વલસાડ જિલ્લા મહિલા પતંજલિ યોગ સમિતના જિલ્લા પ્રમુખ પદે મીના તોલાણી નિયુક્ત કરાયા તેમજ હોદેદારોની વરણી કરાઇ
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
સમગ્ર જિલ્લામાં યોગનો પ્રચાર થાય, યોગ દ્વારા લોકો સ્વસ્થ રહી રાષ્ટ્રીય ભાવનાથી જોડાઈ એવા પ્રયત્નો કરવા કટિબદ્ધતા દર્શાવાઈ
વલસાડ જિલ્લા મહિલા પતંજલિ યોગ સમિતિની બેઠક ભીડભંજન મંદિરના હોલમાં યોજાઈ હતી. જેમાં મહિલા પતંજલિ યોગ સમિતિ દક્ષિણ ગુજરાતના રાજ્ય પ્રભારી તનુજાબેન આર્ય તેમજ રાજ્ય કાર્યકારણી સદસ્ય શીલા વશી, રાજ્ય સંવાદ પ્રભારી પુષ્પા સાંગઠીયા અને જિલ્લાના તમામ તાલુકાઓના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં જિલ્લા તથા તાલુકાની સમિતિઓની રચના તેમજ આગામી તા.૨૧ જૂન આંતરરાષ્ટ્રીય દિવસના અનુસંધાનમાં પ્રચાર અને પ્રસાર અંગે આયોજન કરાયુ હતું.
આ બેઠકમાં સર્વાનુમતે વલસાડ જિલ્લાના પ્રભારી તરીકે મીનાબેન તોલાણી, મહામંત્રી દક્ષા રાઠોડ, સંગઠન મંત્રી શીતલ ત્રિગોત્રા, ખજાનચી રોશની રાવલ, વલસાડ તાલુકા કમિટીમાં તાલુકા પ્રભારી નયના ચાંપાનેરી, મહામંત્રી સુશીલા બિંદ્રા, સંગઠન મંત્રી હંસા સોલંકી, ખજાનચી શાંતા દાસ, જ્યારે પાડી તાલુકા પ્રભારી જાગૃતિ દેસાઈ, મહામંત્રી અલકા પારેખ,સંગઠન મંત્રી અલ્પા દેસાઈ, ખજાનચી મનીષા ઠાકોરને ફરજો આપવામાં આવી હતી.
આ પ્રસંગે પતંજલિ યોગ સમિતિ સાથે સંકળાયેલી અને દૈનિક નિઃશુલ્ક યોગ વર્ગો ચલાવતી બહેનોને હરિદ્વાર સ્થિત મુખ્યાલય દ્વારા જેકેટ/કોટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સમગ્ર જિલ્લામાં યોગનો પ્રચાર થાય અને યોગ દ્વારા લોકો સ્વસ્થ રહી સામાજિક તથા ધાર્મિક ક્ષેત્રે વિકાસ કરે તેમજ રાષ્ટ્રીય ભાવનાથી જોડાઈ એવા પ્રયત્નો કરવા માટે કટિબદ્ધ રહેવા રાજ્ય પ્રભારી તનુજાબેન આર્ય દ્વારા તમામ પદાધિકારીઓને માર્ગદર્શન આપ્યુ હતું સાથે નવા હોદ્દેદારોને શુભેચ્છા પણ પાઠવી હતી. આ પ્રસંગે તમામ ગુરુભાગિની બહેનોએ ભારત માતા કી જયના નારા લગાવીને ગુરુકાર્ય યોગ કાર્યને વલસાડ જિલ્લામાં આગળ ધપાવવા અને દેશ સેવા તેમજ દેશભક્તિની ભાવના સાથે જોડાયેલા રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી.