ARAVALLIGUJARATMODASA

અરવલ્લીમાં રથયાત્રા પૂર્વે પોલીસની મોટી કાર્યવાહી, ક્રેટા કારમાંથી પિસ્તોલ અને 24 જીવતા કારતૂસ સાથે એક આરોપીની ધરપકડ

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લીમાં રથયાત્રા પૂર્વે પોલીસની મોટી કાર્યવાહી, ક્રેટા કારમાંથી પિસ્તોલ અને 24 જીવતા કારતૂસ સાથે એક આરોપીની ધરપકડ

મોડાસા: આગામી રથયાત્રાને ધ્યાનમાં રાખી અરવલ્લી જિલ્લામાં ચાલી રહેલા સઘન વાહન ચેકિંગ દરમિયાન મોડાસા રૂરલ પોલીસ અને એસઓજી ટીમને મોટી સફળતા મળી છે. વાંટડા ટોલ ટેક્સ નજીક શામળાજી-હિંમતનગર રોડ પર વાહન ચેકિંગ દરમિયાન એક ક્રેટા કારમાંથી એક નાળવાળી પિસ્તોલ, બે મેગેઝિન અને 24 જીવતા કારતૂસ મળી આવતા એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસના જણાવ્યા મુજબ, ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજાના માર્ગદર્શન હેઠળ રથયાત્રા પૂર્વે જિલ્લામાં ગેરકાયદેસર શસ્ત્રો અને દારૂગોળાના સંગ્રહ, હેરાફેરી અને ઉપયોગ પર નિયંત્રણ લાવવા માટે સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

તે દરમિયાન એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર પી.બી. ચૌધરી તથા મોડાસા રૂરલ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એલ. વસાવાની ટીમે વાંટડા ટોલ પાસે શામળાજી તરફથી આવી રહેલી જીજે-16-એફએ-7834 નંબરની હ્યુન્ડાઈ ક્રેટા કારને અટકાવી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન કારમાંથી એક નાળવાળી પિસ્તોલ, બે મેગેઝિન, 24 જીવતા કારતૂસ અને ત્રણ મોબાઇલ ફોન મળી આવ્યા હતા.

આ કેસમાં પોલીસે અંકલેશ્વર ખાતે રહેતા અને મૂળ ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લાના રહેવાસી **સાજીદ અબ્દુલરશીદ કુરેશી (ઉં.વ. 43)**ની ધરપકડ કરી છે. જ્યારે હસીબ હાફીસ કુરેશી નામનો અન્ય આરોપી હજુ ફરાર હોવાનું સામે આવ્યું છે, જેને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે.

આરોપી પાસેથી અંદાજે ₹8.94 લાખ કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. જેમાં ₹8 લાખની હ્યુન્ડાઈ ક્રેટા કાર, એક નાળવાળી પિસ્તોલ, બે મેગેઝિન, 24 જીવતા કારતૂસ તેમજ ત્રણ મોબાઇલ ફોનનો સમાવેશ થાય છે.મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે ગેરકાયદેસર હથિયારોના સ્ત્રોત અને તેના નેટવર્ક અંગે પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Back to top button
error: Content is protected !!