્સ, બેજ અને ફર્સ્ટ એઇડ સર્ટિફિકેટ અત્યારે ફરજિયાત નથી: અરજી ફોર્મ ભરવામાંથી મુક્તિ અપાતા હજારો યુવાનોમાં ખુશીનો માહોલ

મુંદરા, તા. 18:
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા તાજેતરમાં કંડક્ટર કક્ષાની ભરતી માટે જાહેરાત ક્રમાંક GSRTC/202627/32 પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ જાહેરાત આવ્યા બાદ રાજ્યભરના ઉમેદવારોમાં કંડક્ટર લાયસન્સ, આરટીઓ બેજ અને ફર્સ્ટ એઇડ સર્ટિફિકેટ કઢાવવા માટે ભારે અફરાતફરી અને દોડધામ મચી ગઈ હતી. પ્રાદેશિક કચેરીઓ અને સર્ટિફિકેટ સેન્ટરો પર લાંબી કતારો જોવા મળી રહી હતી, જેના કારણે નિયત સમયમાં ફોર્મ ભરી શકાશે કે કેમ તેને લઈને યુવાનોમાં ચિંતા વ્યાપી ગઈ હતી.
ઉમેદવારોની આ મૂંઝવણ અને મુશ્કેલીને ધ્યાને રાખીને નિગમના મધ્યસ્થ કચેરી, રાણીપ દ્વારા એક મહત્વપૂર્ણ સત્તાવાર યાદી જાહેર કરીને ઉમેદવારોને ખૂબ મોટી રાહત આપવામાં આવી છે.

નિગમ દ્વારા કરવામાં આવેલી મહત્વની સ્પષ્ટતા:
* વિગતો ભરવી વૈકલ્પિક: અરજીપત્રકમાં કંડક્ટર લાયસન્સની વિગતો જેવી કે *RTO Approved Base No.*, *Conductor Licence No.*, *Conductor Licence Date* અને *Valid Up To* જેવા ફિલ્ડમાં વિગતો ભરવી અત્યારે *ફરજિયાત નથી પરંતુ વૈકલ્પિક (Optional)* રાખવામાં આવી છે.
* હાલમાં લાયસન્સ ન હોય તો પણ અરજી થઈ શકશે: જે ઉમેદવારો પાસે હાલમાં કંડક્ટર લાયસન્સ ઉપલબ્ધ ન હોય, તેઓ પણ લાયસન્સ/બેજની વિગતો દર્શાવ્યા વિના ઓનલાઈન અરજીપત્રક ભરી શકશે.
* અરજી પછી પણ મેળવી શકાશે દસ્તાવેજ: ઉમેદવારો કંડક્ટર લાયસન્સ, બેજ અને ફર્સ્ટ એઇડ સર્ટિફિકેટ, ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ પૂર્ણ થયા બાદ પણ મેળવી શકશે.
* દસ્તાવેજ ચકાસણી સમયે રજૂઆત જરૂરી: આ તમામ વેલિડ દસ્તાવેજો (લાયસન્સ/બેજ/સર્ટિફિકેટ) માત્ર ઇન્ટરવ્યૂ એટલે કે દસ્તાવેજ ચકાસણી (Document Verification) સમયે જ અચૂકપણે રજૂ કરવાના રહેશે.

ઉમેદવારોમાં રાહતની લાગણી:
એસટી નિગમના આ વિદ્યાર્થીલક્ષી અને હકારાત્મક નિર્ણયથી ગુજરાતના હજારો કંડક્ટર બનવા માંગતા આશાસ્પદ ઉમેદવારોમાં રાહતની લાગણી ફેલાઈ ગઈ છે. ફોર્મ ભરવાની મૂંઝવણ દૂર થતાં હવે ઉમેદવારો શાંતિપૂર્વક પોતાની અરજી સબમિટ કરી શકશે અને સાથે જ જરૂરી દસ્તાવેજો કઢાવવા માટે પૂરતો સમય પણ મળી રહેશે. નિગમના આ નિર્ણયને રાજ્યભરના યુવા વર્ગે આવકાર્યો છે.

 

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 

-પુજા ઠક્કર, 

9426244508, 

ptindia112@gmail.com

Back to top button
error: Content is protected !!