MAHISAGARSANTRAMPUR

પ્રવાસીઓની સુરક્ષા માટે લુણાવાડા સહિતના મુખ્ય બસ સ્ટેન્ડ્સ ખાતે વિશેષ ORS વિતરણ કેન્દ્ર અને હેલ્પ ડેસ્ક શરૂ કરાયા

મહીસાગર જિલ્લામાં કાળઝાળ ગરમી સામે આરોગ્ય વિભાગ સતર્ક
**

રિપોર્ટર….
અમીન કોઠારી મહીસાગર

પ્રવાસીઓની સુરક્ષા માટે લુણાવાડા સહિતના મુખ્ય બસ સ્ટેન્ડ્સ ખાતે વિશેષ ORS વિતરણ કેન્દ્ર અને હેલ્પ ડેસ્ક શરૂ કરાયા
**
નાગરિકોને ગરમીથી બચવા ખાસ તકેદારી રાખવા અપીલ
**

હવામાન વિભાગની આગાહી મુજબ સમગ્ર રાજ્યની સાથે મહીસાગર જિલ્લામાં પણ ગરમીનો પારો સતત ઊંચકાયો છે. અંગ દઝાડતી ગરમી અને લૂની સંભાવનાને ધ્યાનમાં રાખીને મહીસાગર જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જનજાગૃતિ અભિયાન સાથે વિશેષ કામગીરી શરૂ કરવામાં આવી છે.

મહીસાગર આરોગ્ય અધિકારી સી આર પટેલીયાના જણાવ્યા મુજબ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ખાસ કરીને મુસાફરોની સુરક્ષા માટે જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા સહિત બાલાસિનોર અને સંતરામપુર બસ સ્ટેન્ડ ખાતે ખાસ ORS વિતરણ કેન્દ્ર અને હેલ્પ ડેસ્ક કાર્યરત કરવામાં આવ્યા છે. બસ સ્ટેન્ડ પર આવતા-જતા મુસાફરો ડિહાઇડ્રેશનનો શિકાર ન બને તે માટે સ્થળ પર જ ORS સોલ્યુશન બનાવીને આપવામાં આવી રહ્યું છે, સાથે જ જરૂરીયાત મુજબ ORS પાઉચનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે. મુસાફરોને ગરમીથી બચવા માટે માહિતગાર કરવાના હેતુથી બસ સ્ટેન્ડના કંટ્રોલ રૂમ પરથી સતત એનાઉન્સમેન્ટ કરવામાં આવી રહી છે. તંત્ર દ્વારા લોકોને કામ વગર બપોરના સમયે બહાર ન નીકળવા અને ગરમીથી સાવચેત રહેવા ખાસ અપીલ કરવામાં આવી છે.

મહીસાગર જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા નાગરિકોને તકેદારી રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે. દિવસ દરમિયાન પુષ્કળ પ્રમાણમાં પાણી, છાશ અને અન્ય કુદરતી પ્રવાહી પીવું, બહાર નીકળતી વખતે હંમેશા હળવા રંગના સુતરાઉ કપડાં પહેરવા અને માથું ટોપી, રૂમાલ કે છત્રીથી ઢાંકી રાખવું.ખાસ કરીને બપોરના સમયે (૧૨ થી ૪) બિનજરૂરી રીતે ઘરની બહાર જવાનું ટાળવું, વધુ પડતા મસાલેદાર, તીખું-તળેલું ખાવાનું તેમજ ગરમ પીણાં ટાળવા,જો ગરમીના કારણે ચક્કર આવે કે તબિયત લથડે, તો વિલંબ કર્યા વગર નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) નો સંપર્ક કરવો.

મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા લોકોને આ આકરી ગરમીમાં વિશેષ તકેદારી રાખવા અને તંત્રની માર્ગદર્શિકાનું પાલન કરવા નમ્ર અપીલ કરવામાં આવી છે.

લુણાવાડા બસ સ્ટેન્ડ ખાતે અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર ડો. કલ્પેશ સુથાર અને ટીમ તેમજ લુણાવાડા એસ ટી વિભાગના સહયોગથી ઓઆરએસ વિતરણ અને સમયાંતરે કંટ્રોલ પોઈન્ટના માઇક પર આરોગ્ય વિભાગની સૂચનાઓનું એનાઉન્સીંગ કરવામાં આવી રહ્યું છે.

Back to top button
error: Content is protected !!