
વિજાપુર પોલીસ દ્વારા “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત ગુમ થયેલા 17 મોબાઇલ પરત કરાયા
વિજાપુર તા
વિજાપુર પોલીસ સ્ટેશન દ્વારા “તેરા તુજકો અર્પણ કાર્યક્રમ” અંતર્ગત ગુમ થયેલા મોબાઇલ ફોન શોધી તેમના મૂળ માલિકોને પરત આપવાની પ્રશંસનીય કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી હેઠળ કુલ રૂ. 5,04,246ની કિંમતના 17 મોબાઇલ ફોન શોધી કાઢી માલિકોને પરત સોંપવામાં આવ્યા હતા.
નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ, પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી તથા વિભાગીય પોલીસ અધિક્ષક દિનેશસિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર આર.જે. ચૌહાણની સૂચના મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી.
તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટેક્નિકલ (સાયબર) કામગીરી કરતા અ.પો.કો. જૈમિનકુમાર બાબુલાલ, આઈ.ટી. એક્સપર્ટ ઓમ દીપકભાઈ ઠક્કર, અ.હેડ કોન્સ્ટેબલ પ્રદિપસિંહ બળદેવસિંહ, અ.પો.કો. કાનુજી ઉદાજી તથા અન્ય સ્ટાફ દ્વારા CEIR પોર્ટલ મારફતે ટેક્નિકલ એનાલિસિસ કરીને ગુમ થયેલા મોબાઇલ ફોન શોધી કાઢવામાં આવ્યા હતા.
પોલીસ દ્વારા પરત અપાયેલા મોબાઇલ મળતાં મૂળ માલિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. વિજાપુર પોલીસની આ કામગીરીથી નાગરિકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ અને સુરક્ષાની ભાવના વધુ મજબૂત બની હોવાનું માનવામાં આવે છે.
આ કામગીરી બદલ પોલીસ ઇન્સ્પેક્ટર આર.જે. ચૌહાણ દ્વારા ટેક્નિકલ ટીમ તથા કામગીરીમાં જોડાયેલા સ્ટાફને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.




