KUTCHMUNDRA

દેશલપર (ગુંતલી)માં વિધવા મહિલાનું મકાન જર્જરિત: બે વર્ષથી તંત્રના દ્વાર ખટખટાવવા છતાં સહાયના નામે શૂન્ય

વાત્સલ્યમ્ સમાચાર,

પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.

 

દેશલપર (ગુંતલી)માં વિધવા મહિલાનું મકાન જર્જરિત: બે વર્ષથી તંત્રના દ્વાર ખટખટાવવા છતાં સહાયના નામે શૂન્ય

નખત્રાણા, તા. 18:

નખત્રાણા તાલુકાના દેશલપર (ગુંતલી) ગામે રહેતા ગંગાસ્વરૂપ રક્ષાબા હરેશસિંહ સોઢા હાલ ગંભીર પરિસ્થિતિમાં જીવી રહ્યા છે. છેલ્લા બે વર્ષથી તેમનું રહેણાંક મકાન અત્યંત જર્જરિત હાલતમાં હોવા છતાં, તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની સહાય ન મળતા માનવતા સામે સવાલ ઊભા થયા છે.

મૃત્યુના ડર વચ્ચે રહેવા મજબૂર:

મકાનની સ્થિતિ એટલી હદે બિહામણી છે કે ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. મકાનની છતમાંથી સિમેન્ટના પોપડા ઉખડી રહ્યા છે અને લોખંડના સળિયા બહાર દેખાઈ રહ્યા છે. દિવાલોમાં પડેલી મોટી તિરાડો અને વરસાદી પાણીના ટપકવાથી મકાન પત્તાના મહેલની જેમ ધરાશાયી થાય તેવી ભીતિ સેવાઈ રહી છે. એટલું જ નહીં, મકાનમાં વીજળીના ખુલ્લા વાયરો લટકી રહ્યા હોવાથી શોર્ટ સર્કિટના કારણે જીવલેણ અકસ્માતનો ખતરો સતત મંડરાતો રહે છે.

તંત્રની ઉદાસીનતા સામે રોષ:

આર્થિક રીતે નબળા રક્ષાબાએ છેલ્લા બે વર્ષથી દેશલપર (ગું) ગ્રામ પંચાયત અને સરપંચ સહિતની સંબંધિત કચેરીઓમાં મકાન સહાય માટે અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે. જોકે, સરકારી બાબુઓની ઉદાસીનતાને કારણે આજદિન સુધી તેમને કોઈ યોગ્ય માર્ગદર્શન કે આર્થિક મદદ મળી નથી. એક તરફ સરકાર આવાસ યોજનાઓના મોટા દાવા કરી રહી છે, ત્યારે બીજી તરફ જરૂરિયાતમંદ વિધવા મહિલા ન્યાય માટે ભટકી રહ્યા છે, જે બાબતે ગામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

તાકીદે મદદની માંગ:

ગામના આગેવાનો અને સમાજસેવકોએ આ મામલે પ્રશાસનને તાકીદે હસ્તક્ષેપ કરવા અપીલ કરી છે. રક્ષાબાને વહેલી તકે ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ અથવા અન્ય સરકારી યોજના હેઠળ નવું મકાન મંજૂર કરવામાં આવે અને ત્યાં સુધી તેમના માટે રહેવાની વૈકલ્પિક સુરક્ષિત વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. જો તંત્ર દ્વારા વહેલી તકે પગલાં લેવામાં નહીં આવે તો કોઈ મોટી જાનહાનિ થવાની શક્યતા નકારી શકાય તેમ નથી.

અહેવાલ: જગદીશ દવે – દેશલપર (ગુંતલી)

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 

-પુજા ઠક્કર, 

9426244508, 

ptindia112@gmail.com

 

Back to top button
error: Content is protected !!