શ્રમિકોને અપીલ-સંમેલન સફળ બનાવો
અસંગઠિત શ્રમિકોનું રાજ્યકક્ષાનુ ૧૦મીએ યોજાશે મહાસંમેલન
જામનગર (ભરત ભોગાયતા)
૧૦ મી ડીસેમ્બર એટલે માનવ અધિકારોની વિશ્વવ્યાપી ઘોષણાનો દિવસ છે અને આ માનવ અધિકાર દિવસ નિમિતે રાજયના અસંગઠિત શ્રમિકોનું મહાસંમેલન યોજાનાર છે
આ તકે અસંગઠિત શ્રમિક હિત રક્ષક મંચ, ગુજરાત એ આહવાન કર્યુ છે કે ચાલો આપણે આપણા અધિકારો મેળવીએ, આપણી માંગોને એક મંચ ઉપર લાવીએ
વધુમાં આ સંઘએ ખૂબ લાગણીસભર રીતે જણાવ્યુ છે કે,
શ્રમિક ભાઈઓ તથા બહેનો,
૧૦ મી ડીસેમ્બર ૧૯૪૮ ના રોજ સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભાએ માનવ અધિકારોની વિશ્વવ્યાપી ઘોષણાનો સ્વીકાર કર્યો હતો. આથી આ દિવસને માનવ અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ ઘોષણા પત્ર હેઠળ વિશ્વમાં દરેક વ્યક્તિને જીવન જીવવાની સ્વતંત્રતા અને રક્ષણનો અધિકાર મળેલો છે. માનવીની પ્રતિષ્ઠા અને ગૌરવ જાળવવાની, માનવીની સામાજિક પ્રગતિ અને ઉચ્ચ જીવન ધોરણ પ્રાપ્ત કરવાની ખાતરી આપવામાં આવેલી છે. કોઈને પણ ગુલામ કે પરાધીનતાની દશામાં રાખવામાં નહિ આવે, દરેકને કોઈપણ જાતના ભેદભાવ વગર કાયદાનું રક્ષણ સમાન ધોરણે મેળવવાનો અધિકાર પ્રસ્થાપીત થયેલ છે. દરેક વ્યક્તિને પોતાના હિતોની રક્ષા માટે સંગઠન રચવાનો અને સભા, સરઘસ કાઢવાનો અધિકાર મળેલ છે. દરેક વ્યક્તિને કામ કરવાનો, કામની પસંદગીનો, કામની ન્યાયી અને ફાયદાકારક શરતો લાગુ કરાવવાનો તેમજ બેરોજગારીના સમયમાં રક્ષણ મેળવવાનો અધિકાર પ્રાપ્ત થયેલ છે. દરેક વ્યક્તિને કોઈપણ પ્રકારના ભેદભાવ વગર સમાન કાર્ય માટે સમાન વેતન મેળવવાનો અધિકાર છે. દરેક વ્યક્તિને પોતાના હિતોના રક્ષણ માટે ટ્રેડ યુનિયન રચવાનો અને તેમાં જોડાવાનો અધિકાર છે. દરેક વ્યક્તિને કામના કલાકોની વ્યાજબી મર્યાદા, પગાર સાથેની અઠવાડિક રજા તથા આરામ મેળવવાનો અધિકાર છે. દરેક વ્યક્તિને જરૂરી ખોરાક, કપડાં, મકાન અને આરોગ્યની સેવા, સાર સંભાળ તેમજ સામાજિક સેવાઓ મેળવવાનો અધિકાર છે. બેકારી, માંદગી, અશક્તિ, અપંગતા, નિરાધાર અવસ્થા, વૃદ્ધાવસ્થા, વિધવા અવસ્થા તેમજ કાબુ બહારના સંજોગોમાં તેમજ આજીવિકા ગુમાવવાની સ્થિતિઓમાં સામાજિક સુરક્ષા અને સલામતી મેળવવાનો અધિકાર છે.
ભારત દેશે સંયુક્ત રાષ્ટ્રના ઘોષણા પત્રને સ્વીકારીને સહી કરેલ છે. આપણા બંધારણે પણ આપણને આત્મ સન્માન અને ગૌરવ સાથે જીવન જીવવાનો મૂળભૂત અધિકાર આપેલ છે. આથી ૧૦ મી ડીસેમ્બર, માનવ અધિકાર દિવસ નિમિતે આપણે રાજ્યને યાદ કરાવવા માંગીએ છીએ કે ક્યાં છે અમારા માનવ અધિકારો ?
