KUTCHMUNDRA

શંખેશ્વર તીર્થમાં ભક્તિમય માહોલ: જહાજ મંદિર એન્કરવાલા ધામે ૧૦૦૮ આહુતિ સાથે શ્રી માણિભદ્ર વીર પૂજન-હવન સંપન્ન

મનોબળ અને આત્મવિશ્વાસ વધારવા માટે પૂજન-અર્ચન શ્રેષ્ઠ માધ્યમ છે: મુનિશ્રી નયશેખર મહારાજ સાહેબ

વાત્સલ્યમ્ સમાચાર,

પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.

 

શંખેશ્વર તીર્થમાં ભક્તિમય માહોલ: જહાજ મંદિર એન્કરવાલા ધામે ૧૦૦૮ આહુતિ સાથે શ્રી માણિભદ્ર વીર પૂજન-હવન સંપન્ન

 

મનોબળ અને આત્મવિશ્વાસ વધારવા માટે પૂજન-અર્ચન શ્રેષ્ઠ માધ્યમ છે: મુનિશ્રી નયશેખર મહારાજ સાહેબ

શંખેશ્વર, તા. 18:

સુપ્રસિદ્ધ જૈન તીર્થ શંખેશ્વર ખાતે આવેલ જહાજ મંદિર એન્કરવાલા ધામે માનવતાના મસીહા પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્દ વિજય રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાના દિવ્ય આશીર્વાદથી ૧૦૦૮ આહુતિ યુક્ત ‘શ્રી માણિભદ્ર વીર પૂજન-હવન’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. પૂજ્ય મુનિશ્રી પુણ્યરત્ન મહારાજ સાહેબ, પૂજ્ય મુનિશ્રી ધર્મરત્નચંદ્રજી મહારાજ સાહેબ તથા પૂજ્ય મુનિશ્રી નયશેખર મહારાજ સાહેબ અને સાધ્વીજી ભગવંતોના પાવન સાનિધ્યમાં આ ધાર્મિક અનુષ્ઠાન સંપન્ન થયું હતું.

આ પ્રસંગે પ્રવચન આપતા મુનિશ્રી નયશેખર મહારાજ સાહેબે જણાવ્યું હતું કે, શ્રી માણિભદ્ર વીર એક અત્યંત શક્તિશાળી યક્ષ દેવ છે, જે જૈન શાસન અને તીર્થોની રક્ષા માટે નિમાયેલા છે. તેમણે ઉમેર્યું કે, માણિભદ્ર વીરની પૂજા-ભક્તિ કરવાથી મન શાંત થાય છે અને હિંમત વધે છે. જૈન ધર્મમાં કોઈપણ દેવની પૂજાનો મૂળ હેતુ આત્મશુદ્ધિ અને સદાચાર છે. આ પૂજન દ્વારા ભક્તોમાં નિર્ભયતા, સકારાત્મકતા અને ધર્મ પ્રત્યેની ગાઢ લાગણી ઉત્પન્ન થાય છે.

પૂજન-હવનની વિશેષતાઓ:

આ મંગલકારી પૂજનનો લાભ એક ગુરુભક્ત પરિવારે લીધો હતો. હવન દરમિયાન મંત્રોચ્ચાર સાથે ચંદન-સુખડના કાષ્ઠ, વિશિષ્ટ ઔષધયુક્ત ગોળીઓ, સમીધા અને શુદ્ધ ઘીની આહુતિઓ અર્પણ કરવામાં આવી હતી. અંતમાં મોટી શાંતિના પાઠ સાથે નારિયેળ હોમીને પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. આ સમગ્ર વિધિ વિધિકાર શ્રી રાજુભાઈ દ્વારા શાસ્ત્રોક્ત રીતે કરાવવામાં આવી હતી અને સંગીતકાર જીતુભાઈ પાટણવાળાએ ભક્તિ સંગીતની રમઝટ બોલાવી વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું.

પૂજનથી થતા મુખ્ય લાભ:

 * ભય અને સંકટથી રક્ષણ: જીવનમાં અચાનક આવતા દુઃખ અને અવરોધોમાં રક્ષણ મળે છે.

 * આત્મવિશ્વાસમાં વધારો: માનસિક શાંતિ અને કાર્ય કરવાની હિંમત મળે છે.

 * કાર્યસિદ્ધિ: સાચા હૃદયથી ધારેલા પરોપકારી કાર્યોમાં સફળતા મળે છે.

 * દોષ નિવારણ: નકારાત્મક શક્તિઓ અને અશુભ ગ્રહોનો પ્રભાવ ઓછો થાય છે.

આ પ્રસંગે મુંબઈ, અમદાવાદ, કચ્છ, બનાસકાંઠા અને ઉત્તર ગુજરાત સહિતના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રીસંઘો, ગુરુભક્તો તેમજ રાજકીય, સામાજિક અને આધ્યાત્મિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓએ પણ આ ધાર્મિક ઉત્સવમાં હાજરી આપી ધન્યતા અનુભવી હતી.

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 

-પુજા ઠક્કર, 

9426244508, 

ptindia112@gmail.com

Back to top button
error: Content is protected !!