GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

ભારે વરસાદ વચ્ચે નવસારી મનપા એલર્ટ મોડમાં: મેયર અશોકભાઈ ધોરાજીયાની નાગરિકોને સાવચેતી રાખવા અપીલ

વાત્સલયમ સમાચાર

મદન વૈષ્ણવ

સતત બીજા દિવસે મેઘમહેરથી શહેર જળબંબાકાર; મનપાની ટીમ મેદાનમાં, અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કામગીરી યુદ્ધના ધોરણે શરૂ

Screenshot

નવસારી, બુધવાર: નવસારી શહેરમાં સતત બે દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો હોવાથી શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન પ્રભાવિત બન્યું છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નવસારી મહાનગરપાલિકાના મેયરશ્રી અશોકભાઈ ધોરાજીયાએ નાગરિકોને સતર્ક રહેવા અને વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે.

મેયરશ્રી અશોકભાઈ ધોરાજીયા, મહાનગરપાલિકાના અધિકારીઓ તથા વિવિધ વિભાગોની ટીમોએ વહેલી સવારથી જ શહેરના અસરગ્રસ્ત વિસ્તારોની સ્થળ મુલાકાત લઈ પાણીના ઝડપી નિકાલ, માર્ગ વ્યવસ્થા, ગટર લાઇનની સફાઈ અને રાહત કામગીરીની સમીક્ષા કરી હતી. જ્યાં જ્યાં વરસાદી પાણી ભરાયા છે ત્યાં પમ્પિંગ મશીનો અને જરૂરી સાધનો દ્વારા પાણી કાઢવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી રહી છે.

હવામાન વિભાગ દ્વારા આવતીકાલે બપોર સુધી ‘રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું હોવાથી મેયરશ્રીએ નાગરિકોને ખાસ અપીલ કરી છે કે કોઈપણ અત્યંત જરૂરી કામ સિવાય ઘરની બહાર ન નીકળે. ખાસ કરીને અપડાઉન કરતા કર્મચારીઓ અને વિદ્યાર્થીઓને શક્ય હોય ત્યાં સુધી રોડ માર્ગને બદલે ટ્રેન સેવા પસંદ કરવા સૂચન કરવામાં આવ્યું છે, જેથી રસ્તાઓ પર પાણી ભરાવા અને ટ્રાફિકની સમસ્યાથી બચી શકાય.

ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાયા હતા. મનપા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંયુક્ત રીતે રાહત કામગીરી હાથ ધરી ટ્રેક્ટર સહિતના વાહનો મારફતે અસરગ્રસ્ત પરિવારો સુધી અંદાજે ૫,૦૦૦ ફૂડ પેકેટ પહોંચાડવામાં આવ્યા છે. જરૂરિયાત મુજબ પીવાનું પાણી, આવશ્યક ચીજવસ્તુઓ અને તાત્કાલિક સહાય પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.

દરમિયાન પૂર્ણા નદીની જળસપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો હોવાથી તંત્ર સંપૂર્ણ એલર્ટ પર છે. જો નદીની સપાટી વધુ વધે તો સંભવિત પૂર જેવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાત્રિના સમયે જોખમી વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળોએ ખસેડવાની સંપૂર્ણ એડવાન્સ વ્યવસ્થા તૈયાર રાખવામાં આવી છે. આશ્રયસ્થાનો, વાહન વ્યવસ્થા, બચાવ દળો અને આવશ્યક સુવિધાઓ સજ્જ રાખવામાં આવી હોવાનું તંત્રએ જણાવ્યું છે.

મેયરશ્રીએ નાગરિકોને અપીલ કરતાં જણાવ્યું કે અફવાઓથી દૂર રહેવું, સત્તાવાર સૂચનાઓ પર જ વિશ્વાસ રાખવો, પાણી ભરાયેલા રસ્તાઓ પરથી પસાર થવાનું ટાળવું, વીજળીના થાંભલા અને ખુલ્લા વાયરથી દૂર રહેવું તેમજ બાળકોને વરસાદી પાણીમાં રમવા ન દેવા ખાસ ધ્યાન રાખવું જોઈએ.

મહાનગરપાલિકા, ફાયર વિભાગ, આરોગ્ય વિભાગ અને અન્ય બચાવ દળો 24 કલાક કાર્યરત હોવાનું જણાવતાં મેયરશ્રીએ નાગરિકોને સંયમ રાખી તંત્રને સહકાર આપવા અનુરોધ કર્યો છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે સૌના સહયોગથી આ વરસાદી પરિસ્થિતિનો સફળતાપૂર્વક સામનો કરી શકાશે.

Back to top button
error: Content is protected !!