મહીસાગર જિલ્લા કલેકટર સુશ્રી અર્પિત સાગરના અધ્યક્ષસ્થાને લુણાવાડા જિલ્લા સેવા સદન ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઇ

મહીસાગર જિલ્લામાં ૫ થી ૨૧ જૂન દરમિયાન ‘વિકસીત ભારત સંકલ્પ’ અંતર્ગત વિવિધ જનકલ્યાણકારી કાર્યક્રમોનું આયોજન
****
રિપોર્ટર…
અમીન કોઠારી મહીસાગર
મહીસાગર જિલ્લા કલેકટર સુશ્રી અર્પિત સાગરના અધ્યક્ષસ્થાને લુણાવાડા જિલ્લા સેવા સદન ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઇ
****

પ્રધાનમંત્રીશ્રીના ૧૨ વર્ષના સફળ કાર્યકાળની ઉજવણીમાં જિલ્લાના છેવાડાના માનવીને જોડવાનો લક્ષ્યાંક
****
દિવ્યાંગોને સાધન સહાય, ૩૧ જનકલ્યાણ શિબિર અને ૧૫,૦૦૦થી વધુ વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમોથી મહીસાગર જિલ્લો ધમધમશે
****
મહીસાગર જિલ્લાના કલેકટર સુશ્રી અર્પિત સાગરના અધ્યક્ષ સ્થાને જિલ્લા સેવા સદન સભાખંડ ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં આગામી સમયમાં યોજાનાર વિવિધ લોકહિતલક્ષી કાર્યક્રમોની રૂપરેખા જાહેર કરવામાં આવી છે. માનનીય પ્રધાનમંત્રીશ્રીના વિકસીત ભારતના સંકલ્પને સાકાર કરવા અને તેમના ૧૨ વર્ષના સફળ કાર્યકાળ પૂર્ણ થવાના અવસરે, રાજ્ય સરકારની સૂચના મુજબ મહીસાગર જિલ્લામાં ૫ જૂન ૨૦૨૬ થી ૨૧ જૂન ૨૦૨૬ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમોનો મુખ્ય ઉદ્દેશ્ય છેવાડાના માનવીને વિકાસની પ્રક્રિયામાં સહભાગી બનાવી સરકારી યોજનાઓનો મહત્તમ લાભ આપવાનો છે.
જિલ્લા કલેકટર સુશ્રી અર્પિત સાગરે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ ઉજવણીના ભાગરૂપે આગામી ૧૧ જૂન ૨૦૨૬ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે લુણાવાડાના ડૉ. આંબેડકર હોલ ખાતે ‘વિકસીત ભારત સંકલ્પ સંમેલન’ (પ્રબુદ્ધ નાગરિક સંમેલન) યોજાશે. આ સંમેલનમાં CSR પ્રવૃત્તિ હેઠળ અલિમ્કો કંપની દ્વારા અંદાજે ૫૮૮ જેટલા દિવ્યાંગ જનોને વિવિધ ૭૦૦ જેટલા સાધન સહાયના કીટનું વિતરણ કરવામાં આવનાર છે. આ ઉપરાંત, ૧૧ અને ૧૨ જૂનના રોજ જિલ્લાના ૧૦ ઉત્કૃષ્ટ સ્થળોની ‘પ્રગતિપથ યાત્રા’ યોજાશે, જેમાં જિલ્લાના વિદ્યાર્થીઓ અને પ્રતિષ્ઠિત નાગરિકો મુલાકાત લઈ વિકાસ કાર્યોથી અવગત થશે.
જિલ્લાના નાગરિકોને ઘરઆંગણે યોજનાકીય લાભો મળી રહે તે માટે જિલ્લા પંચાયત સીટ અને નગરપાલિકા વિસ્તારોમાં કુલ ૩૧ જેટલી ‘જનકલ્યાણ શિબિરો’નું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરોમાં સરકારની કુલ ૧૫ જેટલી મહત્વની યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેનો સીધો લાભ અરજદારોને સ્થળ પર જ મળે તેવા પ્રયાસો કરવામાં આવશે. સાથોસાથ જિલ્લાના વિવિધ સ્થળોએ સ્વચ્છતા અભિયાન પણ હાથ ધરવામાં આવશે જેથી જાહેર આરોગ્ય અને સુખાકારીમાં વધારો કરી શકાય.
તેમણે ઉમેર્યું હતું કે,પર્યાવરણની જાળવણી અને જતનના હેતુથી ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત સમગ્ર જિલ્લામાં ૧૫,૦૦૦ થી વધુ વૃક્ષોનું વાવેતર કરવાનું લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યું છે. આ સાથે જ પ્રાકૃતિક ખેતીને વેગ આપવા માટે આગામી ૧૯ જૂન ૨૦૨૬ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે ધોળી, લુણાવાડા મુકામે ‘પ્રાકૃતિક ખેતી કાર્યશાળા’નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવશે.
આ ૧૭ દિવસીય મહોત્સવનું સમાપન ૨૧ જૂન ૨૦૨૬ ના રોજ ‘વિશ્વ યોગ દિવસ’ની ઉજવણી સાથે થશે. લુણાવાડાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાની ઉજવણીમાં અંદાજે ૨૫૦૦ જેટલા નાગરિકો ઉપસ્થિત રહી યોગાભ્યાસ કરશે. જિલ્લા કલેકટર અર્પિત સાગરે મહીસાગર જિલ્લાની જાહેર જનતાને વિકસીત ભારતનો સંકલ્પ લઈ આ તમામ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા અને સરકારી યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા હાર્દિક અપીલ કરી છે.
આ પત્રકાર પરિસદમાં નિવાસી અધિક કલેકટરશ્રી સી વી લટા, સહાયક માહિતી નિયામક હરીશ પરમાર સહિત જિલ્લાના ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મડિયાના પત્રકારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.



