કાલોલના સમડીયાની મુવાડી વિસ્તારમાંથી ગેરકાયદેસર રેતી વહન કરતું ટ્રેક્ટર મામલતદારની ટીમે ઝડપી પાડ્યું.

કાલોલ તા ૦૭/૦૮/૨૬
સાજીદ વાઘેલા કાલોલ
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં આવેલ સમડીયાની મુવાડી વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે ખનીજ વહન કરતા વાહનો સામે મામલતદાર અને સરકલ ઓફિસરની ટીમે કડક કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, ૦૬/૦૮/૨૦૨૬ ના રોજ બપોરે આશરે ૩:૦૦ વાગ્યે તપાસ દરમિયાન GJ 17 C 2200 નંબરના ડમ્પર/ટ્રેક્ટરને સમડીયાની મુવાડી નદી વિસ્તારમાં રોકીને ચેકિંગ કરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન વાહનમાં આશરે ૪ મેટ્રિક ટન સાધી રેતી ભરેલી મળી આવી હતી. વાહનચાલક વણજારા હસમુખજી તેનાજી (ઉંમર આશરે ૨૩ વર્ષ, રહે. ગોલીબાર, તા. કાલોલ, જી. પંચમહાલ) પાસે ભુસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતા દ્વારા માન્ય રોયલ્ટી પાસ, ડિલિવરી ચલણ કે કાંટા પાવતી માંગવામાં આવતા, તેમની પાસે કોઈ પણ પ્રકારના કાયદેસરના આધાર પુરાવા કે રોયલ્ટી પાસ મળી આવ્યા ન હતા.સરકારી/ખાનગી/ગોમા નદીની જમીનમાંથી રોયલ્ટી પાસ વગર ગેરકાયદેસર રીતે ખનીજ ભરીને વહન કરવા બદલ વાહનચાલકે પોતાનો ગુનો કબૂલ્યો હતો. આ સંદર્ભે મામલતદાર કચેરીની ટીમ દ્વારા વાહન અને ગેરકાયદેસર ખનીજનો જથ્થો સીઝ (જપ્ત) કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.







