સંતરામપુરના મહુવાસા પંચાયતના સરપંચને પદ પરથી દૂર કરવા હુકમ.
સંતરામપુરના મોવાસા પંચાયતના સરપંચને પદ પરથી દૂર કરવા હુકમ…
અમીન કોઠારી મહીસાગર
તા.૧/૧૦/૨૪
સંતરામપુર મોવાસા ગ્રા.પં.ના વિજેતા સરપંચે ખોટું જાતિનું પ્રમાણપત્ર રજૂ કરેલ હોવાનું બહાર આવતાં કોર્ટે સરપંચ પદ પરથી દૂર કરીને અન્ય મહિલા ઉમેદવારનું જાતિ પ્રમાણપત્ર સાચું હોવાથી તેમને બે વર્ષ બાદ વિજેતા સરપંચ જાહેર કરતાં રાજકારણ ગરમાયું છે.
સંતરામપુરના મોવાસા ગ્રામ પંચાયતની અનુસૂચિત જનજાતિ (સ્ત્રી) ઉમેદવાર તરીકેની ચૂંટણીમાં માલીવાડ ગંગાબેન ભલજીભાઇ અને ભાવનાબેન બીપીનભાઇ ખાંટે ઉમેદવારી નોધાવી હતી. બંનેએ અનુસૂચિત જનજાતિના પ્રમાણપત્ર ઉમેદવારી પત્ર સાથે રજૂ કર્યા બાદચૂંટણી તા.19 ડિસેમ્બર 2021ના રોજ યોજાઇ હતી. મત ગણતરીના દિવસે 1501 મતદારના મતની ગણતરી કરવામાં આવી હતી. મતગણતરી બાદ ચુંટણી અધિકારીએ માલીવાડ ગંગાબેન ભલજીભાઇને સરપંચ પદે વિજેતા જાહેર કર્યા હતા. હારેલા ઉમેદવાર ભાવનાબેન ખાંટે સંતરામપુર કોર્ટમાં અરજી દાખલ કરી હતી.
અરજીમાં જણાવેલ કે સરપંચ તરીકે વિજેતા ઉમેદવાર માલીવાડ ગંગાબેને હિન્દુ ભીલ જ્ઞાતિનું પ્રમાણપત્ર રજૂ કરેલ છે. તે તદ્ન ખોટું અને ઉપજાવી કાઢેલ છે. તથા મૃતક મતદારોના મત પણ પડેલ હોવાનું જણાતા રીકાઉન્ટિંગની માંગ કરતા ચૂંટણી અધિકારીએ રીકાઉન્ટિંગ કરવાની ના પાડી દીધી હતી. જેથી પરિણામ ખોટું હોવાની અરજી કરી હતી. જે અરજી કોર્ટમાં ચાલી જતાં દલીલો તથા પુરાવાના આ ધારે વિજેતા સરપંચ માલીવાડ ગંગાબેન દ્વારા રજૂ કરેલ જાતિ પ્રમાણપત્ર આદિજાતી વિકાસ અધિકારી ગોધરા દ્વારા અપાયેલ ન હતું.
જેથી પ્રમાણપત્ર ખોટુ હોવાનું પુરવાર થતાં સંતરામપુર કોર્ટે મોવાસા ગ્રા.પંના સરપંચની ચૂંટણીના પરિણામમાં સુધારો કરતો હુકમ કર્યો છે. જેમાં માલીવાડ ગંગાબેનને સરપંચ પદના હોદ્દા પરથી ગેરલાયક ઠરાવાતા સરપંચ પદ પરથી દૂર કરાય છે.
અને ભાવનાબેન બીપીનભાઇ ખાંટે સરપંચની ચુંટણીમાં ફોર્મ રજૂ કરેલ જાતિ પ્રમાણપત્ર કાયદેસરનું જણાતાં મોવાસા ગ્રા.પંના સરપંચ તરીકે ભાવનાબેન ખાંટને વિજેતા જાહેર કર્યા છે. આ બે વર્ષ બાદ બોગસ પ્રમાણપત્રના આધારે વિજેતા બનેલા સરપંચને પદ પરથી દૂર કરીને બીજા મહિલા ઉમેદવારને વિજેતા જાહેર કરતા પંથકમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે.