મહીસાગર જિલ્લામાં સરકારી કચેરીઓની આસપાસ ૨૦૦ મીટરના વિસ્તારમાં ચારથી વધુ વ્યક્તિઓના એકઠા થવા પર પ્રતિબંધ.

મહીસાગર જિલ્લામાં સરકારી કચેરીઓની આસપાસ ૨૦૦ મીટરના વિસ્તારમાં ચારથી વધુ વ્યક્તિઓના એકઠા થવા પર પ્રતિબંધ.
****
રિપોર્ટર…
અમીન કોઠારી મહીસાગર…
કાયદો અને વ્યવસ્થા જાળવવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ: ૩૦ જુલાઈ સુધી ધરણા અને રેલીઓ પર મનાઈ
***
મહીસાગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ સરકારી કામકાજ અર્થે આવતા નાગરિકોને કોઈ અગવડતા ન પડે તે હેતુથી વહીવટી તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ સી.વી.લટા દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૭(૩) હેઠળ એક જાહેરનામું બહાર પાડીને જિલ્લાના જાહેર સ્થળોએ વગર પરવાનગીએ ધરણા, રેલી, સરઘસ કે દેખાવો કરવા પર મનાઈ ફરમાવી છે. આ આદેશ મુજબ જિલ્લામાં શાંતિ ભંગ ન થાય તે માટે ચાર કે તેથી વધુ વ્યક્તિઓએ એકઠા થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આ જાહેરનામું આગામી તારીખ ૩૦ જુલાઈ ૨૦૨૬ના રોજ ૨૪:૦૦ કલાક સુધી સમગ્ર જિલ્લામાં લાગુ રહેશે. હુકમ ખાસ કરીને મહીસાગર જિલ્લા સેવા સદન તેમજ લુણાવાડા, બાલાસિનોર, વિરપુર, સંતરામપુર, કડાણા અને ખાનપુર (બાકોર) તાલુકા સેવા સદન સહિતની તમામ સરકારી કચેરીઓના ૨૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં અસરકારક રહેશે. આ નિયત વિસ્તારમાં કોઈપણ વ્યક્તિ કે મંડળી દ્વારા પ્રતીક ધરણા, ભૂખ હડતાળ કે આમરણાંત ઉપવાસ કરવા પર પણ સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.
વહીવટી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલા આ આદેશમાંથી ચોક્કસ બાબતોને મુક્તિ આપવામાં આવી છે. ફરજ પરના સરકારી કર્મચારીઓ, હોમગાર્ડના જવાનો, લગ્નના વરઘોડા તેમજ સ્મશાનયાત્રાને આ જાહેરનામું લાગુ પડશે નહીં. આ ઉપરાંત સક્ષમ અધિકારી પાસેથી ખાસ કિસ્સામાં પરવાનગી મેળવી હોય તેવી પ્રવૃત્તિઓ અને સરકાર દ્વારા આયોજિત કાર્યક્રમો કે અભિયાનોને પણ આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે.
જો કોઈ પણ વ્યક્તિ આ આદેશનું ઉલ્લંઘન કરશે તો તેની વિરુદ્ધ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૫(૩) તથા ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ કાયદેસરની શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.



