MAHISAGARSANTRAMPUR

“હું સરકારી શાળામાં ભણીને અધિકારી બની શકું, તો તમે પણ તમારું લક્ષ્ય હાંસલ કરી શકો છો” : સંતરામપુર ખાતે વિદ્યાર્થીઓને પ્રેરણા આપતા મહીસાગર પોલીસ અધિક્ષકશ્રી સફિન હસન

“હું સરકારી શાળામાં ભણીને અધિકારી બની શકું, તો તમે પણ તમારું લક્ષ્ય હાંસલ કરી શકો છો” : સંતરામપુર ખાતે વિદ્યાર્થીઓને પ્રેરણા આપતા મહીસાગર પોલીસ અધિક્ષકશ્રી સફિન હસન
***

રિપોર્ટર…
અમીન કોઠારી મહીસાગર

જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં સંતરામપુરની પી.એમ. શ્રી તાલુકા શાળા ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ યોજાયો
***
SP શ્રી સફિન હસને ૫૫ ભૂલકાઓને મોઢું મીઠું કરાવી, શૈક્ષણિક કીટ અર્પણ કરી શાળામાં પ્રવેશ કરાવ્યો
***

 


દીકરી પોતાના પગભર થાય અને આર્થિક રીતે સક્ષમ બને તે આજના સમયની માંગ છે: પોલીસ અધિક્ષકશ્રી સફિન હસન
****

મહીસાગર જિલ્લાના સંતરામપુર ખાતે આવેલ પી.એમ. શ્રી તાલુકા શાળામાં જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી સફિન હસનના અધ્યક્ષસ્થાને ‘પ્રગતિનો પ્રવેશોત્સવ’ થીમ આધારિત કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે SP શ્રી સફિન હસને ૫૫ જેટલા ભૂલકાંઓને શૈક્ષણિક કીટ અર્પણ કરી, મોઢું મીઠું કરાવીને ઉત્સાહભેર શાળામાં પ્રવેશ કરાવ્યો હતો. આ ઉપરાંત શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને વિશેષ સન્માનિત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન પોલીસ અધિક્ષકશ્રી સફિન હસને વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સાથે આત્મીય સંવાદ સાધ્યો હતો. તેમણે બાળકોને તેમના ભવિષ્યના લક્ષ્યો વિશે પૂછતાં, માસૂમ ભૂલકાંઓએ પોલીસ, આર્મી અને ડૉક્ટર બનવાનો અનેરો ઉત્સાહ દર્શાવ્યો હતો. આ સાંભળીને આનંદિત થયેલા SP શ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે સંતરામપુરમાંથી ભવિષ્યમાં અનેક તબીબો અને અધિકારીઓ દેશની સેવામાં જોડાશે.

સરકારી શાળાના વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારતા તેમણે પોતાના જીવનનો પ્રેરણાદાયક દાખલો આપ્યો હતો. તેમણે જણાવ્યું કે, તેઓ પોતે પણ સરકારી શાળામાં ગુજરાતી માધ્યમમાં જ ભણ્યા છે અને તેમના માતા-પિતા મજૂરીકામ કરતા હતા. જો તેઓ સખત મહેનત કરીને આ મુકામ સુધી પહોંચી શકતા હોય, તો આ શાળાના બાળકો પણ મક્કમ નિર્ધારથી ધારેલું લક્ષ્ય ચોક્કસ પ્રાપ્ત કરી શકે છે.

કન્યા કેળવણીના મહત્વ પર વિશેષ ભાર મૂકતા શ્રી સફિન હસને સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે દીકરીઓને અધવચ્ચેથી ભણતર ઉઠાડી લેવી કે માત્ર ઘરકામમાં જોતરી દેવી તે યોગ્ય નથી. આજના સમયમાં દીકરી પોતાના પગભર થાય અને આર્થિક રીતે સક્ષમ બને તે અત્યંત આવશ્યક છે. તેમણે વાલીઓને અનુરોધ કર્યો હતો કે સમાજ કે અન્ય કોઈના દબાણમાં આવ્યા વિના દીકરીઓને છેક સુધી ઉચ્ચ શિક્ષણ અપાવવું જોઈએ. સમાજના ડરથી દીકરીઓના સપનાઓ ન રોળાય તે જોવાની પ્રાથમિક જવાબદારી વાલીઓની છે.

તેમણે વધુમાં ઉમેર્યું કે, બાળકોને શાળાએ મોકલવા, તેમને સમયસર ભણાવવા અને એક સારા નાગરિક બનાવવા એ માત્ર વહીવટીતંત્ર કે શિક્ષકોની જ નહીં, પરંતુ વાલીઓ અને સમગ્ર સમાજની પણ સંયુક્ત જવાબદારી છે.

પ્રવેશોત્સવના આ કાર્યક્રમના અંતે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હસ્તે શાળા પરિસરમાં પર્યાવરણના જતન અને સંવર્ધન હેતુ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રેરણાદાયક પ્રસંગે સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી, શાળાના આચાર્યશ્રી, શિક્ષકગણ, વાલીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!