આજે દેશનો શ્રમિક ૮ કલાકની જગ્યાએ ૧૨ કલાકથી વધુ સમય તનતોડ મહેનત કરી રહ્યો છે છતાં લઘુત્તમ વેતન મળતું નથી એટલું જ નહિ મહીને સમયસર પગાર માટે પણ વલખા મારે છે, રોજબરોજ ઔદ્યોગિક અકસ્માતોમાં સેંકડો કામદારો મોતને ભેટે છે અનેક કામદારો જોખમી કામની પ્રક્રિયા અને સ્થિતિને કારણે સીલીકોસીસ, ફેફસાના રોગ, એસ્બેસ્ટોસ સંબંધિત રોગો, ઝેરી ધાતુઓને કારણે થતા રોગો, ચામડીના રોગો, અવાજને કારણે આવતી બહેરાશ, કેમિકલના સંપર્કમાં રહેવાને કારણે કેન્સર તેમજ કીડની લીવરના વ્યવસાયિક રોગોનો ભોગ બની રહ્યા છે. કામદારોની નોકરીની કોઈ સલામતી નથી.
પ્રવાસી શ્રમિકો શહેરમાં નાની ખોલકીઓમાં નર્કાગારની સ્થિતિમાં રહે છે. પાથરણા વાળા તેમજ ફેરીયાઓને પોતાનો ધંધો કરવાની જગ્યા નથી. હીરાઘસુ ભાઈઓ તેનું આયખું એક માલિક હેઠળ કામ કરીને ઘસી કાઢે તેમ છતાં માલિક-કામદાર વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત થતો નથી તેથી મજુર કાયદાઓના લાભોથી વંચિત છે, ઘરગથ્થુ કામદારો-ઘરઘાટીઓ, હમાલી કામદારો, ઓટો રિક્ષા ચાલકો, કચરો વિણનાર શ્રમજીવીઓ, ઘરે ઘરે કચરો ઉપાડનારા, સફાઈ કામદારો વિગેરેને માટે અલયદા વેલ્ફેર બોર્ડ નથી તેથી કોઈ લાભ મળતા નથી. લઘુત્તમ વેતન કાયદાનો લાભ મળતો નથી. તેઓનું કોઈ વેલ્ફેર બોર્ડ નથી.
બાંધકામ કામદારો માટે હજારો કરોડોનું વેલ્ફેર ફંડ અને અનેક યોજનાઓ અમલમાં હોવા છતાં કામદારોના જીવનમાં કોઈ સુધારો થયો નથી. માછીમારો, અગરીયાઓ, જંગલ જમીન ખેડનારા તેમજ વન ગૌણપેદાશ એકત્ર કરનારા, પાથરણા વાળા, ફેરિયાઓ વિગેરેના આજીવિકા મેળવવાના અને જીવન જીવવાના મૂળભૂત અધિકારોનું સતત હનન થયા કરે છે. કામદારો યુનિયનમાં જોડાય અને તેના શોષણ સામે અવાજ ઉઠાવે તો તેને કામ ઉપરથી હાંકી કાઢવામાં આવે છે. વેતનમાં શોષણ થતું હોય શ્રમિકોને તેમના બાળકોને મજુરીએ જોતરવા પડે છે. ખેતી, ઈટ ભઠ્ઠા, કવોરી, શેરડી કાપણીમાં કામ કરતા આદિવાસીઓને અને સમાજના અત્યંત નબળા વર્ગના શ્રમિકોને ફરજીયાત મજુરી કરવી પડે છે, વેઠ કરવી પડે છે.
દેશમાં હાલ ૨૯ મજુર કાયદાઓ અમલમાં છે પરંતુ આ બધા મજુર કાયદાઓનું ચુસ્તપણે પાલન થતું નથી. દેશના સંગઠિત ક્ષેત્રના નોકરિયાતોને પણ હવે ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ પદ્ધતિ, આઉટ સોર્સિંગથી કામ કરવું પડે છે. હાલની સમગ્ર સ્થિતિમાં આપણે રાજ્ય સરકારને યાદ અપાવવા માંગીએ છીએ કે ભારત દેશે વિશ્વ ઘોષણા પત્રમાં સહી કરી છે તેથી તેનો અમલ કરવાની રાજ્યની ફરજ બને છે.
આપણી વ્યથાઓને વ્યક્ત કરવા અને આપણી સામુહિક માંગણીઓ રાજ્ય સરકારને રજુ કરવા ૧૦ મી ડીસેમ્બરના રોજ સુરત ખાતે અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોનું સંમેલન યોજવામાં આવ્યું છે. આ સંમેલનમાં તમામ શ્રમિકોને હાજર રહી સંમેલન સફળ બનાવવા માટે અપીલ કરવામાં આવે છે.
__________________
—-regards
bharat g.bhogayata
b.sc.,ll.b.,d.n.y.(GAU),journalism (hindi),ind. relation &personal mnmg.(dr.rajendraprasad uni.)
Journalist
jamnagar
8758659878
bhogayatabharat@gmail.com