**મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મોટા સોનેલા ખાતે ‘પી એમ કિસાન ઉત્સવ દિવસ’ની ઉજવણીકરાઈ..

**મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મોટા સોનેલા ખાતે ‘પી એમ કિસાન ઉત્સવ દિવસ’ની ઉજવણીકરાઈ…
રિપોર્ટર અમીન કોઠારી મહીસાગર
**વડાપ્રધાનના હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી મહીસાગર જિલ્લાના ૧.૫૨ લાખથી વધુ ખેડૂતોને રૂ. ૩૦.૪૦ કરોડથી વધુની સહાયનું ડીબીટી મારફતે વિતરણકરાયુ…

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે આજે વર્ચ્યુઅલ માધ્યમથી ‘પી એમ કિસાન ઉત્સવ દિવસ’અંતર્ગત પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના ૨૩માં હપ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ યોજના હેઠળ મહીસાગર જિલ્લામાં ૧.૫૨ લાખથી વધુ ખેડૂત કુટુંબોના બેંક ખાતામાં ડીબીટી (DBT) મારફતે રૂ. ૩૦.૪૦ કરોડથી વધુની સહાય સીધી જમા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સહભાગી થવા મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મોટા સોનેલા સ્થિત ડો. બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી કલ્પનાબેન પુવારના અધ્યક્ષસ્થાને વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત ખેડૂતોને સંબોધતા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી કલ્પનાબેન પુવારે જણાવ્યું હતું કે, ખેડૂત એ આપણા દેશનો સાચો અન્નદાતા છે. જો ખેડૂત ન હોય તો સામાન્ય નાગરિકો માટે બે ટંકનું ભોજન મેળવવું અશક્ય બની જાય. તેમણે ખેડૂતોના અથાક પરિશ્રમ અને રાષ્ટ્રનિર્માણમાં તેમના યોગદાનની સરાહના કરી હતી. વધુમાં તેમણે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના ૨૩મા હપ્તાની ચુકવણીને ધરતીપુત્રો માટે ગૌરવવંતી અને તેમને આર્થિક સુરક્ષા પૂરી પાડતી બાબત ગણાવી હતી.
આધુનિક યુગમાં કૃષિ ક્ષેત્રે નવી ટેકનોલોજીના ઉપયોગ પર વિશેષ ભાર મુકતા પ્રમુખેજણાવયુ હતું કે
સરકાર દ્વારા આયોજિત કૃષિ મહોત્સવ, ટપક સિંચાઈ પદ્ધતિ અને વૈજ્ઞાનિક ખેતી જેવી યોજનાઓથી ખેડૂતોને વ્યાપક આર્થિક અને કૃષિગત ફાયદો થયો છે. જોકે, વર્તમાન સમયમાં જમીનની ઘટતી ફળદ્રુપતા, પાણીની અછત અને આબોહવા પરિવર્તન (ક્લાઈમેટ ચેન્જ) જેવા પડકારોનો સામનો કરવા માટે ખેડૂતોએ રાસાયણિક ખાતરોનો ઉપયોગ ઘટાડીને પ્રાકૃતિક ખેતી અપનાવવી જ પડશે, જે આજના સમયની તાતી માંગ છે.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી કલ્પનાબેન પુવાર અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ખેડૂતોને વિવિધ યોજનાઓનો લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મહીસાગર જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિધાર્થ, જિલ્લા ખેતીવાડી અધિકારી જગદીશ પટેલ, લુણાવાડા તાલુકા પંચાયત પ્રમુખ તેમજ અન્ય પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં સ્થાનિક ખેડૂત ભાઈ-બહેનો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા.




